ભાવનગર: શહેરમાં રસ્તાઓ પર થયેલા દબાણને પગલે એસ્ટેટ વિભાગ દબાણ હટાવ સેલને સાથે રાખીને મોટી કાર્યવાહી કરી રહ્યું છે. ભાવનગર શહેરમાં પ્રથમ ગઢેચી નદીના કાંઠે દબાણો મોટા પાયા હટાવ્યા બાદ એ જ વિસ્તારમાં સતનામ ચોક થી હરિ ઓમનગર સુધીના દબાણો હટાવવામાં આવ્યા હતા. હવે ત્રીજા તબક્કામાં ચાવડીગેટ વિસ્તારમાં અડધાથી પણ અડધો થઈ ગયેલો રોડ ખુલ્લો કરવા માટે બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.
24 મીટરનો રોડ 9 મીટરનો થઈ ગયો
ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં પાવર હાઉસની દિવાલ થી લઈને કુંભારવાડા બ્રિજ સુધી જતા માર્ગ ઉપર 9 મીટરનો માત્ર રોડ રહ્યો હતો. જેને પગલે એસ્ટેટ વિભાગ દ્વારા જીપીએમસી એક્ટની કલમ 477 અને 478 મુજબ નોટિસ રહેણાકી બાંધકામોને પાઠવવામાં આવી હતી.
રસ્તા ઉપર થયેલા દબાણને પગલે મહાનગરપાલિકાએ નોટિસ આપ્યા બાદ પોલીસ તંત્ર અને પીજીવીસીએલને સાથે રાખીને કાર્યવાહી કરવાનો પ્રારંભ કર્યો હતો. જો કે અહીંયા 24 મીટરનો રોડ હોય ત્યાં માત્ર 9 મીટરનો રોડ રહી જતા બાકીના 15 મીટરના રોડને ખુલ્લો કરવા માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી.

ગેરકાયદે પાકા બાંધકામો કરાયા
ચાવડીગેટ થી કુંભારવાડાના માર્ગ ઉપર 24 મીટર પૈકી 9 મીટરનો રોડ રહી જતા 15 મીટર ઉપર ગેરકાયદેસર પાકા બાંધકામો કરવામાં આવ્યા હતા. જેને પગલે એસ્ટેટ વિભાગ દ્વારા ગેરકાયદેસર રહેણાંકી 37 જેટલા બાંધકામોને નોટિસ આપ્યા બાદ બુલડોઝર ચલાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.

જેમાં મહાનગરપાલિકા દ્વારા બાકીના રોડને ખુલ્લો કરવા માટે 37 રહેણાકી મકાનો એક કોમર્શિયલ અને ત્રણ જેટલા ધાર્મિક દબાણને હટાવ્યા હતા. મહાનગરપાલિકાએ 24 મીટરનો રોડ ખુલ્લો કરીને ટ્રાફિક સમસ્યાને દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો.
ચાવડીગેટમાં વર્ષોથી હતું 6.45 કરોડની જમીન પર દબાણ
ભાવનગર શહેરના ચાવડીગેટ થી કુંભારવાડા બ્રિજ જવાના માર્ગ પાવર હાઉસની દિવાલ પાસે ઘણા વર્ષોથી ગેરકાયદેસર બાંધકામ ખડકાયેલું હતું. જેને પગલે રોડ સાંકડો હતો. મહાનગરપાલિકાએ 3000 ચોરસ મીટર જમીનમાં થયેલા ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવીને 6.45 કરોડની જમીનને ખુલ્લી કરી છે.

જો કે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ સ્થળો ઉપર રસ્તા ઉપર થયેલા દબાણો હટાવીને રસ્તાઓને પહોળા બનાવી રહી છે જેને પગલે ટ્રાફિકની સમસ્યાનું નિવારણ આવી શકે.