
અમદાવાદના વૃદ્ધ સાથે 35 લાખથી વધુની ઓનલાઈન છેતરપિંડી, શેરબજારમાં રોકાણના નામે પૈસા પડાવ્યા
અમદાવાદના 77 વર્ષીય એક વૃદ્ધને શેરબજારમાં રોકાણ કરાવીને ઊંચા વળતરની લાલચ ભારે પડી ગઈ, ઠગબાજોએ વૃદ્ધને વિશ્વાસમાં લઈને 35 લાખથી વધુ રૂપિયા પડાવી લીધા

Published : October 13, 2025 at 1:17 PM IST
અમદાવાદ: અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં રહેતા ૭૭ વર્ષીય એક વૃદ્ધને શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને સાયબર ઠગ ટોળકીએ ઓનલાઈન વિશ્વાસઘાત અને છેતરપિંડી દ્વારા કુલ ₹ 35,75,000/- ની માતબર રકમ પડાવી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે વૃદ્ધે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કેવી રીતે થઈ છેતરપિંડી
શ્યામસુંદર નથમલ માલપાની ને ગત 18 જુલાઈ 2025ના રોજ એક અજાણ્યા વોટ્સએપ નંબર પરથી 'નિરાલી સિંઘ સાંગી' નામે મેસેજ મળ્યો હતો. મેસેજમાં "Hello Welcome to ICICI Securities Group Are you also a Stoke market investment enthusiast" એમ જણાવી શેરબજારમાં રોકાણ માટે પૂછવામાં આવ્યું હતું.

વૃદ્ધને એક ગ્રુપમાં એડ કર્યા
વૃદ્ધે રૂચી દાખવતા, ઠગે તેમને એક ફોર્મની લિંક મોકલી જેમાં તેમની આધાર કાર્ડ અને બેંકની વિગતો ભરાવી લીધી. ત્યાર બાદ, વૃદ્ધને 'C5 ICICI Securities Group' નામના વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા.
આ ગ્રુપમાં રોજેરોજ ટૂંકા ગાળામાં ઓછી રકમ પર ઊંચા વળતર મળશે તેવા મેસેજો અને અલગ-અલગ વ્યક્તિઓના નફાના સ્ક્રીનશોટ મોકલીને ફરિયાદીનો વિશ્વાસ જીતવામાં આવ્યો.
રોકાણ કરાવી છેતરપિંડી
નિરાલી સિંઘ સાંગીએ 'ICICI Securities Trading' સાથે સંપર્ક કરાવી એક લિંક દ્વારા વિગતો ભરાવી. આ ઉપરાંત, 'તનુશ્રી' નામના અન્ય એક શખ્સે Fivemax નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રોકાણ કરાવ્યું.

વૃદ્ધે ગુમાવ્યા 35.75 લાખ ગુમાવ્યા
આરોપીઓએ આપેલા અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ફરિયાદીએ જુદી જુદી તારીખે કુલ ₹35,75,000/- જમા કરાવ્યા હતા. જેમાં નિરાલી સિંઘ સાંગીએ ₹29,75,000/- અને તનુશ્રીએ ₹6,00000/- મેળવ્યા.
પૈસા પરત ન મળ્યા
જોકે, આરોપીઓએ રોકેલી રકમમાંથી અમુક રકમ (આશરે ₹ ૩.૩૪ લાખ) પરત આપી હતી, પરંતુ બાકીના પૈસા અને નફાની રકમ આજદિન સુધી પરત ન આપી. જે બાદ ફરિયાદીને પોતે સાયબર ફ્રોડનો શિકાર બન્યા હોવાનું જાણ થતાં તેમણે સાયબર ક્રાઇમ ખાતે પોતાની ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે ફરિયાદીએ ગઇકાલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે નિરાલી સિંઘ સાંગી, તનુશ્રી, અને ICICI Securities ગ્રુપના એડમિન સહિતના આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNS)ની કલમ 316(2), 318(4), 61(2), 3(5) તેમજ આઈ.ટી. એક્ટની કલમ 66(C) અને 66(D) હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

