સુરત: શહેરના ટેક્સટાઇલ હબ પર્વત પાટિયા વિસ્તારમાં આજે સવારે મોટી દુર્ઘટના સામે આવી છે. અવધ ઋતુરાજ માર્કેટમાં પાંચમા માળે આગ લાગવાની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર આગે 10 દુકાનોને ચપેટમાં લીધી હતી. તમને જણાવી દઈએ કે, આ ટેક્સ ટાઇલ્સમાં 3065 થી 3075 નંબર સુધીની દુકાનોમાં આગ લાગી હતી. દુકાનોમાં રહેલો સાડી અને કાપડનો જથ્થો આગની ચપેટમાં આવ્યો હતો. આગની જ્વાળા એટલી ભીષણ હતી કે દૂર સુધી ધુમાડાના ગોટા દેખાતા હતા.
જોકે ઘટના અંગે ફાયર વિભાગને જાણ થતાં 9 ફાયર સ્ટેશનની 20 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે એક કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગ લાગીએ વેળાએ કોઈ હાજર ન હોવાથી એક મોટી દુર્ઘટના થતાં અટકી હતી. સાવચેતીના ભાગ રૂપે હાજર પોલીસ જવાનોએ આ જગ્યા ખાલી કરાવી લોકોને સલામત સ્થળે ખસવા જણાવ્યું હતું. વેપારી દ્વારા લાખોનો માલ ભસ્મીભૂત થયો હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. સદનસીબે, આ આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થવા પામી નથી.
મળતી માહિતી અનુસાર, આગમાં સાડી-કાપડનો જથ્થો અને કેટલાક કમ્પ્યુટર બળીને ખાખ થયા છે. વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયાની આશંકા છે. સાવચેતીના પગલાં રૂપે એક ફાયર ફાઈટરની ગાડી સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને આગનું કારણ માનવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં સતત આગના બનાવો વધી રહ્યા છે. સુરતના રિંગરોડ આવેલા શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં પણ ગત 25 અને 26 ફેબ્રુઆરી, 2025 એ ઉપરાઉપરી બે દિવસ લાગેલી આગમાં 700 જેટલી દુકાનો લપેટમાં આવી હતી. આ દુર્ઘટનામાં વેપારીઓનો કરોડો રૂપિયાનો માલ બળીને ખાખ થયો હતો. આગને કાબુમાં લીધા બાદ બાંધકામ પણ જર્જરિત થઈ ગયું હતું અને તંત્ર દ્વારા 15 દિવસ સુધી લોકોને અંદર જવા દેવામાં આવ્યા નહોતા.

સુરત ફાયર અધિકારીએ ઘટના અંગે જણાવ્યું કે, 'ઉપરોક્ત બનેલી આગની ઘટનાને લઈને અમારી ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી છે. કોઈ જાનહાનિના હજુ સમાચાર નથી, હાલ કુલિંગ પ્રક્રિયા ચાલી રહી છે.'
આ પણ વાંચો: