કચ્છ: કચ્છમાં ઘોરાડની ઘટતી જતી સંખ્યાને ધ્યાને લઈ દેશની સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ કેન્દ્રીય ટીમ અબડાસા તાલુકામાં ઘોરાડ અભ્યારણ્ય નિરીક્ષણ માટે આવી હતી. જેમાં હાલમાં ઘોરાડ અભ્યારણ્યમાં નર અને માદા અહીં લઈ આવવાની વાત અને હાઈવોલ્ટની લાઈન વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી.
કેન્દ્રની ટીમ ઘોરાડમાં
કચ્છના અબડાસા તાલુકામાં ઘોરાડ અભયારણ્ય વિસ્તારનું સ્થળ નિરીક્ષણ કર્યા બાદ કેન્દ્રની ટીમે ભુજમાં કલેક્ટર કચેરી ખાતે તંત્રવાહકો અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે, ઘોરાડ એ આપણી વિરાસત છે, તેનું સંરક્ષણ થવું જ જોઈએ. પરંતુ તેના કારણે પારંપરિક ખેતી નષ્ટ થવી ન જોઈએ.
કલેક્ટર કચેરી ખાતે આ ટીમના ચેરપર્સન એવા કેન્દ્રની મિનિસ્ટ્રી ઓફ એનર્જીના સંયુક્ત સચિવ લલીત બહોરા, સભ્યો હરિશંકર સિંહ, નિંરજન વાસુ, ડો. દેવાંશ ગઢવી, અશોક રાજપૂત, વન અને પર્યાવરણ વિભાગના સંયુક્ત સચિવ સત્યજિત મિશ્રા, વીરેન્દ્ર તિવારી, પી.સી. ગર્ગ, હિમાંશુ પ્રભાકરે ઘોરાડને બચાવવા માટે અન્ડરગ્રાઉન્ડ વીજલાઈન પસાર કરવાની સાથે અભયારણ્યના કારણે ઉદ્ભવતી કેટલીક મુશ્કેલીઓ અંગે બેઠકમાં ચર્ચા વિચારણા કરી હતી.

ખેડૂતોને લાગતાં પ્રશ્ન અંગે પણ ચર્ચા
આ બેઠકમાં ઘોરાડ અભયારણ્યના લીધે ખેડૂતોને વેઠવી પડતી મુશ્કેલીના મુદ્દાઓ પણ મૂકવામાં આવ્યા હતા.જેમાં ઘોરાડનાં કારણે ખેતી માટે થ્રી ફેઝ જોડાણ આપવાનું બંધ કરવામાં આવ્યું છે, જેના કારણે પરંપરાગત ખેતીને નુકસાન થઈ રહ્યું છે. જો બોર થાય તો જ ખેતી બચશે તેવી લાગણી પણ બેઠકમાં વ્યક્ત કરવામાં આવી હતી.આ ઉપરાંત આ વિસ્તારમાં પવનચક્કીઓને છૂટછાટ આપવામાં આવે છે, એવા પ્રશ્નો પણ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ મૂકવામાં આવ્યા હતા.

ગેટકો, વનવિભાગ, ક્લેક્ટર સહિતના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
ઘોરાડ અભ્યારણ્ય હેઠળ આવતાં 35 જેટલા ગામના સરપંચો અને અન્ય અગ્રણીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત હતા. તો બેઠકમાં પાવર કંપનીઓને ટ્રાન્સમિશન લાઈન ભૂગર્ભમાંથી પસાર કરવા અંગે ઝડપથી આયોજન ઘડવા માટેના સૂચનો કરવામાં આવ્યા હતા. બેઠકમાં ગેટકો-રાજકોટના ચીફ ઈજનેર એસ.જી. કાનજિયા, કલેક્ટર અમિત અરોરા, વન વિભાગના ડીએફઓ યુવરાજસિંહ ઝાલા, આરએફઓ કનકસિંહ રાઠોડ, એસીએફ હસમુખ ચૌધરી, ગેટકો અને વીજતંત્રના અધિકારીઓ પણ જોડાયા હતા.

નર અને માદા ઘોરાડ અહીં લઈ આવવાની ચર્ચા
અબડાસામાં ઘોરાડની લુપ્ત થતી સંખ્યાને લઇને કેન્દ્રની ટીમએ ઘોરાડ સેંચ્યુરી ભાનાડા અને લાલા, બુડિયા ઘોરાડ અભયારણ્યમાં નિરીક્ષણ કરી અભયારણ્ય અંગેની માહિતી મેળવી હતી. આ ઉપરાંત નર અને માદા અહીં લઈ આવવાની વાત અને હાઈવોલ્ટની લાઈન વિશે પણ માહિતી મેળવી હતી. હાલના સમયમાં અહીં લુપ્ત થઈ રહેલા ઘોરાડની સંખ્યાને કેમ વધારવી તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ટ્રાન્સમિશનની અન્ડરગ્રાઉન્ડ વીજ લાઈન લેવા માટે પણ ચર્ચા
ગેટકોના અધિકારી ડાંગીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ભાચુંડામાં આવેલા 220 કે.વી.માં કેન્દ્રથી આવેલા અધિકારીઓ અને ગેટકોના અધિકારીઓ અને વન વિભાગના અધિકારીઓએ મુલાકાત કરીને ચર્ચા કરી હતી. ઘોરાડ અભયારણ્યમાંથી જો ટ્રાન્સમિશનની અન્ડરગ્રાઉન્ડ વીજ લાઈન લેવામાં આવે તો કેવી રીતે પસાર કરવા કંઈ રીતનું આયોજન કરવું તે અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી તો ઘોરાડના વિસ્તારમાં આવતી વીજલાઈનો જે અડચણરૂપ છે તે કાઢવી કે શું તેમજ આ લાઈનો ઘોરાડ અભ્યારણ્યની બહાર છે કે અંદરના ભાગમાં તે જોવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટનો મામલો હોવાથી ત્યાં રિપોર્ટ સોંપવામાં આવશે
પશ્ચિમ કચ્છ વનવિભાગના ડીએફઓ યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટનો હોવાથી કેન્દ્રની ટીમ દ્વારા અભયારણ્યનો રિપોર્ટ સોંપવામાં આવશે ત્યાર બાદ સતાવાર રીતે શું નિર્ણયો લેવામાં આવશે તે અંગે સતાવાર રીતે જાણ કરવામાં આવશે. કેન્દ્રથી આવેલ ઉચ્ચ અધિકારીઓની ટીમમાં ચેરપર્સન કેન્દ્રના જોઈન્ટ સેક્રેટરી લલિત બહોરા રહ્યા હતા. વર્ષ 2010 પહેલા અબડાસાના આ ઘોરાડ અભ્યારણમાં ઘોરાડની સંખ્યા 48ની જેટલી હતી પરંતુ ધીરે ધીરે આ સંખ્યા ઓછી થતી ગઈ અને હાલમાં તેની સંખ્યા 4 જેટલી છે.