દાહોદ: દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં થયેલા મનરેગા યોજના કૌભાંડ મામલે પાંચ કર્મચારીઓની પોલીસે ધરપકડ કરી છે. આ સાથે મંત્રી બચુભાઈ ખાબડના બે પુત્રોના નામે પણ એજન્સીઓ આવેલી હોવાથી ધરપકડની માંગ કોંગ્રેસે ઉઠાવી છે.
દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરી દ્રારા ધાનપુર અને દેવગઢ બારીયા તાલુકા પંચાયત હસ્તક મનરેગા યોજના અંતર્ગત થયેલી કામગીરીમાં ભ્રષ્ટાચારની ફરિયાદ દાખલ થઈ છે. માહિતી અનુસર, મનરેગા યોજના હેઠળ માટી મેટલ રોડ, સીસી રોડ, ચેકવોલ જેવા કામો ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી એલ 1માં આવતી એજન્સીઓને કામ આપવાનું હોય છે. જે કામોની ગામોમાં તપાસ કરતાં મંજૂર થયેલા અને નાણાં ચૂકવેલ કામો કરતાં ઓછું કામ જોવા મળ્યું હતું. તેમજ એલ1 માં ન આવતી હોય તેવી એજન્સીઓને પણ નાણાં ચૂકવ્યા હોવાનું સામે આવ્યું હતું.
આ માહિતીને આધારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા દાહોદ બી ડીવીઝન પોલીસ મથકે જવાબદાર કર્મચારીઓ અને જવાબદાર એજન્સીના સંચાલકો વિરુદ્ધ 2021થી લઈને 2024 સુધીમાં ધાનપુર અને દેવગઢ બારીયા તાલુકા પંચાયતમાં 71 કરોડના કામો થયા છે જે તમામ કામોની તપાસ કરી કસૂરવારો સામે કાયદાકીય કાર્યવાહી માટે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે પોલીસ તપાસમાં બે એકાઉન્ટન્ટ સહિત પાંચ કર્મચારીઓની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે.
આ તમામ વચ્ચે ગુજરાત સરકારના મંત્રી અને દેવગઢબારીયા બેઠકના ધારાસભ્ય બચુભાઈ ખાબડ પણ વિવાદોમાં આવ્યા છે. કારણ કે, નિયામકે 35 જેટલી એજન્સીઓના નામ ફરિયાદમાં દાખલ કરાવ્યા છે જેમાં શ્રી રાજ ટ્રેડર્સ અને શ્રી રાજ કન્સ્ટ્રક્શન નામની બે એજન્સીઓ મંત્રી બચુભાઈ ખાબડના પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડના નામે આવેલી છે. તેના કારણે સમગ્ર દાહોદ જિલ્લામાં મંત્રીના પુત્રોની સંડોવણીની ચર્ચાએ જોર પકડ્યું છે.
તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ આ મુદ્દો ઉઠાવી મંત્રીએ પોતાના પુત્રોના નામે ભ્રષ્ટાચાર આચર્યો હોવાથી બંને પુત્રોની ધરપકડની માંગ સાથે મંત્રી બચુભાઈ ખાબડ રાજીનામું આપે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે.

ફરિયાદ દાખલ થયા ના બે દિવસ પછી જ રાજ્યભરના આઈએએસ અને તાલુકા વિકાસ અધિકારીઓની બદલીનો ગંજીફો ઝીંકવામાં આવ્યો હતો. જેમાં મનરેગા કૌભાંડના ફરિયાદી એવા ડીઆરડીએ નિયામક તેમજ ધાનપુર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીની પણ બદલી ઓર્ડર આવતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. તો કોંગ્રેસ દ્વારા સમગ્ર મામલે SITની રચના કરી તપાસ હાથ ધરવામાં આવે તેવી પણ માંગ છે. એક તરફ વિપક્ષ આક્રમક મૂડમાં છે, તો બીજી તરફ મંત્રી બચુભાઈ ખાબડ પોતાના પુત્રોને બચાવવા હવાતિયાં મારી રહ્યા છે. કૌભાંડમાં મંત્રી પુત્રોના નામ આવતા જ રાજકારણ પણ ગરમાયું છે.
તો બીજી તરફ ફરિયાદને પગલે મંત્રી બચુ ખાબડના બંને પુત્રોએ દાહોદની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકી હતી, જેની સુનાવણી થાય તે પહેલા આગોતરા જામીન અરજી પાછી ખેંચી લેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. બીજી તરફ બંને પુત્રો ભૂગર્ભમાં ઉતરી ગયા છે તો મંત્રી બચુભાઈ ખાબડ પણ સમગ્ર મામલે મૌન સેવી લીધું છે, ત્યારે સમગ્ર મામલે મંત્રી પુત્રો સામે આગળ શું કાર્યવાહી થશે તે એક મોટો સવાલ છે.

કૌભાંડ કઈ રીતે આચર્યું...
મનરેગા યોજના હેઠળ મંજુર થયેલ કામો અધૂરા કરી કાગળો ઉપર કામ પૂર્ણ બતાવવામાં આવ્યા છે. કેટલાક સ્થળે રસ્તો ન બન્યો છતાં કાગળ ઉપર પૂર્ણ થયેલો બતાવી બિલો મંજુર કરવામાં આવ્યા છે, અને કાયદેસરની ટેન્ડર પ્રક્રિયા હાથ ધર્યા વગર કેટલીક એજન્સીના નામના બિલ મંજૂર કરી નાણાં પણ ચૂકવી દેવાયા છે. વર્ષ દરમિયાન મટીરીયલ પૂરું પાડવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવે છે અને તેમાં એલ1 કેટેગરી એટલે કે જે એજન્સીએ સૌથી ઓછો ભાવ આપ્યો હોય તેને કામ આપવામાં આવતું હોય છે, પરંતુ અધિકારીઓ કર્મચારીઓની સાંઠ ગાંઠથી આ પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર પસંદગીની એજન્સીને કામ આપી બિલના નાણાં પણ ચૂકવી દેવાયા છે. હાલ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના સંયુકત રીતે 2021થી થયેલા તમામ કામોની ઝીણવટતાથી તપાસ હાથ ધરી છે. આવનારા સમયમાં સ્ફોટક ખુલાસો થાય તેવી આશંકાઓ સેવાઈ રહી છે.
દાહોદ જિલ્લો એટલે ભ્રષ્ટાચારનું હબ હોય તેવું લાગી રહ્યું છે, સૌ પ્રથમ દાહોદ જિલ્લામાં નકલી કચેરીઓ બનાવી પ્રાયોજના વહીવટદારની કચેરીમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ચાઉ કરી જતાં પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી, અને તેમાં આઈએએસ કક્ષાના અધિકારીઓ સહિત અનેક કર્મચારીઓની ધરપકડ થઈ હતી. ત્યારબાદ જમીનોના નકલી NA હુકમ તૈયાર કરી સરકારના કરોડો રૂપિયાના પ્રીમિયમની ચોરીનો મામલો સામે આવ્યો હતો. હવે મનરેગા યોજના હેઠળ કૌભાંડ બહાર આવતા ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: