ETV Bharat / state

કાલુપુરમાં 'કૂવામાંથી પ્રગટ' થયેલા દુર્ગા માતાજી; 150 વર્ષ જૂની સોના-ચાંદી જડિત ચૂંદડીથી શણગાર

કાલુપુર વિસ્તારની દુર્ગા માતાની પોળમાં આ માતાજીનું મંદિર સ્થિત છે. જેમને હાલ સોના-ચાંદી જડિત ચૂંદડીથી શણગાર કરવામાં આવ્યો છે.

'કૂવામાંથી પ્રગટ' થયેલા દુર્ગા માતાજી
'કૂવામાંથી પ્રગટ' થયેલા દુર્ગા માતાજી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : October 2, 2025 at 10:33 AM IST

2 Min Read
Choose ETV Bharat

અમદાવાદ : ઐતિહાસિક શહેર અમદાવાદના હૃદય સમાન કાલુપુર વિસ્તારની દુર્ગા માતાની પોળમાં સ્થિત દુર્ગા માતાનું મંદિર માત્ર પૌરાણિક આસ્થાનું કેન્દ્ર જ નહીં, પણ એક અદ્રશ્ય ઐતિહાસિક ધરોહર પણ છે. લોકવાયકા અને પેઢીઓથી ચાલતી આવતી પરંપરા આ મંદિરને વિશેષ મહત્ત્વ આપે છે.

કાલુપુર દુર્ગા માતાની પોળ : દુર્ગા માતા મંદિરના સેવક અને મૂળ કાશીના બ્રાહ્મણ પરિવારના વંશજ મુકેશ ગાંધર્વ જણાવે છે કે તેમનો પરિવાર પેઢીઓથી અહીં માતાજીની સેવા કરી રહ્યો છે. મંદિરમાં સૌથી આકર્ષક બાબત એ છે કે માતાજી અહીં નિરાકાર સ્વરૂપમાં અને બાજુમાં મહિષાસુર મર્દિનીના સાકાર સ્વરૂપમાં બિરાજમાન છે. મહિષાસુર મર્દિનીની મૂર્તિ વધ સમયેના સ્વરૂપમાં ચાર હાથમાં ખડ્ગ, ત્રિશૂળ, ઢાલ અને મહિષનું મુંડ ધારણ કરેલ છે.

કાલુપુરમાં 'કૂવામાંથી પ્રગટ' થયેલા દુર્ગા માતાજી (ETV Bharat Gujarat)

કાશીથી કાલુપુર: ધાર્મિક જોડાણ

આ મંદિરના ઇતિહાસ અનુસાર માતાજીના કાશીથી પધાર્યા હોવાની માન્યતા સાથે ગાઢ રીતે જોડાયેલો છે. મુકેશ ગાંધર્વના મતે, આ બે મંદિરો વચ્ચે એક મુખ્ય તફાવત છે: "કાશીમાં માતાજીનું મુખારવિંદ સોનાનું હોય છે, જ્યારે અહીં કાલુપુરમાં તે ચાંદીનું છે." સૌથી નોંધપાત્ર લોકવાયકા અનુસાર, માતાજી આ જગ્યાએ કૂવામાંથી પ્રગટ થયા હતા.

કાલુપુર દુર્ગા માતાની પોળ
કાલુપુર દુર્ગા માતાની પોળ (ETV Bharat Gujarat)

મંદિરનો છેલ્લો જીર્ણોદ્ધાર સંવત 1984 (અંદાજે 1928-29 AD) માં થયો હતો, જે મંદિરની પ્રાચીનતાનો પુરાવો આપે છે

નવરાત્રી અનોખો ઉત્સવ: આસ્થા અને વિરાસતનો સંગમ

શારદીય નવરાત્રી દરમિયાન અહીં ધાર્મિક ઉત્સવો ચરમસીમાએ પહોંચે છે. ખાસ કરીને આઠમ અને દશેરાના દિવસે માતાજીનો શણગાર આકર્ષણનું કેન્દ્ર બને છે. આ દિવસે માતાજીને લગભગ ૧૫૦ વર્ષ જૂની અને અત્યંત કિંમતી સોનાના અને ચાંદીના તાર વાળી ચૂંદડી ઓઢાડવામાં આવે છે, જે વિરાસતનું પ્રતીક છે.

64 દીવાની માંડવી
64 દીવાની માંડવી (ETV Bharat Gujarat)

મુખ્ય ધાર્મિક કાર્યક્રમો:

આઠમનો હવન : નવરાત્રીની આઠમે અહીં ભવ્ય હવનનું આયોજન થાય છે.

64 ખંડની પલ્લી : આ એક અનોખો ધાર્મિક કાર્યક્રમ છે.

64 દીવાની માંડવી : શરદ પૂનમના દિવસે 64 દીવાની માંડવી કરવામાં આવે છે, જે દર્શનાર્થીઓ માટે એક અવિસ્મરણીય દૃશ્ય સર્જે છે.

આ ઉપરાંત, પોળના તમામ બ્રાહ્મણ પરિવારો આ ધાર્મિક આયોજનોમાં સંપૂર્ણ સહયોગ આપે છે, જે આ મંદિર અને સ્થાનિક સમુદાય વચ્ચેના મજબૂત સંબંધોને દર્શાવે છે. કાલુપુરનું આ દુર્ગા માતાજીનું મંદિર અમદાવાદની પોળોની ધબકતી ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતને જીવંત રાખે છે.

આ પણ વાંચો...