ધાનપુર, દાહોદ: કહેવાય છે કે ગુસ્સો આવે ત્યારે માણસનું મગજ કામ કરતું બંધ થઈ જાય છે,અને આવેશમાં આવી માણસ ગમે તે કરી નાખે. પરંતુ ગુસ્સો ઉતરતા જ ઘણું બધું ખોઈ નાખ્યાનો એહસાસ થાય છે. આવો જ કિસ્સો દાહોદ જિલ્લામાંથી સામે આવ્યો છે.
ગુસ્સાના કારણે એક આધેડે પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો છે. ધાનપુર તાલુકાના ડભવા ગામે 47 વર્ષીય નરવત ભાઈ નાયક અને 51 વર્ષીય તેની પત્ની ઝમકુબેન નાયક રહેતા હતા તેમનો પુત્ર અરવિંદ મજૂરી કામ અર્થે બહારગામ રહી પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે બંન્ને પતિ-પત્ની એકલા રહીને ખેતી કરી જીવનનિર્વાહ કરતા હતા. જોકે,ઘણી વખત બંને પતિ પત્ની વચ્ચે અવાર-નવાર નજીવી બાબતે તકરાર થતી રહેતી હતી અને તકરારમાં ક્યારેક નરવતભાઈ પત્ની ઉપર હાથ પણ ઉપાડી દેતા હતા.
ઘરકંકાસ થી કંટાળી ગયેલી પત્નીએ નરવત ભાઈ જ્યારે ઘરમાં સૂતા હતા તે દરમિયાન કુહાડી લઈને દોડી આવ્યા અને ક્રોધના આવેશમાં સૂઈ રહેલા પતિના માથામાં ઉપરા-ઉપરી ઘા ઝીંકી દીધા હતા જેને પગલે નરવત ભાઈનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું.
બાનવની જાણ આસપાસમાં થતાં લોકો દોડી આવ્યા હતા પરંતુ ત્યાં સુધી નરવતભાઈ અંતિમ શ્વાસ લઈ ચુક્યા હતાં. બનાવની જાણ ધાનપુર પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોર્સ્ટ મોર્ટમ અર્થે મોકલી મૃતકના પત્ની ઝમકુબેન વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.