પંચમહાલ: હાલમાં રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ વચ્ચે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ (ચાંપાનેર)ના તળેટી તેમજ ડુંગર પર રહેતા ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, ગ્રામજનોના વિકટ પડતર પ્રશ્નોનો નિકાલ નહી આવતા તેમણે ચાંપાનેર ગ્રામ પંચાયતની ચૂંટણી બહિષ્કારનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે આ નિર્ણય આવેદનપત્રના માધ્યમથી રજૂ કરી તેમની માગણીઓ સ્વીકારવા તેમજ તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગ કરી છે.
ચાંપાનેર (પાવાગઢ) ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા ચૂંટણી અધિકારી તેમજ હાલોલ પ્રાંતને આપેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, પાવાગઢ ગામમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ એવા ભદ્રગેટ તરીકે ઓળખાય છે. તે તારીખ 26 ઓગસ્ટ 2024 થી ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા રીપેરીંગ અર્થે બંધ કરવામાં આવ્યો હતો. જે માર્ગ સ્થાનિક લોકોને તેમજ યાત્રાળુઓની અવરજવર અર્થે ખુલ્લો કરવા અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં તેમજ આ પ્રશ્ન ધારાસભ્ય, સંસદસભ્ય તેમજ જિલ્લા વહીવટી તંત્રને સ્થાનિક કક્ષાએ કરી છે.
આ ઉપરાંત આ રજૂઆત સીએમ પોર્ટલ તેમજ પીએમ પોર્ટલ પર કરેલ હોવા છતાં આ માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો નથી, તેમજ જિલ્લા સંકલન સમિતિમાં આ પ્રશ્નની રજૂઆતમાં પણ પુરાતત્વ વિભાગ તરફથી કોઈ વ્યક્તિ હાજર રહેલ ન હોવાથી, આજે પણ આ પ્રવેશ દ્વાર બંધ રહેતા સ્થાનિક તેમજ યાત્રાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

તમને જણાવી દઈએ કે, અહીં ગામના સ્થાનિક લોકોમાંથી 80 ટકા લોકો ટેક્સીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ લોકોએ ટેક્સી પાર્કિંગ માટે ટેક્સ ભરેલો હોવા છતાં દર શનિવારે અને રવિવારે તેમની ટેક્સીઓ બંધ રાખવામાં આવે છે. પરિણામે આ પ્રકારે રોજગારી મેળવતા યુવાનોને 365 દિવસ રોજગારી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

રોપવેની વાત કરીએ તો, ખાનગી કંપની દ્વારા સ્થાનિકોની અવગણના કરી પંચાયતની પૂર્વ પરવાનગી વગર રોપવે લંબાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાથી સ્થાનિકોની રોજગારી પર ગંભીર અસરો થઈ શકે તેમ લોકોએ રજૂઆત કરી હતી.

તેમણે કહ્યું કે, આ વિષય અંગે સ્થાનિક લોકો સાથે પરામર્શ કરવો જોઈએ. તેમજ ગામમાં પાર્કિંગની પૂર્તિ વ્યવસ્થા હોવા છતાં ત્રણ કિલોમીટર દૂર પાર્કિંગ કરાવી યાત્રાળુઓને હેરાન કરવામાં આવે છે તેમજ અમારી રોજી રોટી છીનવાઈ જાય છે.

આ પણ વાંચો: