અમદાવાદ: કોંગ્રેસના નવા અવતારમાં રાહુલ ગાંધીથી લઈને જિલ્લા પ્રમુખોએ આહવાન કર્યું છે. આ સ્થિતિમાં 1990 થી 2020 સુધીના ત્રણ દાયકા સુધી કોંગ્રેસના ચાણક્ય ગણાયેલા મૂળ ગુજરાતના ભરુચ જિલ્લાના અહેમદ પટેલનું યોગદાન મહત્વનું રહ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન દરમિયાન ETV BHARAT સાથે અહેમદ પટેલના પુત્રી મુમતાઝ અહેમદ પટેલે કઈ રીતે અહેમદ પટેલને યાદ કર્યા અને પોતે કેવી રીતે કોંગ્રેસના નવા અવતારમાં ભૂમિકા ભજવી શકે એ માટે વિશેષ સંવાદ કર્યો છે. જાણીએ મુમતાઝ અહેમદ પટેલનું રાજકારણમાં આવવાનો હેતુ અને સ્વપ્ન શું છે.
મુમતાઝ અહેમદ પટેલે કોંગ્રેસના નવા અવતાર અને પોતાના રાજકીય વિચારો અંગે શું કહ્યું?
મુમતાજ અહેમદ પટેલે કોંગ્રેસના નવા અવતાર અંગે પોતાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. મુમતાઝ અહેમદ પટેલે કોંગ્રેસમાં મોટા પરિવર્તન આવશે એ વિશ્વાસ ETV BHARAT સાથેના સંવાદ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરના કોંગ્રેસી નેતા અને કાર્યકરોએ અહેમદ પટેલને યાદ કર્યા હતા. મુમતાઝ પટેલે ETV BHARAT સાથેના સંવાદમાં કહ્યું કે, અહેમદ પટેલ જીવતા હોત તો રાષ્ટ્રીય અધિવેશનનો માહોલ અલગ જ હોત. હું અહેમદ પટેલની રાજકીય વારસદાર નથી. હા, એ વાત સાચી છે કે હું તેમની પુત્રી છું એટલે મારી પાછળ અહેમદ પટેલના નામનો ટેગ છે, જે લેગસીનો ભાર અનુભવાય છે.
કોણ છે મુમતાઝ અહેમદ પટેલ?
મુમતાજ પટેલ એ કોંગ્રેસ અગ્રણી અહેમદ પટેલની પુત્રી છે. એવું મનાય છે કે, અહેમદ પટેલનો રાજકીય વારસો મુમતાજ પટેલ આગળ ધપાવશે. સમાજ સેવા થકી જાહેર જીવનમાં પ્રવેશેલા મુમતાજ પટેલ અહેમદ પટેલ જ્યારે હયાત હતા ત્યારે ક્યારેય પક્ષીય રાજકારણમાં આવ્યા ન હતા.
અહેમદ પટેલ કેમ કોંગ્રેસ માટે ચાણક્ય હતા?
વર્ષ 2020માં કોંગ્રેસના અહેમદ પટેલનું કોરાનાકાળમાં અવસાન થતાં કોંગ્રેસ પક્ષને મોટો ફટકો પડ્યો હતો. 1980 થી 2020 સુધીના ચાર દાયકા સુધી કોંગ્રેસના દરેક નિર્ણયોમાં અહેમદ પટેલની મહત્વની ભૂમિકા રહી હતી. 2004 થી 2014 સુધી કોંગ્રેસ કેન્દ્રિત યુપીએ સરકાર રચવા અને તેના સંકલન માટે અહેમદ પટેલ મહત્વના સ્થાને હતા. અહેમદ પટેલનું કોંગ્રેસની દરેક સફળતા અને નિરાશામાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આમ તો અહેમદ પટેલ સોનિયા ગાંધીના રાજકીય સચિવ હતા અને કોંગ્રેસ માટેની રણનીતિ ઘડવામાં અગ્રસ્થાને રહ્યા હતા. જાહેર જીવનમાં અહેમદ પટેલના ચાર દાયકાની રાજકીય કારર્કિદી નિર્વિવાદ રહી હતી. અહેમદ પટેલ ત્રણ વખત લોકસભાથી અને પાંચ વખત રાજ્યસભાથી સાંસદ રહ્યા હતા. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે રાજકારણને લોકસેવાનું માધ્યમ ગણાવ્યું હતુ. આજે પણ ગરીબો અને વંચિતો અહેમદ પટેલની ખોટ અનુભવે છે.
આ પણ વાંચો: