મધ્ય પ્રદેશ : ગુજરાતના ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં થયેલ બ્લાસ્ટમાં 20થી વધુ લોકોના દુ:ખદ મોત થયા હતા, જેમાં મધ્યપ્રદેશથી મજૂરી અર્થે આવેલા શ્રમજીવીઓ પણ હતા. માર્યા ગયેલા લોકોના મૃતદેહને ગુરુવારે તેમના જે તે વતન મોકલવામાં આવ્યા હતા. આ લોકોમાં મધ્ય પ્રદેશના હરદાના 8 લોકો અને દેવાસ જિલ્લાના સંદલપુર ગામના 10 મજૂરોના મોત થયા હતા.
મધ્યપ્રદેશમાં એકસાથે 18 મૃતકોના અંતિમ સંસ્કાર...
ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં થયેલ બ્લાસ્ટમાં મધ્યપ્રદેશના શ્રમજીવીઓના પણ મોત નીપજ્યા હતા. આ લોકોના મૃતદેહને તેમના વતન લઈ જવામાં આવ્યા. જેમાં દેવાસ જિલ્લાના સંદલપુર ગામના 10 મજૂરોના મોત થયા હતા. દેવાસ જિલ્લા પ્રશાસને નેમાવર નર્મદા નદીના કિનારે 10 મૃતદેહોના અંતિમ સંસ્કારની તૈયારીઓ કરી હતી. તમામ 10 મૃતદેહોને હિન્દુ વિધિ મુજબ એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગ્રામજનોએ અશ્રુભીની આંખો સાથે મૃતકોને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.
આ સાથે મધ્ય પ્રદેશના હરદાના 8 લોકોના પણ મોત થયા હતા. જેમના મૃતદેહોને પણ ગુરુવારે વતન લાવવામાં આવ્યા, આ સાથે જ મૃતકના પરિવારજનો સાથે સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. બાદમાં હરદામાં નર્મદા નદીના કિનારે તમામ 8 મજૂરોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એક સાથે 8 ચિતા સળગતી જોઈને લોકોના દિલ તૂટી ગયા. તેમના પરિવારના સભ્યો રડતા રહે છે અને તેમની હાલત ખરાબ છે.
વાતાવરણ શોકમય બન્યું : અંતિમ સંસ્કાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 4 જિલ્લાની પોલીસ તૈનાત કરવામાં આવી હતી. અંતિમ સંસ્કાર સમયે દેવાસ કલેક્ટર, હરદા કલેક્ટર, નર્મદાપુરમ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર હતા. આ સાથે આટલી મોટી ઘટનાને ધ્યાનમાં રાખીને, હાંડિયા તહસીલના વેપારીઓ ગુરુવારે સંપૂર્ણ રીતે બજાર બંધ રાખ્યું હતું.

મૃતકોના સંબંધીઓને રૂ. 2 લાખના ચેક અર્પણ : કલેક્ટર રિતુરાજ સિંહે જણાવ્યું કે, "મૃતકોના મૃતદેહોને ગુજરાતથી દેવાસ લાવવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર ગુરુવારે કરવામાં આવ્યા હતા. આ સાથે CM મોહન યાદવની જાહેરાત પર, મૃતકોના પરિવારને 2-2 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે." આ દરમિયાન ધારાસભ્ય આશિષ શર્મા મૃતકના સંબંધીઓ તરીકે અંતિમ સંસ્કાર કરતા જોવા મળ્યા હતા. અંતિમ સંસ્કાર પર ધારાસભ્ય આશિષ શર્માએ પરિવારને કહ્યું કે, "દુઃખની આ ઘડીમાં હું અને મધ્ય પ્રદેશ સરકાર પરિવારની સાથે છીએ. પરિવારને તમામ શક્ય મદદ આપવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે."
ફટાકડાના કારખાનામાં બ્લાસ્ટ થવાથી મોત: તમને જણાવી દઈએ કે, થોડા મહિના પહેલા મધ્યપ્રદેશના લોકો ગુજરાત બનાસકાંઠાની એક ફટાકડાની ફેક્ટરીમાં કામ કરવા આવ્યા હતા. દરમિયાન મંગળવારે સવારે 8 વાગ્યાની આસપાસ બનાસકાંઠાની ફટાકડાની ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થયો હતો. જેમાં મળતી માહિતી અનુસાર, ગુજરાત સહિત અન્ય રાજ્યના મળીને 20 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં ત્યાં કામ કરતા મધ્ય પ્રદેશના હરદાના 8 લોકો અને દેવાસ જિલ્લાના સંદલપુર ગામના 10 મજૂરોના મોત થયા હતા. આ અંગેની માહિતી મળતા જ ટીમ દેવાસથી રવાના થઈ હતી અને ગુરુવારે તમામ મૃતકોના મૃતદેહ દેવાસમાં તેમના વતન ગામ સંદલપુર લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: