ભરૂચ: કેવડિયા ખાતે ચાલી રહેલા ડિમોલિશનના મામલે હવે રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આ મુદ્દે ભૂતપૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા અને ડેડીયાપાડાના ભૂતપૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે.
ઝઘડિયાના ભૂતપૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ સવાલ કર્યો છે કે, “જ્યારે કેવડિયામાં સરદાર પટેલનું ભવ્ય પુતળું બની શકે છે, ત્યારે બિરસા મુંડા જેવો આદિવાસી વીર પુત્ર શું પોતાનું સ્થાન ન મેળવે?” તેમણે સરકારને આડેધડ આડે હાથે લેતા કહ્યું કે, “આ જમીન સ્થાનિકોની છે, પરંતુ સરકાર તેમને ઘરો નથી બનાવવા દેતી, નોકરી આપતી નથી, અને રહેવા દેતી નથી. તો પછી આદિવાસીઓના વિકાસની વાતો ક્યાંથી વાજબી લાગે?”
છોટુ વસાવાએ કહ્યું કે, “અમારા જ મતોથી તમે અમારા પર જ અત્યાચાર કરો છો, અમારું ઓરમાંયુ વર્તન કરો છો. જમીનના માલિકોને ઘરો બનાવતાં રોકો છો અને ઘરો તોડી નાખવાની ધમકી આપો છો. આ વર્તન કેમ ચલાવી શકાય?” તેમણે ચેતવણી આપી કે, “આ લડાઈ લાંબી ચાલશે તેમાં કોઈ બે મત નથી.”
મહેશ વસાવાએ લગાવ્યા ગંભીર આક્ષેપ
કેવડિયામાં આયોજિત સંમેલનમાં જતા અટકાવાતા ડેડિયાપાડાના ભૂતપૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું કે, “અડધી રાતથી અમારા ઘરની આસપાસ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. એવું વર્તન કરવામાં આવ્યું જેમ કે અમે કોઈ આતંકવાદી હોઈએ.” તેમણે વધુમાં કહ્યું કે, “આથી અમારા પરિવારના બાળકો પર ખરાબ માનસિક અસર થઈ છે. સરકાર ગરીબોના મત મેળવી તેમની જ ઝૂંપડીઓ તોડી રહી છે.” મહેશ વસાવાએ આક્ષેપ કર્યો કે આ સરકાર ઉદ્યોગપતિઓ અને મૂડીવાદીઓને ટેકો આપતી સરકાર છે. તેમણે વધુમાં જણાવ્યું કે, “અંગ્રેજો સામે જેમ બિરસા મુંડા અને જયપાલ મુંડાએ લડત આપી હતી, તેવી જ લડત આપણે આજની સરકાર સામે આપવી પડશે.” તેમણે આદિવાસી સમાજને સંદેશ આપતાં કહ્યું કે, “અમે આજે અટકાવાયા હોઈએ, પરંતુ તમે આગળ વધો. એક દિવસ આપણે આપણા હક્ક માટેનું મુકામ જરૂર મેળવશું.
કેવડિયામાં ચાલતી ડિમોલિશન કાર્યવાહી અને સ્થાનિક આદિવાસી વસ્તી પર થતા દબાણ સામે હવે સ્થાનિક નેતાઓ ખુલ્લેઆમ અવાજ ઉઠાવી રહ્યા છે. આ સમગ્ર મામલે રાજકીય ગરમાવો વધ્યો છે અને આગળના દિવસોમાં આ મુદ્દે વધુ વલણ લેશે એવું માનવામાં આવી રહ્યું છે.
શું છે સમગ્ર મામલો?
આ મામલો નર્મદા જિલ્લામાં આવેલ કેવડિયા વિસ્તારમાં થયેલા/થઇ રહેલા ઘરતોડ કાર્યવાહી સાથે જોડાયેલો છે, જ્યાં સ્થાનિક આદિવાસી પરિવારોના ઘરો તોડી પાડવામાં આવ્યા છે. આની સામે સ્થાનિક નેતાઓ અને આદિવાસી સમાજ આક્રોશિત છે અને સરકારે તેમની સાથે થયેલા વર્તન સામે અવાજ ઉઠાવ્યો છે.
કેવડિયા ખાતે "સ્ટેચ્યુ ઓફ યુનિટી" બન્યા બાદ આ વિસ્તારને ટુરિઝમ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. આ વિકાસ દરમિયાન સરકાર કે સરકારી તંત્ર દ્વારા કેટલાક ગામડાંઓમાંથી સ્થાનિકોને ખસેડવા માટે કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. તેમાં ઘરો તોડી પાડવામાં આવ્યા, અને સ્થાનિકોને અન્યત્ર વસાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.