દુધરેજ વડવાળા ધામમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજમાં સ્થિત વડવાળા ધામમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, આ તકે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું.

Published : July 10, 2025 at 2:48 PM IST
સુરેન્દ્રનગર : સફળ વ્યક્તિના જીવનમાં ગુરુનું ખૂબ જ મહત્વ છે, આજે સમગ્ર દેશમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સમગ્ર ભારતના રબારી અને માલધારી સમાજની ગુરુ ગાદી સ્થાન એવા દુધરેજ વડવાળા ધામ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવ્યા છે.
દુધરેજ વડવાળા ધામમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી: સમગ્ર દેશ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ ખાતે આવેલ વડવાળા ધામમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. હિન્દુ ધર્મમાં માતા-પિતાને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. માતા-પિતા બાદ જો કોઈને ભગવાનનો દરજ્જો આપવામાં આવતો હોય તો તે ગુરૂને આપવામાં આવ્યો છે. તેથી ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુને ફૂલ નહીં તો ફૂલની પાંખડી શુભેચ્છા રૂપે અર્પણ કરવામાં આવે છે.
વડવાળા મંદિરની ખાસ પરંપરા : દુધરેજ વડવાળા મંદિરનું ખાસ મહત્વ છે. આજના દિવસે વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુ દ્વારા સમાજના નાના ભૂલકાઓને કાનમાં મંત્રની ફૂંક મારી કંઠી બાંધવાની પરંપરા છે. તેઓ રબારી સમાજના હજારો બાળકોને ગુરુ કંઠી પહેરાવે છે. તેમજ કેટલાક ધર્મ સંપ્રદાયમાં લોકો તેમના વિદ્વાનને દર્શન માટે જતા હોય છે. સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્ય અને અલગ અલગ જગ્યાએથી ભક્તો મોટી સંખ્યામાં ગુરુ ગાદીના દર્શને ઉમટી પડે છે.
રબારી અને માલધારી સમાજની ગુરુ ગાદી : ગુરુપૂર્ણિમાના દિવસે દુધરેજ વડવાળા દેવના સાનિધ્યમાં સંતવાણી, સમાધિ પૂજન અને ગુરૂ પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે વડવાળા મંદિરના મહંત મહામંડલેશ્વર કનીરામ બાપુ, તેમજ કોઠારી મુકુંદ સ્વામીએ માલધારી સમાજ સહિત તમામ લોકોને ગુરૂપૂર્ણિમાની શુભેચ્છા પાઠવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, સૌ કોઈએ ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મની જાળવણી, ગૌરક્ષા અને ભારતીય સંસ્કૃતિની જાળવણી કરવી જોઈએ.
ભક્તોએ ગુરુના આશીર્વાદ મેળવ્યા : વડવાળા દેવ સમગ્ર ભારતમાં રબારી સમાજના આસ્થા રૂપી કેન્દ્ર છે. ભક્તોએ ગુરુના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. તેમજ સમાજમાં શિક્ષણ અને કુરિવાજો દૂર થાય તેમજ ભારત દેશનું નામ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થાય એવી પ્રાર્થના કરી હતી. બે દિવસની અંદર વડવાળા મંદિર ખાતે લાખોની સંખ્યામાં ભક્તો આવે છે. ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ પણ ગુરુ ગાદીના દર્શન કર્યા હતા.

