દાહોદ: દાહોદ શહેરમાં લૂંટ, ધાડ, ચોરી જેવા ગુનાઓ છાસવારે બનતા જોવા મળતા હોય છે. ખાસ કરી મધ્યપ્રદેશની સરહદે આવેલો જિલ્લો હોવાથી મધ્યપ્રદેશના ગુનેગારો દાહોદ જિલ્લામાં લૂંટ કે ચોરી જેવી ઘટનાને અંજામ આપી ફરાર થઈ જતાં હોય છે. જેને પગલે દાહોદ પોલીસ આ પ્રકારના શંકાસ્પદ ઇસમોની વોચમાં રહેતી હોય છે. તે દરમિયાન દાહોદના એક જાગૃત નાગરિકને બે અજાણ્યા ઇસમોએ રોકીને 'આટલું બધુ સોનું પેરીને કેમ બહાર ફરો છો' તે રીતે પોલીસ અધિકારી જેવો રુઆબ બતાવીને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ નાગરિકે ડર્યા વગર તેને સામે જવાબ આપ્યો અને પોલીસને આ બાબતની જાણ કરી હતી. જેથી દાહોદ બી ડીવીઝન પોલીસે ઘટનાને ગંભીરતા પૂર્વક ધ્યાને લઈ શહેરમાં શંકાસ્પદ હિલચાલના અણસાર આવતા પોલીસ સતર્ક બની હતી. શહેરમાં વોચ ગોઠવી હતી તે દરમિયાન બે બાઈક ઉપર બે ઇસમો શંકાસ્પદ લાગતાં પોલીસે પીછો કરી ફિલ્મી સ્ટાઈલમાં બાઈક ઉપર આંતરી બંનેની અટકાયત કરી પૂછપરછ કરતાં બંને બાઈક પણ ચોરીની હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે બંને ઇસમોની ઘનિષ્ટ પૂછપરછમાં ચોકાવનારા ખુલાસા થયા હતા. જેમાં ઝડપાયેલ મધ્યપ્રદેશના ઝુલ્ફીકાર ઈરાની ઉપર ઉત્તરપ્રદેશ રાજસ્થાન, મહારાષ્ટ્ર, વેસ્ટ બંગાળ, મધ્યપ્રદેશ અને ગુજરાત એમ છ રાજ્યોમાં 55 થી વધુ લૂંટ, ધાડ, ચોરી, છેડતી જેવા ગુનાઓ નોધાયેલા છે. જ્યારે બીજો મોહમ્મદ જાવેદ સૈયદ ઉપર અલગ અલગ રાજ્યોમાં 15 જેટલા આ પ્રકારના ગુના નોધાયેલા છે. બંન્ને ઈરાની ગેંગના સભ્યો હોવાનું સામે આવ્યું હતું.
આ સિવાય આ ગેંગના વધુ બે સાગરીતોના નામ પણ ખૂલ્યા છે. જેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ ગેંગ દેશના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ શહેરોમાં ફરી કોઈ પાસે ઘરેણાં પહેરલા જોવે તો પોલીસ જેવો રોફ જમાવતા કે 'કેમ પહેરીને નીકળ્યા છો' અને લૂંટ કરી લેતા. અલગ અલગ પ્રકારે ચોરી લૂંટ જેવી ઘટનાને અંજામ આપતા હતા. જ્યારે દાહોદમાં કોઈ ઘટનાને અંજામ આપે તે પહેલા જ જાગૃત નાગરિકની સતર્કતાના કારણે પોલીસના હાથે બંને ઝડપાઇ જતાં પોલીસે રિમાન્ડની તજવીજ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:
Fact Check: Army માટે સ્પેશ્યલ ફંડ, અક્ષય કુમારના નામે રૂ.1ના ડોનેશનના વાઈરસ મેસેજનું શું છે હકીકત?
કારમાં મુસાફરને બદલે ખીચોખીચ દારૂ ભરેલો: LCBએ વલ્લભીપુર હાઇવે પરથી લાખોનો દારૂ ઝડપ્યો