બનાસકાંઠા : ડીસામાં શોપિંગ સેન્ટરમાં બાંધકામ સમયે એક દુઃખદ ઘટના બની છે. રસ્તાની બાજુની દીવાલ અચાનક ધરાશાયી થતાં નજીકમાંથી પસાર થતી મહિલા દિવાલના મલબા નીચે દટાઈ ગઈ હતી. જેના કારણે તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જોકે આ ઘટનામાં બે દીકરીનો આબાદ બચાવ થયો છે.
ડીસામાં બની દુઃખદ ઘટના : ડીસામાં ગાયત્રી મંદિર નજીક એક શોપિંગ સેન્ટરની રોડ તરફની દિવાલ અચાનક જ ધરાશાયી થઈ હતી. જેના નીચે એક મહિલા દટાઈ ગઈ હતી. આસપાસના લોકોએ ઘટના બનતા તાત્કાલિક જ મહિલાને દિવાલના મલબા નીચેથી બહાર કાઢી હતી. પરંતુ મહિલાના માથાના ભાગે ગંભીર ઈજા થવાના કારણે ઘટના સ્થળે જ આ મહિલાનું કમકમાટીભર્યું મોત થયું હતું.
JCB ની ટક્કરથી દીવાલ ધરાશાયી થઈ : સુત્રો તરફથી મળતી માહિતી મુજબ દીવાલ નજીક કામ કરતા JCB ની ટક્કરથી આ દીવાલ ધરાશાયી થઈ હતી. જે બાદ આ ઘટના બની હતી એકત્ર થયેલા લોકોએ સમગ્ર ઘટના અંગે તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતક મહિલાના મૃતદેહને ડીસાની સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો.
માતાનું મોત, બે દીકરીનો આબાદ બચાવ : મળતી માહિતી મુજબ મૃતક મહિલા તેજલબેન વિરાજી ઠાકોર લોરવાડા ગામના વતની હતા. તેઓ પોતાની બે દીકરીઓ સાથે 5 મેના રોજ ભાઈના લગ્ન હોવાથી ડીસા બજારમાં ખરીદી કરવા આવ્યા હતા. ત્યારે અહીંયાથી પસાર થતા સમયે અચાનક જ તેમના ઉપર દિવાલ ધરાશાયી થઈ અને દુઃખદ મોત થયું. જોકે, આ ઘટનામાં બે દીકરીનો આબાદ બચાવ થયો હતો.પરંતુ માતાના મોત બાદ બે દીકરીઓના હૈયાફાટ રૂદનથી વિસ્તારમાં ગમગીની છવાઈ હતી.
સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ : દિવાલ ધરાશાયી થવાની સમગ્ર ઘટના દૂર લાગેલા એક CCTV કેમેરામાં કેદ થઈ છે. જેમાં જોઈ શકાય છે કે મહિલા બે દીકરીઓ સાથે ત્યાંથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક જ આ દિવાલ ધરાશાયી થાય છે. જે બાદ બે દીકરીઓની ચીચીયારીઓથી આસપાસના લોકો બચાવવા માટે દોડી જાય છે.
સુપરવાઈઝર અને JCB ડ્રાઇવર ફરાર : સુત્રો તરફથી મળતી માહિતી મુજબ ધરાશાયી થયેલ દીવાલ ગેરકાયદે હતી, જે બાંધકામના સમય દરમિયાન ધરાશાયી થઈ હતી. તેમજ ઘટના બાદ હાજર લોકો ત્યાંથી ફરાર થયા હતા. બીજી તરફ બાંધકામ કરતાં સુપરવાઈઝર, મજૂરો અને JCB નો ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે આ સમગ્ર મામલામાં હવે પોલીસે તપાસ હાથ ધરી છે.