અમદાવાદ: કોરોના વાયરસ ફરી એકવાર માથું ઊંચકી રહ્યો છે. 2020માં ફેલાયેલી આ મહામારીના કારણે લાખોની સંખ્યામાં લોકોના વિશ્વભરમાં મોત થયા હતા. 2020 ના માર્ચ મહિનામાં કોરાનાની પ્રથમ લહેર આવી હતી. જેના કારણે ભારત જ નહીં વિશ્વભરના દેશોએ લોકડાઉન જાહેર કરવું પડ્યું હતું. ત્યારે હવે 5 વર્ષ બાદ ફરીથી કોરોનાના કેસો સામે આવતા ચિંતા વધી છે. કોરોનાના કેસો ગુજરાતમાં પણ અને તેમાં પણ ખાસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે.
પૂર્વ એશિયાના પ્રવાસન ક્ષેત્રે જાણીતા દેશોમાં કોરોનાના કેસ વધ્યા છે
મે, 2024માં મલેશિયા અને થાઈલેન્ડમાં વધતા જતા કોરાનાના કેસોએ ફરીથી વિશ્વમાં લોકોનું કોરોના પ્રત્યે ધ્યાન દોર્યું છે. છેલ્લા 10 દિવસથી પ્રવાસન ક્ષેત્રે જાણીતા મલેશિયા, સિંગાપોર અને થાગાઈલેન્ડમાં સતત વધતા જતા કોરોનાના કેસના કારણે એ દેશોની સરકારે હાઈ એલર્ટ જાહેર કર્યું છે. સિંગાપોરમાં ગત અઠવાડિયે કોવિડ-19 ના જ 26,000 કેસ નોંધાયા હતા. કોરોનાના કેસના કારણે પૂર્વ એશિયાના દેશોમાં દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની ઘટના વધી છે. મલેશિયા, સિંગાપુર, થાઈલેન્ડ અને હોંગકોંગમાં વધતા જતા કેસો માટે સ્થાનિક સરકારે નાગરિકોને સતર્કતા દાખવવા અને હોસ્પિટલમાં સારવાર માટે કહેવામાં આવ્યું છે.
અમદાવાદમાં કોરોનાના કેટલા કેસ?
મલેશિયા, સિંગાપોર, થાઈલેન્ડ અને હોંગકોંગમાં વધતા જતા કોરોનાના કેસની સરખામણીએ દેશ અને ગુજરાતમાં હાલ કોઈ ચિંતાનું કારણ નથી. અમદાવાદમાં 16 થી 20, મેની પાંચ દિવસની વચ્ચે કુલ સાત કેસ નોંધાયા છે. આ સાતેય દર્દીઓને હોમ આઇસોલેશન હેઠળ સારવાર અપાઈ રહી છે. અમદાવાદમાં નોંધાયેલા કેસોમાં વટવા, નારોલ, દાણીલીમડા, બહેરામપુરા, ગોતા, નવરંગપુરા અને બોપલના દર્દીઓનો સમાવેશ થયો છે.
અમદાવાદમાં જે દર્દીઓ કોરોના પોઝિટિવ થયા છે એમાં બે વર્ષના બાળકોથી લઈને 72 વર્ષના વૃદ્ધનો સમાવેશ થાય છે. સાત પૈકી ચાર દર્દીઓની તપાસ પૂર્વ અમદાવાદની એલ.જી. હોસ્પિટલ ખાતે કરવામાં આવી છે. આ સાતેય દર્દીઓ હાલ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યાં છે.સાત દર્દીઓ પૈકી પાંચ પુરુષ અને બે મહિલા દર્દીઓનો સમાવેશ થાય છે.
દેશમાં સૌથી વધુ કેસ કેરળ ખાતે નોંધાયા છે, સાવચેતી જરૂરી છે
કોરોનાના વધતા કેસમાં સમગ્ર દેશમાં સૌથી વધુ કેસ કેરળ ખાતે નોંધાયા છે. કેરળમાં છેલ્લી માહિતી પ્રમાણે 95, તામિલનાડુમાં 66, મહારાષ્ટ્રમાં 56, કર્ણાટકમાં 13, પોંડિચેરીમાં 10 અને ગુજરાતમાં 7 છે. સમગ્ર દેશમાં કોરોનાના કુલ 257 દર્દીઓ છે, જે સારવાર લઇ રહ્યા છે. ગુજરાત કોરોનાના દર્દીઓની સંખ્યાના મામલે હાલ દેશામાં છઠ્ઠા ક્રમે છે. વર્ષ-2020થી અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાના વિવિધ વાયરસના વેરિયન્ટ જોવા મળ્યા છે, હાલ કોરોનાના વધતા કેસમાં સાવચેતી આવશ્યક છે.
આ પણ વાંચો: