ભાવનગર: શહેરમાં છેલ્લા અઠવાડિયામાં તાવ અને ડેન્ગ્યુના કેસે ભરડો લીધો હોય તેમ જાણવા મળી રહ્યું છે. ત્યારે મહાનગરપાલિકાના ચોપડે સપ્ટેમ્બરમાં હજુ એક પણ ડેન્ગ્યુનો કેસ નોંધાયો નથી. જ્યારે ખાનગી હોસ્પિટલમાં તપાસ કરતા રોજના એક થી બે શંકાસ્પદ અને ડેન્ગ્યુ હોય તેવા કેસો સામે આવી રહ્યા છે. સવાલ એ છે કે મહાનગરપાલિકાના ચોપડે કશું નથી, આખરે કેમ ? જાણો.
મહાનગરપાલિકાના ચોપડે સપ્ટેમ્બર કેસ નથી: ભાવનગર મહાનગરપાલિકાના અર્બન વિભાગના અધિકારી ડો. વિજય કાપડિયાએ જણાવ્યું હતું કે, ડેન્ગ્યુની પરિસ્થિતિ જોવા જઈએ તો આ જાન્યુઆરીથી લઈને સપ્ટેમ્બર મહિના સુધીમાં કુલ 20 કેસો નોંધાયા છે જેમાંથી જુલાઈમાં 4 અને ઓગસ્ટમાં 7 ડેન્ગ્યુ પોઝિટિવ કેસ નોંધાયા છે. તાવના કેસ જોવા જઈએ તો ઓગસ્ટ મહિનામાં કુલ 1531 તાવના કેસો નોંધાયેલા છે. જે સપ્ટેમ્બરમાં 1થી 9 તારીખ સુધીમાં કુલ 344 કેસ નોંધાયેલા છે.
ડેન્ગ્યુ માટે કયો ટેસ્ટ જરૂરી તંત્રના મતે: અર્બન વિભાગના ડો. વિજય કાપડિયાએ જણાવ્યું હતું કે, ડેન્ગ્યુ ટેસ્ટ કન્ફર્મ કરવા માટે એલઆઇજા ટેસ્ટ કરવો પડે જે સર્ટિફાઇડ હોસ્પિટલમાં થાય છે. બ્લડ રીપોર્ટમાં પ્લેટ રેટ કાઉન્ટના આધારે પોઝિટિવ અથવા શંકાસ્પદ ડેન્ગ્યુ પણ જાહેર કરી શકાય છે.
કામગીરી શરૂ હોવાનો દાવો તંત્રનો: મચ્છરોનો ત્રાસ વધે એટલે તાવ અને ડેન્ગ્યુ મલેરીયાના કેસો વધે છે. ત્યારે મહાનગરપાલિકાનું અર્બન વિભાગ કામગીરી કરવાની વાત કરે છે. ત્યારે ડો. વિજય કાપડીયાએ જણાવ્યું હતું કે, ભાવનગર શહેરમાં તમામ વિસ્તાર કવર થાય એ રીતે ટીમો બનાવી કામગીરી શરૂ કરેલી છે તેમજ પોઝિટિવ કેસ નોંધાય તો તાત્કાલિક સ્થળ આસપાસના વિસ્તારમાં ફોગિંગ થાય છે. આ ઉપરાંત જ્યાં પણ પાણી ભરાયેલા હોય ત્યાં દવા છટકાવ અને બીજી જરૂરિયાતની જગ્યાએ ફોગીંગ કામગીરી પણ શરૂ છે.
ખાનગી હોસ્પિટલમાં રોજના કેટલા કેસ: ભાવનગર બોરતળાવ વિસ્તારમાં ખાનગી હોસ્પિટલ ચલાવનાર ડો. રમેશ મોરડીયાએ જણાવ્યું હતું કે, આમ જોઈએ તો મહિનામાં લગભગ દર વર્ષે ડેન્ગ્યુના કેસો નોંધાતા હોય છે. આ વર્ષે પણ દર વર્ષની જેમ પોઝિટિવ ડેન્ગ્યુના કેસ આવ્યા છે પણ માઇલ્ડ કેસ છે જે દવા અને આરામથી ઠીક થઈ જતા હોય છે. એમ ચોક્કસ તો નથી કે પણ રોજનું એકાદું કે બે પેશન્ટસ હોય છે એમ 10 દિવસમાં 10 થી 12 જેટલા પેશન્ટ થાય છે.
આ પણ વાંચો: