કચ્છ: હાલમાં ચૈત્ર માસ ચાલી રહ્યું છે, ત્યારે લીમડાને આરોગવાનું ઘણું મહત્વ રહેલું છે. ચૈત્ર માસમાં લીમડાના પાન અને લીમડાના કુણા ફૂલનું સેવન કરવાથી બારેમાસ સુધી રોગપ્રતિકારક શક્તિ બની રહે છે અને સાથે જ તાવ આવતો નથી. ઉપરાંત આયુર્વેદની દ્રષ્ટિએ પણ લીમડો ગુણકારી માનવામાં આવે છે ત્યારે લીમડાના પાનના સેવન અંગે આયુર્વેદિક વૈધ શું જણાવે છે, જાણો.
ચૈત્ર માસમાં લીમડો આરોગવાનું મહત્વ: આજના આધુનિક સમયમાં લીમડો આરોગવાની જૂની પરંપરા છે તે ભુલાતી જાય છે ત્યારે ચૈત્ર માસમાં લીમડો આરોગવાનું મહત્વ રહેલું છે. સામાન્ય રીતે લીમડાનું નામ પડતા ઘણા લોકોને કડવાશનો અનુભવ થવા લાગે છે. આયુર્વેદમાં લીમડાને રોગોથી મુક્તિ અપાવવા તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે મહત્વનું દર્શાવવામાં આવ્યું છે. ત્યારે ચૈત્રમાં લીમડો આરોગવાની જૂની પરંપરા છે કારણ કે લીમડામાં કૃમિનાશક તત્વ પણ રહેલા છે.
મનુષ્યના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે લીમડો આર્શીવાદરૂપ: ચૈત્ર માસ શરૂ થતાંની સાથે જ કેટલાક ઘરોમાં કડવા લીમડાને આરોગવાની જૂની પરંપરા આજે પણ જોવા મળે છે. જેમાં લોકો લીમડાના કુણા પાન અને ફૂલ તેમજ લીમડાના પાનનો રસ આરોગતા હોય છે. જોકે લીમડો કડવો હોવાથી આજની પેઢી સ્વાદિષ્ટ ભોજનની સામે લીમડાની કડવાશ જોઈને અવગણતા હોય છે. પરંતુ આયુર્વેદની દ્રષ્ટિએ જોતા મનુષ્યના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે લીમડો આર્શીવાદરૂપ છે.


આ ઋતુ સંધિકાળ દરમિયાન પિત્ત અને કફનો પ્રમાણ વધારે: આયુર્વેદિક વૈધ ડૉ. આલાપ અંતાણીએ જણાવ્યું હતું કે, આયુર્વેદના દ્રષ્ટિકોણથી હાલમાં જે ચૈત્ર માસ ચાલી રહ્યું છે ત્યારે વસંત ઋતુનો સમય છે એટલે કે શિયાળાના દિવસો પૂર્ણ થતા હોય છે અને ઉનાળાના દિવસો શરૂ થઈ રહ્યા હોય છે ત્યારે આ સમયગાળા દરમિયાન રોગોનો પ્રમાણ પણ વધારે જોવા મળતું હોય છે ત્યારે આ ઋતુ સંધિકાળ દરમિયાન પિત્ત અને કફનો પ્રમાણ વધારે જોવા મળતો હોય છે ત્યારે આ સમયે ઘણા દરમિયાન લીમડાનું સેવન કરવામાં આવે તો તેના વિશેષ ફાયદાઓ મળતા હોય છે.

લીમડો ખૂબ સારું એન્ટિબેક્ટોરિયલ દ્રવ્ય છે: ચૈત્ર માસ દરમિયાન લીમડાનું સેવન કરવામાં આવે તો પિત્તનું શમન થતું હોય છે અને સાથે સાથે શરીરમાં એસિડના પ્રમાણે પણ તે કંટ્રોલમાં રાખે છે. આ ઉપરાંત વિવિધ રોગો સામે રક્ષણ મેળવવા તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લીમડો ખૂબ સારું એન્ટિબેક્ટોરિયલ દ્રવ્ય છે ખાસ કરીને જ્યારે ખોરાકની અંદર અલગ અલગ પ્રકારના જીવાણું આવતા હોય છે તેની સામે લડવા માટે પણ લીમડો લાભકારી રહે છે.

લીમડાના પાન અને ફૂલ સાથે ચાવવાથી લાભદાયી: ચૈત્ર માસ દરમિયાન લીમડાનું સેવન કરીને તેના લાભ મેળવવા હોય તો સવારના ખાલી પેટે ચારથી પાંચ પાન લીમડાના અને તેના ફૂલ સાથે ચાવવામાં આવે તો તે વિશેષ લાભદાયી નીવડે છે. તો જે લોકોને લીમડો કડવો લાગે છે તેઓ ખડી સાકર સાથે લીમડાને લઈ શકે છે જેથી કરીને લીમડાનો જે પિત્ત શામકનો ગુણ છે તે મેળવી શકાય છે. વસંત ઋતુના સમયગાળા દરમિયાન જે કફ અને પિત્તના રોગો થતા હોય છે તેના સામે રક્ષણ મેળવવા માટે તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવા અને કૃમિનાશક તરીકે ચૈત્ર મહિનાની અંદર લીમડાનું વિશેષ મહત્વ રહેલું છે.

ચૈત્ર માસમાં સેવન કરવાથી બારેમાસ રોગપ્રતિકારક શક્તિ: આ ઉપરાંત લીમડાનો ધુમાડો કરવાથી મચ્છર જેવા જીવજંતુ પણ નષ્ટ પામે છે. તો લીમડાના ઉપયોગના કારણે ઉનાળાની ઋતુ દરમિયાન થતા ચામડીના વિવિધ પ્રકારના રોગો પણ દૂર કરી શકાય છે આમ તો દરેક ઋતુમાં લીમડો આરોગી શકાય છે પરંતુ ચૈત્ર માસ દરમિયાન જો લીમડાનું સેવન કરવામાં આવે તો બારેમાસ માટે રોગપ્રતિકારક શક્તિ મળે છે જેથી ત્રણેય ઋતુમાં તાવ આવતો નથી.

આ પણ વાંચો: