ખેડાઃ ખેડા જિલ્લામાં ત્રણથી ચાર બાળકીઓ પર હેવાન દ્વારા દુષ્કર્મ આચરાયું હોવાની ઘટનાને લઈ ચકચાર મચી જવા પામી છે. નરાધમ પડોશી દ્વારા 8 થી 11 વર્ષની બાળકીઓ પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાતા વસો પોલિસ દ્વારા આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હેવાને અશ્લીલ વીડિયો પણ ઉતાર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલિસે આરોપીને ઝડપી પાડવા સાથે તેનો મોબાઈલ પણ કબજે લેવામાં આવ્યો છે. સમગ્ર મામલે હાલ પોલીસે વિસ્તૃત તપાસ હાથ ધરી છે.
ત્રણ બાળકી પર દુષ્કર્મ અને એક બાળકીને અડપલા
વિકૃત માનસિકતા ધરાવનાર 56 વર્ષિય આધેડ એવા ચંદ્રકાંત પટેલે પોતાના પડોશમાં રહેતી માસૂમ બાળકીઓને પોતાની હવસનો શિકાર બનાવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ પ્રમાણે, એક વર્ષમાં તેણે અલગ અલગ સમયે ત્રણ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું છે. તેમજ એક બાળકીને અડપલા કરાયા હોવાનો આરોપ છે. નરાધમે બાળકીઓ સાથે દુષ્કર્મનો અશ્લીલ વીડિયો પણ ઉતાર્યો હોવાની માહિતી મળી રહી છે. ગત રાત્રે બાળકીને અડપલા કરતા તેણીની માતાએ આ બાબતે પોલિસ ફરિયાદ નોંધાવતા સમગ્ર હકીકત સામે આવી હતી. આરોપી અપરણિત છે અને પરિવારમાં કોઈ ન હોય એકલો જ રહે છે. ચોકલેટ અને બિસ્કિટની લાલચ આપી દીકરીઓને તે પોતાના ઘરે લઈ જતો હતો.
પોલીસે નરાધમને ઝડપી પાડી હાથ ધરી તપાસ
પોલિસ ફરિયાદ નોંધાતા પોલિસ દ્વારા મામલાની ગંભીરતાને લઈ જિલ્લા પોલિસ, ડીવાયએસપી, એલસીબી સહીતના અધિકારીઓ વસો પોલિસ મથકે પહોંચ્યા હતા. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલાની વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પોલિસ દ્વારા મોબાઈલ કબજે કરાયો
ત્રણ બાળકી પર દુષ્કર્મ અને એક બાળકીને અડપલા કરનાર હેવાન ચંદ્રકાંત પટેલને પોલિસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ પોલીસે તેને ઝડપી તેનું મેડીકલ તપાસ કરાવવા સહિતની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી દ્વારા વીડિયો ઉતારાયો હોવાના આરોપોને લઈ પોલીસ દ્વારા તેનો મોબાઈલ પણ કબજે કરી લેવામાં આવ્યો છે.
સખતમાં સખત સજા થાય એ પ્રકારની કાર્યવાહી હાલ ચાલુ છે : એસપી
આ બાબતે એસપી રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું કે, વસો પોલિસ સ્ટેશન વિસ્તારમાં બનાવ બનેલો છે. જે આરોપી છે ચંદ્રકાંત પટેલ 56 વર્ષની ઉંમરવાળો છે. વિકૃત માનસિકતા ધરાવે છે. ફરિયાદ પ્રમાણે પોતાના ગામની પડોશીની દીકરીઓ સાથે તેણે એક વર્ષમાં અલગ અલગ સમયે ખરાબ કૃત્ય કરેલ છે. તેમના માતાને આ બાબતે મેસેજ મળતા તેમણે ફરિયાદ દાખલ કરાવેલી છે. જે ફરિયાદ પોક્સો અને બીએનએસ, આઈટી એક્ટની સંલગ્ન કલમોને આધારે દાખલ થઈ છે. તાત્કાલિત આ બાબતને ગંભીરતાથી લઈ જિલ્લા પોલીસની તમામ ટીમ કામે લાગેલી છે. એફએસએલની મદદ લઈ અલગ અલગ પુરાવા મેળવવાની કાર્યવાહી ચાલુ છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. સમગ્ર તપાસમાં કોઈ જ ચૂક ન રહી જાય અને આરોપીને સખતમાં સખત સજા થાય એ પ્રકારની કાર્યવાહી હાલ ચાલુ છે.