બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના ડીસામાં અગ્નિકાંડ મામલાના મુખ્ય આરોપી પિતા-પુત્રને આઠ દિવસના રિમાન્ડ બાદ આજે ડીસાની કોર્ટમાં રજૂ કરાયા હતા. જે બાદ પોલીસે રિમાન્ડની માંગણી ન કરતા બંને આરોપીઓને કોર્ટે હાલમાં સબ જેલમાં ધકેલી દીધા છે .
1 એપ્રિલના રોજ ડીસાના ઢુવા રોડ ઉપર આવેલી ગેરકાયદેસર ફેક્ટરીમાં ભયંકર બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટમાં 21 લોકોના જીવ હોમાયા હતા. જોકે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું એટલે કુલ 22 નિર્દોષ લોકોનો જીવ લેનારા અને ગેરકાયદેસર ફેક્ટરી ચલાવનારા પિતા-પુત્રને પોલીસે ઝડપી લીધા બાદ કોર્ટે બંનેને આઠ દિવસના રિમાન્ડ આપ્યા હતા. જે રિમાન્ડ આજે પૂર્ણ થતા મુખ્ય આરોપી પિતા પુત્રને ડીસાની કોર્ટમાં રજૂ કરાયા હતા.
પોલીસ દ્વારા આઠ દિવસના રિમાન્ડ દરમિયાન આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તેમજ આરોપીઓ જ્યાંથી માલ લાવતા હતા તે કાચો માલ આપનાર અને આ પિતા-પુત્ર સાથે આ ધંધામાં સંડોવાયેલા તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી છે. જોકે આજે આઠ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા ડીસાની કોર્ટમાં મુખ્ય આરોપી પિતા પુત્ર દિપક મોહનાણી અને ખૂબચંદ મોહનાણીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને રિમાન્ડની માગણી ન કરતા કોર્ટે તેમને સબ જેલમાં ધકેલી લીધા છે.
22 નિર્દોષ લોકોનો જીવ લેનારા પિતા-પુત્રને સબ જેલમાં ધકેલી દીધા બાદ હજુ પણ પોલીસ આ સમગ્ર મામલામાં તપાસમાં લાગેલી છે. કારણ કે માત્ર મુખ્ય આરોપી પિતા-પુત્ર જ નહીં પરંતુ આ ધંધામાં સંડોવાયેલા અને આ લોકોને માલ સહિતની તમામ મદદગારી કરનારા લોકોની પણ અટકાયત અને પુછપરછ કરવામાં આવી રહી છે. સરકાર પણ આ ગંભીર મામલામાં આરોપીને કડકમાં કડક સજા થાય તે દિશામાં દિશા નિર્દેશ આપ્યા છે સાથે જ ફરી આવી ઘટના ન બને અને ગેરકાયદેસર ફેક્ટરી ચલાવવાની કોઈ હિંમત ન કરે તે દાખલા રૂપ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: