દાહોદ: રાજ્યભરમાં ચકચાર જગાવનાર દાહોદના મનરેગા કૌભાંડમાં આજે પોલીસે મંત્રી બચુભાઈ ખાબડના બીજા પુત્ર કિરણ ખાબડ અને TDO સહિત ચારની ધરપકડ કરતાં રાજકીય ભૂકંપ સર્જાયો છે.
દાહોદ જિલ્લાના દેવગઢબારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજના અંતર્ગત ગામડાઓમાં રસ્તા, માટી-મેટલ કામ જેવા 71 કરોડના કામોમાં અધૂરું કામ પૂર્ણ બતાવી બિલ પાસ કર્યા હતા. તો કેટલાક સ્થળે કામ કર્યા વગર જ બિલો પાસ કરી દેવાના ચોંકાવનારી વિગતો સામે આવતા DEDએ નિયામક દ્વારા દાહોદ બી ડીવીઝન પોલીસ મથકે 35 એજન્સી તેમજ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોધાવી હતી.
જેમાં પોલીસ તપાસમાં અગાઉ કર્મચારીઓ તેમજ મંત્રી બચુભાઈ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડ સહિત સાત લોકોની ધરપકડ કરી હતી. જેમાં કેટલાકના રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિલ કસ્ટડીમાં મોકલ્યા હતા. ત્યારે અમુક રિમાન્ડ ઉપર છે. ત્યારે પોલીસને વધુ એક સફળતા મળી હતી. પોલીસ તપાસ દરમિયાન મંત્રી બચુભાઈ ખાબડના બીજા પુત્ર કિરણ ખાબડના નામે શ્રી રાજ ટ્રેડર્સ નામની એજન્સી આવેલી હતી અને તે એજન્સીમાં પણ કરોડો રૂપિયા જમા થયા હતા.

તેમજ આ કૌભાંડમાં મદદગારી અથવા ફરજમાં બેદરકારી દાખવી પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરી બિલો પાસ કરી સરકારી નાણા બારોબાર ઉપાડી લેવામાં કસૂરવાર અધિકારીઓના પણ નામ ખુલતા ભાગતા ફરતા કર્મચારીઓ અને કિરણ ખાબડને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ 6 ટીમો બનાવી ટેકનિકલ એનાલિસિસ અને બાતમીના આધારે અલગ અલગ દિશામાં વોચ ગોઠવી હતી.

ત્યારે પોલીસની ટીમોને મોટી સફળતા મળી હતી. કિરણ ખાબડને હાલોલ-બરોડા હાઈવે ઉપરથી ઝડપી પાડ્યો હતો. જ્યારે ધાનપુરના તત્કાલીન ટીડીઓ અને હાલના ડેપ્યુટી ડીડીઓ રસિક રાઠવાને છોટાઉદેપુરથી અને એપીઓ દિલીપ ચૌહાણને તારાપુરથી તેમજ એપીઓ ભાવેશ રાઠોડને માંગરોળ એમ અલગ અલગ દિશામાંથી ઝડપી પાડ્યા હતા. આ સિવાય એન.જે કન્સ્ટ્રકશનના પ્રોપરાઇટર પાર્થ બારીયાની પણ ધરપકડ કરી છે. હાલ મંત્રી પુત્ર કિરણ ખાબડ સહિત પાંચની ધરપકડ સાથે સમગ્ર મનરેગા કૌભાંડમાં કુલ 12 લોકોની ધરપકડ કરાઈ છે. ત્યારે આવનારા સમયમાં વધુ મોટા માથા આવવાની શક્યતાઓ રહેલી છે.
આ પણ વાંચો: