ગીર સોમનાથ : ફરી એક વખત સોમનાથમાં ગેરકાયદેસર દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગુડલક સર્કલ નજીક સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણો પર બુલડોઝર ફરી વળ્યા છે. કેટલાક યુવાનોએ કાર્યવાહીમાં વિક્ષેપ ઉભો કરતા પોલીસે તમામને ડિટેઇન કરીને ધોરણસરની કાર્યવાહી કરી છે.
ગીર સોમનાથ ફરી બુલડોઝર ધણધણ્યું : ફરી એક વખત સોમનાથ નજીક બુલડોઝર ધણધણ્યું છે. ગુડલક સર્કલ નજીક સરકારી જમીન પર કરવામાં આવેલ રહેણાંક અને વ્યાપારિક પાકા સંકુલ તેમજ બાંધકામને તોડી પાડવાની કામગીરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. આજે સવારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શરૂ થયેલી કામગીરી સાંજ સુધી ચાલી શકે છે. જેમાં કરોડો રૂપિયાની સરકારી જમીન ખુલ્લી થવાની શક્યતા છે.
વિરોધ કરનારા યુવકોની અટકાયત : ગેરકાયદેસર દબાણો અને બાંધકામ દૂર કરતી વખતે ગુડલક સર્કલ નજીક રહેતા કેટલાક યુવાનોએ દબાણ દૂર કરવાની કાર્યવાહી સામે વિરોધ કર્યો હતો. સરકારી કામગીરીમાં વિક્ષેપ ઉભો કરવા બદલ પોલીસે કેટલાક યુવાનોને ડિટેઈન કરી અને તેને પોલીસ પકડમાં રાખ્યા છે. ત્યારબાદ ડિમોલિશનની કામગીરી ફરી એક વખત શરૂ કરાઈ હતી.
દબાણો દૂર કરતાં પૂર્વે વિધિવત નોટિસ : ગુડલક સર્કલ નજીક સરકારી સર્વે નંબરમાં પાછલા ઘણા વર્ષોથી આ વિસ્તારના લોકોએ રહેણાંક અને વ્યાપારિક સંકુલો બનાવી સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કર્યો હતો. આ તમામ કબજેદારોને જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસે તેમના બાંધકામો દૂર કરવાની અંતિમ નોટિસ પાઠવી હતી. નોટિસની સમય મર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં પણ ગેરકાયદેસર બાંધકામ કરનાર વ્યક્તિઓએ દબાણો દૂર નહીં કરાતા આજે કડક કાર્યવાહી કરવામાં આવી.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો : જે જગ્યા પર ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યાં સરકારી જમીન હતી. જેનો ઉપયોગ લોકોએ ગેરકાયદેસર રહેણાંક અને વ્યાપારિક ઇમારતો બનાવી કરવામાં આવી રહ્યો હતો. આથી 200 જેટલા પોલીસ અને SRP જવાનોના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની શરૂ કરવામાં આવી છે.
આજે સોમનાથ ખાતે હાથ ધરવામાં આવેલા ડિમોલિશનમાં 6,000 ચોરસ મીટર જમીન ખુલી કરવામાં આવી છે. જેમાં 70 જેટલા કાચા પાકા અને વ્યાપારિક સંકુલોનું બાંધકામ હતું. સરકારી સર્વે નંબર 831 જે ખુલી સરકારી જગ્યા હતી. તેના પર ગેરકાયદેસર દબાણ અને બાંધકામ હતું જેને આજે દૂર કરવામાં આવ્યું છે. આ જગ્યા પર સૂચિત સોમનાથ નવા બસ સ્ટેન્ડ આકાર પામવા જઈ રહ્યું છે તેમાં આ જમીનનો ઉપયોગ થવા જઈ રહ્યો છે. દબાણ દૂર કરતાં પૂર્વે પ્રથમ તમામ દબાણકારોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ એક અઠવાડિયા પૂર્વે તમામ બાંધકામોમાંથી વીજ કનેક્શન દૂર કરાયું હતું. તેમ છતાં દબાણકારોએ દબાણ નહીં દૂર કરતા આજે સરકારી તંત્રએ તેને દૂર કરીને 6,000 ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખુલ્લી કરાવી છે