દાહોદ: દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડ છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં ચર્ચાનો મુદ્દો રહ્યું છે. કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રો સામે ફરિયાદ નોંધાયા બાદ તેમની ધરપકડ થઈ અને જામીન મળ્યા. આ વચ્ચે ગુરુવારે વધુ એક કૌભાંડમાં મંત્રી પુત્રની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારે કોર્ટમાં આજે મંત્રી પુત્રને હાજર કરાતા કોર્ટે કિરણ ખાબડના સાત દિવસ ના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
દાહોદ જિલ્લાના દેવગઢબારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજના હેઠળ 71 કરોડના કામોમાં ગેરરીતિની ફરિયાદ મામલે પોલીસે મંત્રી બચુ ખાબડના બે પુત્રો કિરણ ખાબડ અને બળવંત ખાબડની ધરપકડ કરી હતી. જે કેસમાં કોર્ટે શરતી જામીન આપતા સબ જેલમાંથી બહાર આવતા જ પોલીસે કિરણ ખાબડ વિરુદ્ધ બીજી ફરિયાદ દાખલ કરતા જેલ ઉપરથી જ તેની અટકાયત કરી લીધી હતી.
ડીઆરડીએ નિયામક દ્વારા દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે નોધાવેલી ફરિયાદમાં લખાવ્યું હતું કે, દેવગઢબારીયા તાલુકાના લવારીયા ગામમાં મનરેગા યોજના અંતર્ગત વિવિધ 21 જેટલા કામો કર્યા વગર જ નાણાં મેળવી લીધા હોવાની ફરિયાદને પગલે કિરણ ખાબડની ફરી ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે કિરણ ખાબડના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. અત્યાર સુધી 21 લાખ રૂપિયાની ઉચાપત સામે આવી છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોલીસ તપાસ વધુ ખુલાસા સામે આવી શકે છે.
આ પણ વાંચો: