નર્મદા: મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટે નર્મદા ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા ખાતે સવારે પહોંચ્યા હતા. તેમણે અહીં આવીને મા નર્મદા મૈયાનું વિધિવત્ પૂજન કર્યું હતું. તેમની સાથે ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા, જશુભાઈ રાઠવા, જિલ્લા ભાજપા પ્રમુખ નીલ રાવ સહિત અધિકારીઓ જોડાયા હતા.
ત્યારબાદ તેમણે રણછોડજી મંદિરની મુલાકાત લીધી હતી અને દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી ગુજરાત વિકાસ યાત્રાધામ બોર્ડ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને પરિક્રમાર્થીઓને મળ્યા હતા ઉપરાંત તેમના પ્રશ્નો પણ સાંભળ્યા હતા.
વાતચીત દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 'અમે ઉત્તમ સુવિધા આપવાનો પ્રયાસ કરીશું અને આવતા વર્ષે વધુ ઉત્તમ સુવિધા પરિક્રમાર્થીઓને મળશે એવો ગુજરાત સરકારનો પ્રયાસ રહેશે.'
તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અહીં વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું તેમજ મા નર્મદાની પૂજા અર્ચના કરી શહેરાવ ઘાટ સુધી પગપાળા પરિક્રમા પણ કરી હતી.

પરિક્રમાર્થીઓ માટે ઉત્તમ સુવિધા: અત્રે ઉલ્લેખનીય છે કે, પરિક્રમાર્થીઓ-શ્રદ્ધાળુઓની સુગમતા અને સરળતા માટે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ હંગામી સુવિધાઓ પરિક્રમામાં ઊભી કરાઈ છે. ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાના માર્ગમાં નર્મદા નદીના શહેરાવ ઘાટ, રેંગણ ઘાટ, રામપુરા ઘાટ અને તિલકવાડા ઘાટ આવ્યા છે. જ્યાં બોટ જેટી, ડોમ, પંખા, લાઈટ, બેરિકેટિંગ, ચેન્જિંગ રૂમ, સીસીટીવી કેમેરા, સીનિયર સિટીઝન માટે બેઠક વ્યવસ્થા, પાણી વગેરેની સુવિધા પૂરી પાડવામાં આવી છે.
પુણેથી પરિક્રમા માટે આવેલા દેવેન્દ્ર દીક્ષિતે જણાવ્યું હતું કે, 'દિલ્હીમાં નરેન્દ્ર ગુજરાતમાં ભૂપેન્દ્ર અને મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ત્રણેયનો સુશાસન હોવાથી ઉત્તમ સુવિધા લોકોને મળી રહી છે. ચાલુ વર્ષે નર્મદા પરિક્રમાની ઉત્તમ સુવિધા ગુજરાત સરકારે કરી છે તે માટે હું એમનો આભાર માનું છું.'
આ પણ વાંચો: