ભુજ: કારમાં ચાલતા ક્રિકેટ સટ્ટાના કેસમાં પશ્ચિમ કચ્છ એલસીબીએ વધુ ચાર આરોપીની અટકાયત કરી છે. ગત 4 માર્ચના રોજ કારમાં બેસી ચેમ્પિયન્સ ટ્રોફીની વન-ડે ક્રિકેટ મેચ ઉપર આઇ.ડી. મારફત સટ્ટો રમાડનારા મુખ્ય સૂત્રધાર મીત ઉર્ફે બબુ કાંતિલાલ કોટકને રાજ્યસ્તરની પોલીસે ઝડપી લીધો હતો અને તેના ફોન પરથી મળેલી વિવિધ આઇ.ડી.પરથી આ કેસમાં એલસીબીએ વધુ ચાર આરોપીની અટક કરી છે.
SMCના દરોડામાં ઝડપાયું હતું સટ્ટાકાંડ
ભુજમાં ગત 4 માર્ચના ક્રિકેટ પર રમાતાં ઓનલાઈન સટ્ટા પર SMC એ દરોડો પાડ્યો હતો અને ભુજ બી ડિવિઝનની હદમાંથી SMCએ બુકીની ધરપકડ કરી હતી અને જુગાર નિવારણ અધિનિયમ 12 A અને BNS અધિનિયમ 112(2) મુજબ ગુનો નોંધી મળી આવેલ આઇડી પરથી અન્ય આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી હતી.
મુખ્ય સૂત્રધાર પાસેથી અન્ય 16 જેટલા સટોડીયાઓની આઇડી
ભુજનો બુકી મીત ઉર્ફે બાબુ કાંતિલાલ કોટક 4 માર્ચના ભુજ મુન્દ્રા હાઈવે પર આવેલા ટ્રોલી મોલની સામે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-ઑસ્ટ્રેલિયા સેમિફાઈનલ મેચ પર સટ્ટો રમાડતો હતો. ત્યારે SMCના પીએસઆઈ કે.એચ.ઝંકાટએ રેડ પાડી હતી અને મુખ્ય બુકી કે જે વિવિધ આઇડી મારફતે ઓનલાઈન સટ્ટો રમાડતો હતો તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય 16 જેટલા સટોડીયાઓ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસે મુખ્ય સૂત્રધાર આરોપી પાસેથી રોકડ 3,04,000, 60000ની કિંમતના 2 મોબાઈલ ફોન અને 10 લાખની કાર કબજે કરી હતી.
વધુ 4 આરોપીઓ ઝડપાયા
મુખ્ય સૂત્રધાર આરોપી પાસેથી મળી આવેલ જુદી જુદી 16 જેટલી આઈડી પૈકી એલસીબીએ વધુ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા થયેલા સફળ દરોડામાં મીત ઉર્ફે બાબુની અટક અને તેની પાસેના મોબાઇલ પરની આઇ.ડી.પરથી અન્ય આરોપીઓને ઝડપવા ઉચ્ચ પોલીસ અધિકારીએ પશ્ચિમ કચ્છ એલસીબીને સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. એલસીબીના સ્ટાફ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ જિગર નીતિનભાઇ ચંદે, સાહિલ મુકેશભાઇ ઠક્કર, જીત અરવિંદભાઇ ઠક્કર અને પારસ રૂપાભાઇ સુથારની અટક કરી આગળની કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જુદી જુદી આઈડીઓમાં હતી લાખોની બેલેન્સ
ઉલ્લેખનીય છે કે, SMC ને આ કાર્યવાહી દરમિયાન સટ્ટો રમાડવાની માસ્ટર આઈડીના નામ અને તેમાં રહેલી બેલેન્સ અને પણ જાણકારી મળી હતી જેમાં આઈકોનેન્ચ.કોમ જે હિમાંશુ કિલિંગર નામના વ્યક્તિની આઇડી છે, કે જેમાં 45,34,188 રૂપિયા બેલેન્સ હતી ENGLISH999.કોમ મિત રાઠોડ નામના વ્યક્તિની આઇડી છે જેમાં 7,48,193 રૂપિયાની બેલેન્સ હતી તો ENGLISH999 ગોપાલ ગઢવી નામના વ્યક્તિની આઇડી જેમ 26,10,000 રૂપિયા મળીને કુલ 78,92,381 રૂપિયાની સટ્ટો રમાડવાની આઇડીમાં બેલેન્સ પડી હતી.