દાહોદ: ગરબાડા તાલુકાના ભૂતરડી ગામની શાંતાબેન ભૂરીયા એક સમયે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મજૂરી કામ માટે બહારગામ પણ જતા હતા. ત્યારે કોઈ સામાજિક સંસ્થા દ્વારા શાંતાબેનને પશુપાલન વિશે માહિતગાર કરી સરકારની યોજનાઓની પણ જાણકારી આપી હતી. જેને પગલે સરકારની યોજના અંતર્ગત ગાય-ભેંસની ખરીદી કરી સૌ પ્રથમ પાંચ પશુથી તબેલાની શરૂઆત કરી અને ડેરીમાં દૂધ ભરી આવકની શરૂઆત થઈ.
પશુપાલનમાં ગામની મહિલાઓની જોડીને પગભર કરી
ધીમે ધીમે પશુઓની સંખ્યામાં આધારાની સાથે શાંતાબેનએ ગામની અન્ય મહિલાઓને પણ સમજ આપી પશુપાલનના વ્યવસાયમાં જોડ્યા અને પોતે જ ભૂતરડી ગામમાં ડેરીની શરૂઆત કરી. ગામની મહિલાઓ ડેરીમાં દૂધ ભરતા થયા અને આવક થતી ગઈ. જેથી લોકો બહારગામ મજૂરી કામ માટે જવાને બદલે ઘરે રહી પોતાની ખેતી અને પશુપાલનમાં જોડાયા. ત્યારબાદ ગ્રામપંચાયતની ચૂંટણી જાહેર થઈ અને સરપંચ પદ માટે મહિલા અનામત બેઠક આવતા ગામ લોકોએ શાંતાબેનને સરપંચ પદે ઉભા રહેવા તૈયાર કર્યા અને સરપંચ પદે વિજેતા પણ થયા.
સરપંચ બનતા જ મહિલાઓની સમસ્યા દૂર કરી
સરપંચ પદ ઉપર પાંચ વર્ષની ટર્મમાં શાંતાબેને પશુપાલનની સાથે સાથે સૌથી પહેલી મહિલાઓને પડતી પાણીની મુશ્કેલી દૂર કરી ગામમાં ટેન્કર અને ટાંકીની વ્યવસ્થા કરી. ત્યારબાદ નળ સે જળ યોજના અંતર્ગત દાહોદ જિલ્લામાં સૌ પ્રથમ ભૂતરડી ગામમાં ઘરે ઘરે નળમાં પાણી આવતું થયું. ગામના વિકાસની સાથે ખેતીલાયક પશુપાલન, બોરવેલ કે કુવા જેવી સરકારની યોજનાઓનો લાભ ગામ લોકોને અપાવ્યો. સાદગી ભર્યા જીવનની સાથે ગામનો વિકાસ અને લોકોની આવક ઉપર ધ્યાન રાખી કામ કરતાં શાંતાબેનને ફરી આ ચૂંટણીમાં સરપંચ તરીકે ચૂંટી લાવવા માટે ગામ લોકો તૈયાર થયા છે.

એક સમયે મજૂરી કરતા, હવે ગામના સરપંચ
આ અંગે ભૂતરડી ગામના સરપંચ શાંતાબેન ભૂરીયાએ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું કે, પહેલા હું મજૂરી કરતી હતી, ખેતીવાડી કરતી હતી. ધીમે ધીમે અમને લોકોને માહિતી મળી કે બહેનોના સ્વસહાય જૂથો બનાવવાના અને એમાંથી અમને થોડું શીખવા મળ્યું કે પશુપાલનનો વ્યવસાય કરો તો તમને સારી આવક મળી રહી, ઘરનું ઘર સચવાય રહે, બાળકો પણ સચવાય રહે અને બહાર ગામ મજૂરી કરવા ન જવું પડે. પછી અમે વિચાર્યું કે અમે પશુપાલન સાથે જોડાયેલા છીએ અને ખેતી સાથે સંકળાયેલા છીએ. તો પછી અમે લોકોએ નિર્ણય લીધો, બહેનોને ભેગા કર્યા કે આપણે ગામમાં શું કરીએ તો આપણે પગભર થઈ શકીએ. તો નક્કી કર્યું કે આપણે એક ડેરી ચાલુ કરીએ. ગામ લોકોને ભેગા કર્યા એક મીટિંગ રાખી અને 2014થી અમે આ ડેરી શરૂ કરી. ડેરી શરૂ કર્યા પછી અમે લોકોએ બહેનોને પશુ અપાવ્યા એમાંથી એ લોકોને ઘરે પણ દૂધ ખાવા મળ્યું, એટલે બાળકોને પણ શરીર સરસ રહે અને બહારથી પણ વેચાતું ન લાવવું પડે. પૈસાનો બચાવ થયો અને ઘરમાં જે ગાય-ભેંસ ગોબર કરે છે, તેનાથી ખેતીમાં પણ સુધારો આવ્યો.

આ પણ વાંચો: