કચ્છ: આજે કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ માટે ઐતિહાસિક દિવસ છે, કારણ કે આજથી ગાંધીધામ રેલવે ગુડ્સ સર્વિસ ખાતેથી પ્રથમ વખત કન્ટેનર ટ્રેન શરૂ કરવામાં આવી છે. પ્રથમ 96 કન્ટેન્ટર સાથેની રેક ટ્રેન કે જેમાં ઓઈલનો જથ્થો લોડ કરવામાં આવ્યો હતો, તે આજે ગાંધીધામથી લુધિયાણા જવા રવાના થઈ હતી. આ સુવિધાના કારણે કચ્છના વેપાર અને ઉદ્યોગ જગતને ફાયદો થશે.
પ્રથમ વખત કન્ટેનર ટ્રેનની કામગીરી શરૂ: આજથી ગાંધીધામ સાઈડિંગથી પ્રથમ વખત કન્ટેનર ટ્રેનની કામગીરી શરૂ થઈ છે, જેનાથી કંડલા પોર્ટ અને ગાંધીધામ વિસ્તારના તમામ ઉધોગકારોને ફાયદો થશે અને આવનારા સમયમાં ઝડપથી માલ પરિવહન શક્ય બનશે તો સાથે જ માલની કિંમતમાં પણ ફ્રેઈટમાં પણ ઘટાડો થશે. સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન, ભારતીય રેલ્વે અને iWare સપ્લાયચેન સર્વિસીસ લિમિટેડ સાથે ભાગીદારીમાં આજે આ ઐતિહાસિક રેલ સુવિધા શરૂ કરવામાં આવી છે.
પ્રથમ કન્ટેનર ટ્રેનમાં 96 કન્ટેનરનું લોડિંગ: આજે પ્રથમ કન્ટેનર ટ્રેનમાં 96 જેટલા કન્ટેનરનું લોડિંગ અને શેડ્યૂલ રેક મૂવમેન્ટ કરવામાં આવ્યું હતું. આ કન્ટેનર રેલ સુવિધા શરૂ થવાથી ગાંધીધામના વેપાર, ઉદ્યોગ અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ સાબિત થશે. કારણ કે આ સુવિધાથી ઝડપી, સરળ અને પારદર્શક લોજિસ્ટિક્સ પરિવહન કરવામાં આવશે.


પૂજાવિધિ બાદ લીલી ઝંડી આપવામાં આવી: સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન, ભારતીય રેલવે અને iWareના વરિષ્ઠ અધિકારીઓ, લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ ક્ષેત્રના અગ્રણી નિષ્ણાતો અને ઉદ્યોગના મહાનુભાવો આજે હાજર રહ્યા હતા અને પૂજાવિધિ બાદ આજે પ્રથમ કન્ટેનર ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી.


વેપારીઓનો સમય પણ બચશે: ગાંધીધામ કચ્છનું આર્થિક પાટનગર છે અને અહીં ટીમ્બર , કેમિકલ, પાઇપ, ઓઈલ, મીઠાને સબંધિત અનેક ઉધોગો આવેલા છે, ત્યારે રોડ પરિવહન થકી જે માલ મોકલવામાં આવતો હતો તે હવે કન્ટેનર ટ્રેન મારફતે મોકલવામાં આવશે જેથી વેપારીઓનો સમય પણ બચશે. આ ઉપરાંત માલની સેફ્ટી પણ વધારે રહેશે અને સાથે કોસ્ટ કટીંગ પણ આવશે.
આ પણ વાંચો: