અમદાવાદ: શહેરના વાડજ વિસ્તારમાં રહેતી એક છોકરીને અજાણ્યા યુવકે ભગાડી જતા તેના પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સની અરજી દાખલ કરી છે. આ મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
ગરીબ પિતાએ હેબિયર્સ કોપર્સ દાખલ કરી: સમગ્ર ઘટના અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાડજ વિસ્તારમાં રહેતી યુવતી Bsc નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેને કોઈ અજાણ્યો શખ્સ ભગાડી ગયો હતો. જેની સામે ગરીબ પિતાએ હેબિયર્સ કોપર્સ અરજી દાખલ કરી હતી. આ અરજીને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટે શહેર પોલીસ કમિશ્નર, રાજ્ય સરકાર અને વાડજ પોલીસ સ્ટેશનના PIને નોટિસ પાઠવી હતી. ગુજરાત હાઈકોર્ટે યુવક તેમજ યુવતીને પકડી લાવીને 17 માર્ચ સુધીમાં કોર્ટમાં હાજર કરવાનો વાડજ PIને નિર્દેશ કરવામાં આવ્યો છે.
હાઈકોર્ટે પોલીસને આપ્યો આદેશ: આ મામલે એડવોકેટ આર .જે ગોસ્વામી મારફતે વાડજમાં રહેતા અને મજૂરી કામ કરતાં ગરીબ પિતાએ ગુમ થયેલી દીકરીની ભાળ મેળવવા માટે અરજી કરી હતી. આ અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, અરજદાર પિતાની દીકરી Bsc નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. જે 20 જાન્યુઆરી 2025ના રોજ ઘરેથી કોલેજ જવા ગઈ હતી. તે દિવસે સાંજ થઈ હોવા છતાં તે ઘરે પરત આવી ન હતી. આથી સગા-સંબંધીઓ સહિત વિવિધ જગ્યાએ તપાસ કરતા કોઈ ભાળ મળી નહોતી. એ દિવસથી આજ સુધી દીકરીનો હજુ સુધી પત્તો મળ્યો નહીં. ત્યારબાદ બીજા દિવસે ગુમ થયેલી દીકરી અંગે ફરિયાદ કરવા અરજદાર વાડજ પોલીસ સ્ટેશન એ ગયા હતા. પરંતુ વાડજ પોલીસે તેમની ફરિયાદ લીધી નહોતી અને માત્ર જાણવાજોગ અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે, ગરીબ પિતાની દીકરીને હાજર કરવામાં આવે.
યુવકના પરિજનો યોગ્ય જવાબ આપતા નથી: વાડજ પોલીસ સ્ટેશનમાંથી અરજદારને મેરેજ સર્ટિફિકેટ બતાવી જાણ કરવામાં આવી હતી. આથી અરજદારે તે સરનામે જઈને તપાસ કરી હતી. પણ ત્યાં કોઈ મળ્યું નથી. તેમની દીકરી ભગાડી લઈ જનાર યુવકના વતનમાં જઈને તપાસ કરતા તેના પરિવારજનો પણ કોઈ યોગ્ય જવાબ આપતા નથી. આથી અરજદારે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.
આ પણ વાંચો: