જૂનાગઢ: પાછલા ત્રણ દસકાથી ઘેડની સમસ્યા ઘટવાને બદલે વધી રહી છે. જેના મૂળમાં કેટલાક પાયાના ઉપચારો ન કરવાને કારણે ઘેડ દર વર્ષે ચોમાસામાં પૂરના પાણીમાં ડૂબતું જોવા મળે છે. ઘેડ સાથે વર્ષોથી સંકળાયેલા લોકો ઘેડને ડૂબતું બચાવવાના ઉપચાર સાથે સામે આવ્યા છે. 1982 થી ઘેડની ચિંતા કોરાણી મૂકવામાં આવી છે. જેથી આ સમસ્યા દર વર્ષે વિકરાળ અને અજગરી ભરડો લેતી જાઈ છે. જુઓ ઘેડને ડૂબતું બચાવવા માટે ઉપચાર પર અમારો વિશે અહેવાલ.
ઘેડને ડૂબતું કોણ બચાવશે? સમસ્યા બની વિકરાળ
ઘેડ જૂનાગઢ અને પોરબંદર જિલ્લાને સાંકળતો 40 કરતા વધારે ગામડાઓનો એક પ્રદેશ કે જેને આ વિસ્તારના સામાન્ય લોકો ભૌગોલિક ભાષામાં ઘેડ તરીકે ઓળખે છે. એકદમ પારંપરિક રીતનો વ્યવસાય અને ખેતી સાથે જોડાયેલો આ વિસ્તાર દર વર્ષે ચોમાસા દરમિયાન વરસાદી પૂરના પાણીથી ડૂબેલો જોવા મળે છે. પાછલા ત્રણ દસકાથી ઘેડના પૂરની સમસ્યા દર વર્ષે વિકરાળ અને અજગર ભરડો લેતી જાય છે. તેમ છતાં સરકાર માત્ર દર વર્ષે યોજના બનાવીને ઘેડને ડૂબતું બચાવવાના પ્રયાસો કરે છે. પરંતુ આ યોજના ઘેડને ડૂબતું બચાવવા માટે અસમર્થ જોવા મળે છે. જેથી ઘેડને ખૂબ જ નજીકથી ઓળખતા લોકો ઘેડની આ 30 વર્ષ જુની સમસ્યાનો ચપટી વગાડતા જ ઉપચાર થાય તેવા વિકલ્પ સાથે સામે આવ્યા છે.

મહિયારી નજીક અમીપુર ડેમ સૌથી મોટો વિકલ્પ
એક સમયે સૌરાષ્ટ્રમાં સૌથી મોટું નામ અને દબદબો ધરાવતા રાજકીય અને ધર્મગુરુ મહંત વિજયદાસ રાજ્યની સરકારમાં કૃષિ પ્રધાન જેવી સૌથી મહત્વની જવાબદારીઓ 1980ના દાયકામાં નિભાવી હતી. મહંત વિજયદાસે આવનારા આધુનિક સમયમાં ઘેડને પડનારી વિકટ સમસ્યાને ધ્યાને રાખીને કુતિયાણા નજીક મહિયારી ગામ પાસે અમીપુર ડેમ બાંધવાની શરૂઆત તેમના કાર્યકાળ દરમિયાન વર્ષ 1980 માં કરવામાં આવી હતી. જ્યારે આ ડેમ બાંધવાની શરૂઆત થઈ ત્યારે જે તે સમયે તે માટીના પાળાથી બનનારો એશિયાનો સૌથી મોટો ડેમ બની રહ્યો હતો. આ ડેમ ઘેડને ચોમાસા દરમિયાન પૂરના પાણીથી બચાવવાની સાથે આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ તેમજ ગામડાઓને પીવાના પાણી માટે યોગ્ય વ્યવસ્થા થાય તે માટે નિર્માણ કરવાનું સ્વયંમ કૃષિ પ્રધાન તરીકે મહંત વિજયદાસે સરકારમાંથી કામ મંજૂર કરાવ્યું હતું. પરંતુ 1980 ના દાયકા બાદ આ કામ આજે પણ 45 વર્ષ પૂર્વીની સ્થિતિએ જોવા મળે છે જેથી દર વર્ષે ઘેડની સમસ્યા ઉકેલાવાને બદલે વધુ ગુંચવાતી જોવા મળે છે.

ઘેડ વિકાસ સમિતિ પણ બંધ
1995 સુધી કાર્યરત ઘેડ વિકાસ સમિતિ પણ ત્યારથી લઈને આજ દિન સુધી એટલે કે પાછલા ત્રણ દશકાથી બંધ કરી દેવામાં આવી છે, જેને કારણે ઘેડની સમસ્યા અને તેના પ્રશ્નો રાજ્યની સરકાર સુધી પહોંચતા નથી. જેથી સમસ્યા ઘટવાને બદલે દર વર્ષે બેવડાઈ રહી છે. જે-તે સમયની રાજ્ય સરકારે ઘેડની સમસ્યાને સરકાર સુધી પહોંચતી કરવા માટે ઘેડ વિકાસ સમિતિની રચના કરી હતી. જેમાં ઘેડ વિસ્તારમાં આવતા નદી-નાળાઓ અને વરસાદી પાણીના નિકાલ માટે સમિતિ દ્વારા જે ભલામણો રાજ્યની સરકારને કરવામાં આવતી હતી. તે અનુસાર કામ થતા હતા જેથી ઘેડમાં પાણીનો ભરાવો લેસમાત્ર જોવા મળતો હતો. પરંતુ 1995 બાદ ઘેડ વિકાસ સમિતિ બંધ કરવામાં આવી અને ત્યારથી ઘેડની સમસ્યા શરૂ થઈ તેવું ઘેડના પ્રશ્નો સાથે સતત સરકારમાં રજૂઆત કરતા અગ્રણીઓ જણાવી રહ્યા છે.

રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પાણીના નિકાલમાં બાધક
ભાવનગરથી દ્વારકા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ ઘેડમાં વરસાદી પાણીના નિકાલ માટે બાધક બની રહ્યો છે. પોરબંદર, સોમનાથ અને દ્વારકા વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નિકળે છે. જેમાં 21 જેટલી નાની-મોટી નદીઓ આવેલી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવતી વખતે વરસાદી પાણી અને નદીઓના પાણીની નિકાલની કોઈ નક્કર અને પૂરતી વ્યવસ્થા ન થઈ હોવાને કારણે પણ પોરબંદરથી માધુપુર શીલ અને સોમનાથ સુધીના માર્ગમાં આવતા ઘેડના 25 થી 20 જેટલા ગામો વગર વરસાદે પૂરના પાણીમાં ચોમાસા દરમિયાન ડૂબેલા જોવા મળે છે.

ટુ-વે ગેઈટ અતિ મહત્વના અને નિર્ણાયક
ઘેડ વિસ્તાર ભૌગોલિક દ્રષ્ટિએ દરિયાની સપાટી કરતાં એકદમ નીચી સપાટી એટલે કે ઉંધી રકાબી જેવો ભૌગોલિક વિસ્તાર ધરાવે છે. જેથી આ વિસ્તારમાં જમીનના લેવલ કરતા દરિયાની ઊંચાઈ ખૂબ વધારે હોવાને કારણે અહીંથી નદીનું પાણી સીધું દરિયામાં ભળતું નથી. જેથી આ વિસ્તારમાં પાણી સતત ભરાયેલું જોવા મળે છે. ઘેડને ડૂબતું બચાવવા માટે અમીપુર ડેમ સિવાય ઘેડ વિસ્તારમાં કે જ્યાંથી નદીનું પાણી દરિયામાં ભેળવી શકાય છે તે વિસ્તારમાં ટુ વે ગેટ બનાવવામાં આવે તો નદીનું પાણી સરળતાથી દરિયામાં પહોંચી જાય. પરંતુ દરિયાનું પાણી પરત ઘેડ વિસ્તારમાં ન આવે તો પણ ઘેડની સમસ્યા મોટે ભાગે નિવારી શકાય તેવી સ્થિતિ છે. વધુમાં ઓજત અને ભાદર જેવી મોટી નદીની સાથે નાની મોટી 25 જેટલી નદીઓ ઘેડ વિસ્તારમાંથી પસાર થાય છે. ચોમાસા પૂર્વેના સમયમાં નદીના માર્ગને ચોખ્ખો કરવો અને તેમાં થયેલા અનઅધિકૃત દબાણોને દૂર કરીને પણ ઘેડની સમસ્યામાં 20 થી 25 ટકા સુધીનો ઘટાડો ચોક્કસ કરી શકાય છે. આવું ઘેડની સમસ્યા સાથે જોડાયેલા સ્થાનિક લોકો માની રહ્યા છે.

આ પણ વાંચો: