અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કેસોમાં અચાનક ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસોના આંકડા વધવાથી આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે.ગુજરાતમાં 8 જૂનના રોજ કોરોનાના 185 કેસ નોંધાયા છે.હાલમાં રાજ્યમાં કોરોનાના 980 એક્ટિવ કેસ છે. જયારે 32 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 948 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. જ્યારે 27 દર્દી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
દેશમાં પણ કોરોનાના કેસોમાં વધારો
દેશમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનાં કેસ વધી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવ્યા અનુસાર દેશમાં અત્યારે કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 6000 કરતા વધારે છે. કેરળ કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે. કેરળમાં એક્ટિવ કેસોની સંખ્યા 1957 છે. કોરોનાથી બીજું સૌથી અસરગ્રસ્ત રાજ્ય ગુજરાત છે. ગુજરાતમાં કોરોનાના 980 એક્ટિવ કેસ છે. ગુજરાત પછી કોરોનાના સૌથી વધુ કેસ પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં છે. દેશમાં કુલ કોરોનાના 6491 એક્ટિવ કેસો છે. તેમાંથી 6861 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ વર્ષે 1 જાન્યુઆરી 2025 થી લઈને અત્યાર સુધીમાં 65 દર્દીઓ કોરોનાને લીધે મૃત્યુ પામ્યા છે.
કોરોનાથી બચવા શું ધ્યાન રાખશો?
- આ અંગે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા નીચે મુજબ છે.
- હોમ આઈસોલેશનમાં રહેલ વ્યક્તિઓએ તેમના સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું.
- જો તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, વગેરે જેવા લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.
- ખાંસી/છીંક દરમિયાન નાક અને મોં ઢાંકવું, જાહેર સ્થળોએ થૂંકવું નહીં, વારંવાર સાબુથી હાથ ધોવા, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો વગેરે કોવિડ પ્રોપ્રિયોનેટ બિહેવિયરનું પાલન કરવું.
- કોમોર્બીડ કંડીશન ધરાવતા લોકો અને રોગપ્રતિકારક શક્તિની ઉણપ ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યા પર જવાનું ટાળવું અથવા આવી જગ્યાએ માસ્કનો ઉપયોગ કરવો.
- કોવિડના કેસોમાં દર 1 થી 8 માસમાં રાઈજિંગ ટ્રેન્ડ આવતો હોય છે, તેથી ગભરાવાની જરૂર નથી. "સાવચેતી એ જ સમજદારી છે.