ભાવનગર: આજના આધુનિક સમયમાં કિસ્સાઓ ખાદ્ય ચીજોમાં વારંવાર ભેળસેળના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે વાત કરવી છે ખાદ્ય ચીજોની કે જેને લઈને ભારત સરકારના ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કેટલીક ચીજોના પગલે કોઈપણ વ્યક્તિ પોતાના ઘરે બેઠા પ્રાથમિક રીતે ચકાસણી કરી શકે છે. ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ ચીજોના તપાસવા માટે ઓનલાઇન એક બુકલેટ પણ મૂકેલી છે ચાલો જાણીએ આ 33 ચીજો કઈ છે. ભેળસેળ ચકાસવા નીચેની વિગતો જાણો.
1. દૂધમાં પાણીની ભેળસેળ શોધવી
પદ્ધતિ - સહેજ ઢળતી ચળકતી સપાટી પર દૂધનું ટીપું મૂકો. દૂધ શુદ્ધ હશે તો તે સપાટી પર સ્થિર રહેશે અથવા ખૂબ ધીમેથી વહેશે અને પોતાની સફેદી પાછળ છોડશે. દૂધ ભેળસેળ વાળું હશે તો તે ઝડપથી પ્રસરવા લાગશે પાછળ કોઈ નિશાની રહેવા દેશે નહીં.
2. દૂધમાં ડિટરજન્ટ શોધી કાઢવો
પદ્ધતિ - 5 થી 10 મિલી દૂધનો નમુનો અને તેટલી જ માત્રામાં પાણી લેવું. આ દ્રાવણને ખૂબ હલાવો. જો દૂધમાં ડિટરજન્ટ હશે તો તેમાં ઘાટું ફીણ થશે. દૂધ શુદ્ધ હશે તો હલાવવાને કારણે બનેલું ફીણની પાતળી સપાટી જ બનશે.

3. દૂધ અને દૂધની બનાવટમાં સ્ટાર્ચની તપાસવી (માવો પનીર)
પદ્ધતિ - 2 થી 3 મિલી નમૂનાને 5 મિલી પાણી સાથે ઉકાળો. તેને ઠંડુ થવા દો અને તેમાં ટીંચર આયોડિનના બે ત્રણ ટીપા ઉમેરો. જો હવે તે વાદળી ભૂરા રંગનું જણાય તો તેમાં સ્ટાર્ચ ભેળવેલો હશે (જો માત્ર દૂધનો જ નમૂનો હોય તો તેમાં પાણી ઉમેરવાની કે ઉકાળવાની જરૂર રહેતી નથી)

4. ઘી માખણમાં છૂંદેલા બટાકા શકરીયા કે અન્ય સ્ટાર્ચની ભેળસેળ તપાસવી
પદ્ધતિ - પારદર્શક ગ્લાસ કે વાટકામાં અડધી ચમચી ઘી માખણ લો. તેમાં બે ત્રણ ટીપા ટીંચર આયોડિન ઉમેરો. જો તેનો રંગ બદલાઈને વાદળી ભૂરો થઈ જાય તો તેમાં છુંંડેલા બટાકા કે સકરીયા કે અન્ય સ્ટાર્ચની ભેળસેળ કરેલી છે.
5. કોપરેલમાં અન્ય તેલની ભેળસેળ તપાસવી
પદ્ધતિ - પારદર્શક ગ્લાસની અંદર કોપરેલ લો. આ ગ્લાસને 30 મિનિટ માટે ફ્રિજમાં જ મૂકો (ફ્રીઝરમાં નહીં, ફ્રીઝમાં મૂકો) રેફ્રિજરેટરમાં મૂકેલું કોપરેલ ઠરીને જામી જશે. જો તે ભેળસેળ યુક્ત હશે તો અન્ય તેલની સપાટી અલગ દેખાશે.
6. મધમા ખાંડની ચાસણીની ભેળસેળ તપાસવી
પદ્ધતિ - 1 - પાણી ભરેલો પારદર્શક ગ્લાસ લો. તે પાણીમાં મધનું ટીપું નાખો. મધ શુદ્ધ હશે તો પાણીમાં ફેલાશે નહીં. જો મધ પાણીમાં ફેલાઈ જાય તો સમજવું કે તેમાં ખાંડની ચાસણીની ભેળસેળ છે.
પદ્ધતિ - 2 - મધમા રૂની દિવેટ ડુબાડી તેને દીવાસળી થી સળગાવો. મધ શુદ્ધ હશે તો બળવા લાગશે. જો તેમાં ભેળસેળ હશે તો તે સળગશે જ નહીં અથવા તેમાંથી તડ તડ એવો પાણી બળવાનો અવાજ આવશે.

7. ખાંડ ગોળમાં ચોકના ભુકાની ભેળસેળ તપાસવી
પદ્ધતિ - પાણીનો પારદર્શક ગ્લાસ લો. તે પાણીમાં નમૂનાની ખાંડ કે ગોળ 10 ગ્રામ લઈ ઓગાળો. જો ખાંડ ગોળમાં ચોકનો ભૂકો ભેળવેલો હશે તો તેઓ પદાર્થ ગ્લાસને તળિયે બેસી જશે.
8. અનાજના દાણામાં બાહ્ય પદાર્થો (ધૂળ, કાકરા, પથ્થર, સળીયો,ચપટા દાણા, બગડેલા દાણા, ડંખવાળા દાણા, જંતુઓ, ઉંદરના વાળ કે અધાર વગેરેને મિલાવટ તપાસવી)
પદ્ધતિ - કાચની પ્લેટમાં નમૂના ના થોડા દાણા લો. સૂક્ષ્મ રીતે તેમાં રહેલી અશુદ્ધતા તપાસો. જો અનાજ શુદ્ધ હશે તો કોઈ અશુદ્ધ પદાર્થો દેખાશે નહીં. અનાજની અશુદ્ધિઓ નજરે જોઈ શકાશે.
9. ઘઉંના લોટમાં વધારાનું ભુસુ કે છોતરાની ભેળસેળ તપાસવી
પદ્ધતિ - પાણીનો પારદર્શક ગ્લાસ લો. તેમાં એક ચમચી ઘઉંનો લોટ લઇ હલાવો. ઘઉંનો લોટ શુદ્ધ હશે તો પાણીની સપાટી પર ભૂસુ કે છોતરા દેખાશે નહીં. જો આવું ભુસુ કે છોતરા પાણીની સપાટી પર જણાય તો તે દર્શાવે છે કે લોટમાં તેની ભેળસેળ કરાય છે.
10. કઠોળ અને દાળમાં કેસરીદાળની તપાસવી
પદ્ધતિ - કઠોળ કે દાળના થોડા દાણા કાચની પ્લેટમાં લો. સૂક્ષ્મ રીતે જોઈને ખાતરી કરો કે તેમાં કોઈ અશુદ્ધિ દેખાતી નથીને ? કેસરી દાળ દેખાવામાં થોડીક ધારવાળી અને એક બાજુ સહેજ નમેલી દેખાય છે. વળી તે ચાર ખૂણાવાળી દેખાય છે અને ઝીણવટથી જોવામાં આવે તો તરત અલગ પાડી શકાય છે. દાળ શુદ્ધ હશે તો આવી કોઈ જ અશુદ્ધિ જોવા મળશે નહીં.
11. અનાજના દાણામાં રંગને ભેળસેળ તપાસવી
પદ્ધતિ - પારદર્શક ગ્લાસમાં પાણી લો. તેમાં બે ચમચી દાણા નાખીને બરાબર મિશ્ર કરો. જો અનાજના દાણા શુદ્ધ હશે તો રંગ દેખાશે નહીં. જો અનાજના દાણામાં રંગ ભેળવેલો હશે તો તરત જ પાણીમાં તે રંગ લાગશે.

12. લોટ, મેંદો, રવામાં લોખંડની ભેળસેળ તપાસવી
પદ્ધતિ - પારદર્શક ગ્લાસમાં લોટ લો. લોટ પર લોહચુંબક ફેરવો. શુદ્ધ લોટ હશે તો લોહચુંબક પર તે દેખાશે નહીં. લોટ લોખંડ થી મિલાવટ વાળો હશે તો લોહચુંબક પર દેખાશે.
13. ચોખામાં હળદરની ભેળસેળ તપાસવી
પદ્ધતિ - કાચની પ્લેટમાં એકાદ ચમચી જેટલા ચોખા લો. તેમાં ભીનો યુનો ( ચૂનાનું થોડુંક પાણી ) નાખીને છટકાવ કરો. ચોખા શુદ્ધ હશે તો તેનો લાલ રંગ થશે નહીં. ચોખા અશુદ્ધ હશે તો ચૂનાના સંપર્કથી તેનો રંગ લાલ થઈ જશે.
14. રાગીમાં કુત્રિમ રંગની ભેળસેળ તપાસવી
પદ્ધતિ - રૂનું પૂમડું પાણીમાં અથવા તેલમાં બોળીને લો ( આ બંને પરીક્ષણ અલગ અલગ કરવા). રાગી અનાજની બહારની સપાટી પર તેને ઘસો. જો રૂને રંગ લાગે તો સમજવું કે તેમાં કુત્રિમ રંગની ભેળસેળ કરેલી છે.

15. કાળા મરીમાં પોપૈયાના બીજની ભેળસેળ તપાસવી
પદ્ધતિ - પાણીના એક ગ્લાસમાં કેટલાક કાળા મરી નાંખો. શુદ્ધ મરી પાણીને તળિયે બેસી જશે. ભેળસેળવાળા મરી હશે તો પોપૈયાના બીજ પાણીની સપાટી પર તરતા હશે.

16. મરચાના પાવડરમાં કુત્રિમ રંગની ભેળસેળની તપાસ
પદ્ધતિ - કાચના પાત્રમાં લીધેલ પાણીની ઉપર મરચાના પાવડરનો નમુનો ભભરાવો. ભેળસેળ માટે વપરાયેલા રંગ લિસોટા રૂપે નીચે ઉતરતો જોવા મળશે.
17. તજમાં કાસીયા ઝાડની છાલની ભેળસેળ તપાસવી
પદ્ધતિ - કાચની પ્લેટમાં થોડાક જ લો જો. તેમાં કાસીયા ઝાડની છાલની ભેળસેળ હશે તો જીણવટથી જોવાથી તે અલગ પાડી શકાશે. કાસીયા ઝાડની છાલના ઘણા પડ હોય છે અને તેની બહારની સપાટી ખરબચડી અને અંદરની સપાટી એકદમ મુલાયમ પડની બનેલી હોય છે અને સાચા તજથી તેને અલગ તારી શકાય છે. તજની ( સાચા તજની ) છાલ ખૂબ જ પાતળી હોય છે અને તેને આસાનીથી પેન્સિલ કે પેનની ગોળ સપાટી પર વીંટી શકાય તેવી પાતળી હોય છે. વળી તેની સુગંધ વિશિષ્ટ પ્રકારની હોય છે.
18. રાઈના દાણામાં આર્જીમોનની ભેળસેળ તપાસવી
પદ્ધતિ - કાચની પ્લેટમાં થોડા કરાયના દાણાના નમુના લો. તેમાં આર્જીમોનની ભેળસેળ છે કે નહીં તે સૂક્ષ્મ દૃષ્ટિથી તપાસો. રાયના દાણાની સપાટી સુવાળી હોય છે અને તેને દબાવવામાં આવે તો તેમાં પીળા રંગનો ગર્ભ દેખાય છે. આર્જીમોનના દાણાની સપાટી ખરબચડી હોય છે અને તેનો રંગ એકદમ કાળો હોય છે તેને દબાવતા તેમાંથી પીળો નહીં પરંતુ સફેદ ગર્ભ નીકળે છે.
19. આખી હળદરમાં કુત્રિમ રંગની ભેળસેળ તપાસવી
પદ્ધતિ - પાણીના પારદર્શક ગ્લાસમાં હળદરના કેટલાક ટુકડા નાખો. જો હળદર શુદ્ધ હશે તો પાણીને તેનો રંગ લાગશે નહીં. જો હળદર ભેળસેળયુક્ત હશે તો તે વધારે ચકચકિત દેખાશે અને પાણી તરત જ રંગીન બની જશે.

20. હળદરના પાવડર દળેલી હળદરમા કુત્રિમ રંગની ભેળસેળ તપાસવી
પદ્ધતિ - પાણીના પારદર્શક ગ્લાસમાં એક ચમચી દળેલી હળદર નાખો. જો હળદર શુદ્ધ હશે તો પાણીમાં હળવો પીળો રંગ જણાશે અને હળદરનો પાવડર પાણીમાં તળિયે બેસે. જો તેમાં કુત્રિમ રંગ ભેળવેલો હશે તો પાણી એકદમ પીળું બની જશે.
21. દળેલા ખાંડેલા મસાલામાં લાકડાનો વ્હેર અને ભુસાના પાવડરની ભેળસેળ તપાસવી
પદ્ધતિ - દળેલા ખાંડેલા મસાલાને પાણીની સપાટી પર ભભરાવો. જો મસાલો શુદ્ધ હશે તો પાણીની સપાટીની ઉપર કોઈ ભુસુ કે વ્હેર દેખાશે નહીં. જો મસાલો ભેળસેળ યુક્ત હશે તો લાકડાનો વ્હેર અથવા ભૂસુ પાણીની સપાટી પર તરતું જણાશે.
22. આખા મસાલામાં બાહ્ય પદાર્થ ( કાંકરી, પથ્થર,ભૂંસુ, ક્ષતિગ્રસ્ત અનાજ, વંદાવાળું અનાજ, જીવડા, ઉંદરના વાળ કે ચરક ) ની ભેળસેળ તપાસો
પદ્ધતિ - કાચની પ્લેટમાં થોડા આખા મસાલા લો. અશુદ્ધતા સૂક્ષ્મ દ્રષ્ટિથી તપાસો. શુદ્ધ આખા મસાલામાં અશુદ્ધતા દેખાશે નહીં. ભેળસેળ વાળા આખા મસાલામાં અશુદ્ધતા નરી આંખે દેખાશે.

23. જીરાના દાણામાં વરીયાળીના દાણાની ભેળસેળ તપાસો
પદ્ધતિ - કાચની પ્લેટમાં થોડા જીરાના દાણા લો. વરિયાળીના દાણાને સૂક્ષ્મ દૃષ્ટિથી તપાસો. નજીકથી જોવાથી વરિયાળીના દાણા છૂટા પાડી શકાશે.
24. દૂધ લીલા મરચા અને અન્ય લીલા શાકભાજીમાં લીલા કુત્રિમ રંગનું ઉમેરણ તપાસવું
પદ્ધતિ - રૂનું પૂમડું લઈ તેને પાણી કે તેલમાં બોળવું ( બંને પરીક્ષણ અલગ અલગ કરવા ). લીલા શાકભાજી મરચાંની લીલી સપાટી પર તે પુમડું ઘસવું. જો રુ લીલા રંગનું થાય તો સમજવું કે કુત્રિમ રંગ ઉમેરેલું છે.
25. લીલા વટાણામાં કુત્રિમ રંગ પારખવો
પદ્ધતિ - પારદર્શક કાચના ગ્લાસમાં થોડાક લીલા વટાણા નાખો. તેમાં પાણી ઉમેરી બરાબર હલાવીને મિશ્રણ કરો. અડધો કલાક સુધી તેને રાખી મૂકો. જો રંગ અલગથી દેખાય તો વટાણામાં કુત્રિમ રંગની ભેળસેળ થયેલી છે.

26. કેસરમાં રંગીન સૂકા મકાઈના રેસાની ભેળસેળનું પરીક્ષણ
પદ્ધતિ - જો કેસર એકદમ શુદ્ધ હશે તો તેના રેસા ઝડપથી ભાંગી તૂટી શકશે નહીં. કેસરમાં ભેળસેળ કરવા માટે મકાઈના સૂકા રેસાને ખાંડના દ્રાવણમાં પલાળી રાખી પછી તેને કોઈલટારથી રંગીન બનાવવામાં આવે છે. એક પારદર્શક ગ્લાસ લઈ પાણીમાં થોડુંક કેસર નાખો. જો કેસર ભેળસેળ વાળું હશે તો તેનો રંગ પાણીમાં ઝડપથી છૂટા પડી જશે. શુદ્ધ કેસરને પાણીમાં પલાળતા છુટ્ટા પડી તેમાંથી લાંબા સમય સુધી છેક સુધી કેસરી રંગ નીકળે છે.
27. મીઠામાં સફેદ ચોકના પાવડરની ભેળસેળની તપાસ
પદ્ધતિ - પાણીના ગ્લાસમાં 1/4 મીઠું નાખીને હલાવો. શુદ્ધ મીઠું સંપૂર્ણ રીતે ઓગળી જાય છે અને સ્વસ્થ પારદર્શક દ્રાવણ બને છે અથવા જામી ન જાય તેમાં તે માટે નાખેલ રસાયણને કારણે હલકુ ડહોળા જેવું લાગશે. જો મીઠામાં ચોકનો પાવડર ભેળસેળ હશે તો ચોકનો પાવડર પાણીમાં ઓગળી જવાને બદલે તળિયે બેસે છે.
28. સામાન્ય મીઠું અને આયોડિન વાળું મીઠામાં તફાવત
પદ્ધતિ - બટેટાનો ટુકડો કરો અને તેમાં મીઠું નાખો અને એક મિનિટ સુધી રાહ જુઓ. તેમાં બે ટીપા લીંબુનો રસ નાખો. આયોડિન વાળું મીઠું હશે તો તે વાદળી રંગ પકડશે. સામાન્ય મીઠું નાખેલ હશે તો બટેટામાં વાદળી રંગ નહીં દેખાય.
29. કોફીના પાવડરમાં માટીની ભેળસેળ તપાસી
પદ્ધતિ - પારદર્શક પાણીના ગ્લાસમાં અડધી ચમચી કોફી નાખો. એક મિનિટ માટે તેને ચમચીથી હલાવો અને પાંચ મિનિટ માટે તેને રહેવા દો. પછી ગ્લાસને તળિયે તપાસ કરો. જો કોફી શુદ્ધ હશે તો ગ્લાસને તળિયે માટીના કણ રહેશે નહીં. જો કોફીમાં ભેળસેળ હશે તો માટીના કણ ગ્લાસને તળિયે જામી ગયા હશે.
30. સોપારી પાન અને મસાલામાં રંગની ભેળસેળની તપાસ
પદ્ધતિ - પારદર્શક પાણીના ગ્લાસમાં થોડું સોપારી પાન અને મસાલા નાખો. શુદ્ધ સોપારીનો મસાલો હશે તો તે પાણીમાં તે રંગ નહીં છોડે. જો ભેળસેળ વાળો હશે તો પાણીમાં તુરંત જ રંગ ઓગળશે.
31. ચાની પત્તીમાં વપરાયેલી ચાની ભેળસેળ તપાસવી
પદ્ધતિ - એક ફિલ્ટર પેપર લઇ તેની ઉપર ચાની પત્તી પહોળી કરી પાથરો.ફિલ્ટર પેપરને ભીનો કરવા માટે તેની ઉપર ધીમેથી પાણીનો છંટકાવ કરો. ફિલ્ટર પેપરને નળના પાણી નીચે ધોઈ કાઢો અને સૂર્યપ્રકાશમાં ધરી તેની ઉપર પડેલા ડાઘ તપાસો. જો ચાની પત્તી શુદ્ધ હશે તો ફિલ્ટર પેપર ઉપર ડાઘ જોવા નહીં મળે. જો તેમાં ભેળસેળ હશે તો તે ફિલ્ટર પેપર ઉપર ડાઘા પડેલા જોઈ શકાશે.
32. ચાની પત્તીમાં લોખંડની પથરીની ભેળસેળ તપાસવી
પદ્ધતિ - કાચની પ્લેટમાં ચાની થોડી પતી લો. તેની ઉપર લોહચુંબક ફેરવો. જો ચા શુદ્ધ હશે તો લોહચુંબક પ્રત્યે આકર્ષાશે નહીં. જો તેમાં લોખંડની પતરી હશે તો લોહચુંબક પ્રત્યે આકર્ષાઈને ચોંટી જશે.
33. શક્કરિયામાં કુત્રિમ રંગની ભેળસેળ તપાસ
પદ્ધતિ - રૂનું પૂમડું પાણી અથવા ખાવાના તેલમાં પલાળવું. શક્કરિયા પર રૂને ઘસવું. જો રૂના પુમડા પર રંગ લાગે તો શક્કરિયાની બહારની સપાટી પર રંગનો ઉપયોગ કરેલો છે તેમ જણાશે.
આ પણ વાંચો: