સુરત: વીડિયોમાં કથાકારે ભારતીય બંધારણ અને તેના ઘડવૈયાઓ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે બંધારણ લખનારા મૂર્ખ હતા અને સંવિધાન ધર્મના આધારે હોવું જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે જે બાપ દીકરીને નોકરી કરાવે છે તે તેને વ્યભિચારમાં ધકેલે છે.
આ વીડિયો બે વર્ષ પહેલા પણ વાયરલ થયો હતો અને લોકોએ તેમના શબ્દોની ટીકા કરી હતી. હાલમાં આંબેડકર જયંતીના ગણતરીના દિવસો પહેલા આ વીડિયો ફરી વાઇરલ થતાં દલિતો, મહિલાઓ અને સંવિધાન પ્રેમી જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વીડિયો ફરીથી વાઇરલ થયા બાદ ચંદ્રગોવિંદ દાસે જાહેર માફી માગી છે. તેમણે સ્પષ્ટતા કરી કે તેમનું નિવેદન દીકરીઓ પર થતા અત્યાચાર અને ન્યાય ન મળતા કિસ્સાઓ સામેનો રોષ હતો. તેમણે ઉમેર્યું કે 18 વર્ષની ઉંમર પછી દીકરી લગ્ન કરવા સ્વતંત્ર છે તે સંવિધાનની કલમ સામે તેમને વાંધો હતો. જો કોઈની લાગણી દુભાઈ હોય તો તેમણે હૃદયપૂર્વક માફી માગી છે
બહુજન સમાજના અગ્રણી સુરેશ સોનવણેએ જણાવ્યું હતું કે ચંદ્ર ગોવિંદદાસ મહારાજે સંવિધાન અને સરકાર પ્રતિ અભદ્ર ટિપ્પણી કરીને પોતાની મનુવાદી વાત કરી છે. સમાજમાં ઘણો મોટો વિરોધ થતાં વિરોધની સામે તરત જ તેમણે રંગ બદલીને માફી માગવાનો પ્રયત્ન કર્યો છે. જો તેમણે માફી ન માગી હોત તો અમે કાયદાકીય કાર્યવાહી કરવાના હતા. તેમનું નિવેદન વખોડવા પાત્ર છે.