ETV Bharat / state

"ક્યાંક આવકાર તો ક્યાંક વિરોધ", અદાણીએ SEZના વિકાસ માટે લોકો પાસે જમીનની માંગણી કરી

કચ્છમાં મુન્દ્રા ખાતે અદાણી દ્વારા 1576.81 હેક્ટર વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક / સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના વિકાસ માટે પ્રસ્તાવિત વિસ્તરણ પરીયોજનાની પર્યાવરણીય લોક સુનાવણી યોજવામાં આવી હતી.

કચ્છમાં અદાણીએ SEZના વિકાસ માટે જમીનની માંગણી કરી
કચ્છમાં અદાણીએ SEZના વિકાસ માટે જમીનની માંગણી કરી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 28, 2025 at 9:18 AM IST

|

Updated : March 28, 2025 at 9:30 AM IST

7 Min Read
Choose ETV Bharat

કચ્છ: જિલ્લામાં મુન્દ્રા ખાતે અદાણી દ્વારા 1576.81 હેક્ટર વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક / સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના વિકાસ માટે પ્રસ્તાવિત વિસ્તરણ પરીયોજનાની પર્યાવરણીય લોક સુનાવણી યોજવામાં આવી હતી. જેમાં પ્રસ્તાવિત પ્રોજેક્ટની આસપાસના 54 ગામના લોકો પ્રોજેક્ટને આવકારવા તેમજ વિરોધ કરવા જોડાયા હતા. સવારના 11 વાગ્યે શરૂ થયેલી લોક સુનાવણી રાત્રિના 8:30 કલાકે પૂર્ણ થઈ હતી. કુલ 97 જેટલી મૌખિક અને લેખિત રજૂઆતો સાંભળવામાં આવી હતી. તો હાલમાં તમામ રજૂઆતોને યોગ્ય ફોરમ પર મૂકવામાં આવશે અને ત્યાર બાદ નિર્ણય લેવામાં આવશે.

અદાણીએ જમીનની માંગણી કરી: કચ્છમાં દિવસે અને દિવસે ઉદ્યોગીકરણ વધી રહ્યું છે. ત્યારે અદાણી દ્વારા મુન્દ્રા તાલુકાના સિરાચા, નવીનાળ, ધ્રબ, બારોઇ, ગોરાસમા, લુણી, ભદ્રેશ્વર ગામોની 1576.81 હેક્ટર જમીન પર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક / SEZ ના વિકાસ માટે અરજી કરવામાં આવી છે. જેના માટે આજે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી. જેમાં વિવિધ અસરગ્રસ્ત ગામોના લોકો પણ આ સુનાવણીમાં હાજર રહ્યા હતા.

કચ્છમાં અદાણીએ SEZના વિકાસ માટે જમીનની માંગણી કરી (Etv Bharat Gujarat)

પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ: મુન્દ્રા પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી ફાલ્ગુન મોદીની અધ્યક્ષતામાં આ લોક સુનાવણી યોજાઈ હતી. જેમાં પ્રસ્તાવિત પ્રોજેક્ટમાં અસરગ્રસ્ત વિસ્તારના લોકો, તેમજ અદાણીના પ્રોજેક્ટને આવકારવા આવેલા લોકો અને અદાણી કંપનીના અધિકારીઓ જોડાયા હતા.

કચ્છમાં અદાણીએ SEZના વિકાસ માટે જમીનની માંગણી કરી
કચ્છમાં અદાણીએ SEZના વિકાસ માટે જમીનની માંગણી કરી (Etv Bharat Gujarat)

ઔદ્યોગિક વિકાસને લગતા રોકાણને આકર્ષવામાં સક્ષમ: IP/SEZ વિકાસ માટે 1576.81 હેક્ટરની પ્રસ્તાવિત પરિયોજના ગુજરાત રાજ્યના કચ્છ જીલ્લાના કંડલાથી 35 કિલોમીટર દૂર પશ્ચિમમાં કચ્છના અખાતમાં ભારતના પશ્ચિમ કિનારે પશ્ચિમથી પૂર્વ વિસ્તારની જમીનના વિવિધ ભાગ હેઠળ આવે છે. 1576.81 હેક્ટર ઔદ્યોગિક પાર્ક/SEZનો આ પ્રસ્તાવિત વિકાસ આંતરરાષ્ટ્રીય ધોરણોની ભૌતિક માળખાકીય સુવિધાઓ પ્રદાન કરીને સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય ઉદ્યોગ સાહસિકો તરફથી, ખાસ કરીને ઔદ્યોગિક વિકાસને લગતા રોકાણને આકર્ષવામાં સક્ષમ બનશે.

કચ્છમાં અદાણીએ SEZના વિકાસ માટે જમીનની માંગણી કરી
કચ્છમાં અદાણીએ SEZના વિકાસ માટે જમીનની માંગણી કરી (Etv Bharat Gujarat)

સૂચિત ઔદ્યોગિક વિકાસની કલ્પના: સૂચિત ઔદ્યોગિક વિકાસની કલ્પના હાલના ઔદ્યોગિક એકમો જેવા કે, પાવર પ્લાન્ટ, MRO સાથે વાણિજ્યિક એરપોર્ટ, સ્ટોરેજ યાર્ડ્સ, બળતણની ટાંકીઓ, ટર્મિનલ્સ CFS અને વેરહાઉસિંગ, સ્મેલટર અને કોલ ટુ પોલીજનરેશન ઉદ્યોગો, મિશ્ર ઔદ્યોગિક સમૂહો, જે ઇજનેરી વેર હાઉસ, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (FCA ની માર્ગદર્શિકા મુજબ) જેમ કે શાળા, હોસ્પિટલો/ડિસ્પેન્સરી, કોમ્યુનિટી હોલ, સહકારી, એન્જિનિયરિંગ ક્લસ્ટર છે, જેમાં ક્રેન, બોઇલર્સ, પ્રોજેક્ટ કાર્ગો, પોર્ટ ઓપરેશન સાઘનો વગેરેના ઉત્પાદન અને એસેમ્બલી માટે વોટર ફ્રન્ટ અને લિક્વિડ સ્ટોરેજ વગેરે ઉપરોક્ત ઉદ્યોગો અને ઉત્પાદન એકમોને સુવિધા આપવા માટે પ્રવાહી સંગ્રહ કરી શકાય તેવી ટેંક ફાર્મ અને અન્ય સહાયક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિસ્તરણ તરીકે કરવામાં આવી રહી છે.

કચ્છમાં અદાણીએ SEZના વિકાસ માટે જમીનની માંગણી કરી
કચ્છમાં અદાણીએ SEZના વિકાસ માટે જમીનની માંગણી કરી (Etv Bharat Gujarat)

સ્ટેજ-1ની વન મંજૂરી મેળવવામાં આવી છે: અદાણીના 1576.81 હેક્ટરની સૂચિત જમીન જંગલની જમીન છે અને 16 નવેમ્બર, 2018 ના રોજ સ્ટેજ-1 ની વન મંજૂરી (ફોરેસ્ટ ક્લીયરન્સ) મેળવવામાં આવી છે. આ જમીન સપાટ ભૂપ્રદેશ છે અને મુખ્યત્વે બાવળ દ્વારા આવરી લેવામાં આવી છે. આ વિસ્તારોની મોટાભાગની નજીકની જમીન APSEZ ની જમીન સાથે સંકળાયેલી છે જેમાં હાલ મોટા પાયે ઔદ્યોગિક ક્ષમતા છે.

કચ્છમાં અદાણીએ SEZના વિકાસ માટે જમીનની માંગણી કરી
કચ્છમાં અદાણીએ SEZના વિકાસ માટે જમીનની માંગણી કરી (Etv Bharat Gujarat)

75000 લોકોને મળશે રોજગારી: આ પરિયોજના સંકલિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવા માટે પ્રસ્તાવિત છે. જેમાં વિશ્વ-સ્તરીય ઔદ્યોગિક, વ્યવસાય અને સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. તેમાં વીજ ઉત્પાદન, પ્રસારણ અને વિતરણ નેટવર્ક, ડિસેલિનેશન પ્લાન્ટ અને પુરવઠાનું માળખું, સીવરેજ નેટવર્ક, STP, CETP, કચરાનું વ્યવસ્થાપન કરવાની સુવિધાઓ, ટેલિકોમ નેટવર્ક અને મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી જેમ કે, રસ્તા, એરપોર્ટ, બંદર અને રેલ વગેરે જેવી તમામ આવશ્યક ઉપયોગિતાઓ હાજર હશે. આ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક થકી બાંધકામ સમયે 1000થી 1500 લોકોને રોજગારી મળશે. તો સંચાલન સમયે પ્રત્યક્ષ રીતે 3000 અને પરોક્ષ રીતે 10000 લોકોને રોજગારી મળશે. આ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં જ્યારે ઉદ્યોગો આવશે. ત્યારે પ્રત્યક્ષ રીતે 15000 અને પરોક્ષ રીતે 60000 લોકોને રોજગારી મળશે.

કચ્છમાં અદાણીએ SEZના વિકાસ માટે જમીનની માંગણી કરી
કચ્છમાં અદાણીએ SEZના વિકાસ માટે જમીનની માંગણી કરી (Etv Bharat Gujarat)

ગામની ગૌચર જમીનને લઈને લોકોનો વિરોધ: આ સૂચિત જમીનમાં સીરાચા ગામની ગૌચર જમીન અને રાજાશાહી સમયની ગામજનોની જમીન છે. જેના પર ગામ લોકોનો હક છે. જે જમીન આપવા ગામલોકો તૈયાર નથી. જેથી તેના માટે લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. વન અધિકાર અધિનિયમન 2006 મુજબ વનવિભાગની ગામની જમીન પર ગામલોકોના અધિકાર છે અને ગૌચર જમીન પર ગાયોના ચરિયાણના હકો છે. આ જમીન પાસેથી મંદિરો, દરગાહ તેમજ દરિયાકિનારે જવાના રસ્તાઓ છે તેના પર ગામલોકોના હકો છે.

કંપનીએ વિવિધ વૃક્ષોની માહિતી આપી: પ્રસ્તાવિત પ્રોજેક્ટની 10 કિલોમીટરની ત્રિજ્યા સુધીના અભ્યાસ વિસ્તારમાં 64 જૂથ હેઠળની કુલ 275 છોડની પ્રજાતિઓ નોંધવામાં આવી છે. અભ્યાસના અવલોકનોના આધારે, પ્રોજેક્ટ અભ્યાસ વિસ્તારમાં 74 વૃક્ષોની પ્રજાતિઓ, 47 ઝાડીઓની પ્રજાતિઓ, 64 જડીબુટ્ટીઓની પ્રજાતિઓ, 18 વેલની પ્રજાતિઓ, 56 ઘાસની પ્રજાતિઓ, 10 મેન્ગુવ્સની પ્રજાતિઓ અને 6 સંકળાયેલ મેન્ચુવ્સની પ્રજાતિઓ નોંધવામાં આવી છે. તો આ મૂળ વિસ્તારમાંથી નોંધાયેલ છોડની કોઈપણ પ્રજાતિ દુર્લભ/લુપ્તપ્રાય/સ્થાનિક/જોખમી શ્રેણીની નથી.

પશુ-પક્ષીની માહિતી આપવામાં આવી: મુખ્ય વિસ્તારના અભ્યાસ સમયગાળામાં 33 જૂથ હેઠળની કુલ 40 પ્રજાતિઓ નોંધવામાં આવી હતી. જેમાંથી સસ્તન પ્રાણીઓની 4 પ્રજાતિઓ, પક્ષીઓની 25 પ્રજાતિઓ, હર્પેટોકોનાની 4 પ્રજાતિઓ અને અપૃષ્ઠવંશીની 7 પ્રજાતિઓ નોંધવામાં આવી હતી. બફર વિસ્તારમાં પ્રત્યક્ષ અને પરોક્ષ પુરાવાઓ દ્વારા, અભ્યાસ વિસ્તારમાં 70 જૂથ હેઠળની કુલ 121 જાતિઓ નોંધવામાં આવી હતી. જેમાં સસ્તન પ્રાણીઓની 14 પ્રજાતિઓ, પક્ષીઓની 76 પ્રજાતિઓ, હર્પેટોફોનાની 12 પ્રજાતિઓ અને અપૃષ્ઠવંશીની 19 પ્રજાતિઓ નોંધવામાં આવી હતી. મુખ્ય અથવા બફર વિસ્તારની અંદર કોઈ પણ દુર્લભ પ્રજાતિઓ, અન્ય સંરક્ષિત વિસ્તારો માટે કોઈ વન્યજીવ અભયારણ્ય, જીવમંડળ અનામત વિસ્તાર, માળો અથવા સવર્ધન સ્થળો નથી.

પર્યાવરણીય વ્યવસ્થાપન માટે બજેટની ફાળવણી: પ્રસ્તાવિત પ્રોજેક્ટની પર્યાવરણીય વ્યવસ્થાપન માટે કંપની તરફથી બજેટની ફાળવણી કરવામાં આવી છે. જેમાં મૂડી ખર્ચ 510.37 કરોડ દર્શાવવામાં આવ્યા છે. તો વાર્ષિક રિકરિંગ ખર્ચ 53 કરોડ દર્શાવવામાં આવ્યું છે. તો સાથે જ બાંધકામ સમયે પર્યાવરણીય મોનિટરીંગ ખર્ચ 71 લાખ અને સંચાલન સમયે 43.2 લાખ પ્રતિ વર્ષ દર્શાવવામાં આવ્યા છે.

સામાજિક કલ્યાણ તથા ઉત્થાન પ્રવૃત્તિઓ માટે બજેટ ખર્ચ: અદાણી ફાઉન્ડેશને મુન્દ્રામાં સ્થિત અદાણી ગ્રુપ કંપનીઓ માટે આગામી 5 વર્ષ દરમિયાન પર્યાવરણ અને સામાજિક કલ્યાણ તથા સામાજિક ઉત્થાન પ્રવૃત્તિઓ માટે રૂ. 112.60 કરોડનું અંદાજિત બજેટ ખર્ચ કરવાની દરખાસ્ત કરી રહ્યું છે. જરૂરિયાત આધારિત આકારણી સમગ્ર બાંધકામ તેમજ કામગીરીના તબક્કાઓ દરમિયાન સતત સક્રિય રહેશે અને આકારણીના પરિણામોના આધારે શિક્ષણ,સમુદાય આરોગ્ય, ટકાઉ આજીવિકા વિકાસ,માળખાકીય વિકાસ, કૌશલ્ય વિકાસ જેવા પાંચ મુખ્ય વિસ્તારો માટે સ્થાનિકોને સહાય પૂરી પાડવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે.

દરિયા કિનારો એક જ ઉદ્યોગ ગૃહ પાસે જશે: મુન્દ્રા પોર્ટ અને સ્પેશયલ ઇકોનોમિક ઝોન દ્રારા છેલ્લા વર્ષ 2005 થી અત્યાર સુધી મુન્દ્રા તાલુકાના દરિયા કિનારાના ગામોની સરકારી પડતર ત્યારબાદ ગૌચરની જમીનો અને હવે પછી દરિયા કિનારાની વન વિભાગની જમીનોની માંગણી કરવામાં આવી છે. તે બાબતે ગામ લોકો દ્વારા તેનો સંપૂર્ણ વિરોધ દર્શાવવામાં આવ્યો છે. કારણ કે, કિનારાના ગામોમાં અત્યારે કોઇ જ પ્રકારની જમીનો બચી નથી. કિનારાના ગામડાનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન તેમજ માછીમારી અને વન્ય પેદાશો પર ટક્તા સમુદાયોની આજીવિકા કાયમ માટે ખતમ થશે. 60 કિલોમીટરનો દરિયા કિનારો એક જ ઉદ્યોગ ગૃહ પાસે જશે. જેના કારણે દરિયા કિનારા પર આવવા જવાનો સૌથી મોટો પશ્ન ઉપસ્થિત થશે. જેથી કરી આ જમીનો આ ઉદ્યોગને ન આપવાની માંગ ગામલોકોએ કરી હતી.

માલધારી સમુદાયની આજીવિકા પર અસર: ગામલોકોએ જણાવ્યું હતું કે, મુન્દ્રા પોર્ટ એન્ડ સ્પેશયલ ઇકોનોમિક ઝોન દ્વારા જે વન વિભાગની જમીનની માંગણી કરવામાં આવી છે. તે જમીનો ઉપર 14 કિનારાના ગામોના પશુઓ ચરીયાણ કરે છે. મુન્દ્રા પોર્ટ એન્ડ સ્પેશયલ ઇકોનોમિક ઝોન દ્વારા અગાઉ આ ગામોની સરકારી પડતર અને ગૌચરની જમીનો ખરીદી લેવામાં આવી છે. હાલ ગામોના પશુઓના ચરીયાણનો સ્ત્રોત ફક્ત વન વિભાગની જમીનો જ બચી છે. જેની પર પશુઓ ચરિયાણ કરી શકીએ છીએ. જો વન વિભાગ દ્વારા આ જમીનો પણ મુન્દ્રા પોર્ટ એન્ડ સ્પેશયલ ઇકોનોમિક ઝોનને આપી દેવામાં આવશે. તો ગામના પશુ અને માલધારી સમુદાયની આજીવિકા પર મોટી અસરો પડશે. જેથી આ વન વિભાગની જમીન મુન્દ્રા પોર્ટ એન્ડ સ્પેશયલ ઇકોનોમિક ઝોનને આપવામાં ન આવે.

દરિયાઈ પાણી ધીમે ધીમે આગળ વધશે: મુન્દ્રા પોર્ટ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન દ્વારા જે જમીનની માંગણી કરવામાં આવી છે. તે જમીનો ઉપર સરકાર દ્વારા ઘણા બધા બંધારા બનાવવાના આવેલા છે. જેનું કામ છે. દરીયાઈ ખારાશને નિયંત્રણ કરવાનું પરંતુ જો જંગલોની જમીન આપવામાં આવશે, તો ત્યાં નવી પરિયોજના આવશે અને દરિયાઈ પાણી ધીમે ધીમે આગળ વધશે અને વિસ્તારની જમીનમાં ખારાશનું પ્રમાણ વધશે.

ગામ લોકોનો સખત વિરોધ: મુન્દ્રા પોર્ટ એન્ડ સ્પેશયલ ઇકોનોમિક ઝોન દ્વારા જે જમીનો માંગવામાં આવી છે. તે જમીનો ઉપર કોપર સ્મેલટર, કોલ ટુ પીવીસી અને અન્ય ઓદ્યોગિક એકમો સ્થાપવાની વાત કરવામાં આવી છે. તે ઉદ્યોગો સ્થપાઈ ચૂક્યા છે અને તેમાંથી કેટલાક ઉદ્યોગો વન વિભાગની જમીનથી ધણા દૂર છે. તો મીસ લીડીંગ અને મોલફાઈડ ઈન્ફોર્મેશન મુન્દ્રા પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન દ્વારા આપી ખોટી રીતે જમીન ખરીદવાની તજવીજ ચાલી રહી હોય આ વન વિભાગની જમીનો આપવામાં ન આવે તેના માટે ગામલોકોનો સખત વિરોધ છે.

કુદરતી આપતિના સમયે મોટી અસર થશે: મુન્દ્રા પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન દ્વારા જે જમીન માંગવામાં આવી છે. તે જમીન દરિયા કિનારાની પાસે આવેલ જંગલ છે. જે કુદરતી આપતિઓ સામે રક્ષણ આપે છે. જો આ જમીનો મુન્દ્રા પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનને આપવામાં આવશે. તો આવી કુદરતી આપતિના સમયે આસપાસના ગામો પર તેની ખૂબ જ મોટી અસર થશે અને કલાઇમેટ ચેન્જ અને જળ વાયુ પરીવર્તનના સમયમાં વન વિકસાવવાની ખૂબ જ જરૂરી છે. જેથી વનની જમીનો બચાવવી જરૂરી છે.

માછીમારી કરવી અશક્ય થઈ જશે: સી.આર.ઝેડ નોટીફીકેશન 20/11 મુજબ ગલ્ફ ઓફ કચ્છને ક્રિટીકલી વનરેબલ એરીયા તરીકે ઘોષિત કરવામાં આવેલ છે. જે પ્રમાણે આ જમીનો ગલ્ફ ઓફ કચ્છના દરીયા કિનારે આવેલી છે. આ જમીનો પર બીજા ઉદ્યોગો આવશે. તો દરીયાઇ પર્યાવરણને મોટું નુકશાન કરશે. જેથી આ ફોરેસ્ટની જમીન મુન્દ્રા પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમીક ઝોનને ન આપવામાં આવે અને જો વનવિભાગની જમીન પણ અદાણી પોર્ટ અને એસઈઝેડને આપવામાં આવશે. તો માછીમારો માટે માછીમારી કરવી અશક્ય થઈ જશે. જેના પરીણામે હજારો લોકો બેરોજગાર બનશે. તેથી વન-વિભાગની જમીન આપવામાં ન આવે તેવી માંગણી લોકોએ કરી હતી.

લોકોએ કંપનીની કામગીરીને લઈને આવકારી: અદાણી કંપની આવવાથી આસપાસ વિકાસ તો થયો છે. તો આરોગ્ય, શિક્ષણ અને રોજગારી ક્ષેત્રે લોકોને પણ ફાયદો થયો છે. ત્યારે આ પ્રોજેક્ટ આવવાથી ફાયદો થશે. ત્યારે આ પ્રોજેક્ટ ઝડપથી શરૂ થાય તેવી માંગ પણ આસપાસના ગામલોકોએ કંપનીને સમર્થન આપીને કરી હતી. તો પર્યાવરણીય લોકસુનાવણી દરમિયાન વેલકમ અદાણી સાથેના બોર્ડ સાથે કંપનીને આવકાર્યા હતા.

આ પણ વાંચો:

  1. કચ્છનો યુવા ફોટોગ્રાફર: જિલ્લાની ગ્રામીણ જીવન અને સંસ્કૃતિને કેમેરામાં કેદ કરતો યુવાન કલાકાર
  2. કચ્છ માટે ઐતિહાસિક ઘડી: ગાંધીધામથી પ્રથમ વખત કન્ટેનર ટ્રેનનો થયો પ્રારંભ, વેપારજગતને થશે લાભ
Last Updated : March 28, 2025 at 9:30 AM IST