સુરેન્દ્રનગરઃ થાન નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી ભવ્ય વિજય થયો 28 બેઠકોમાંથી 25 બેઠકો ભારતીય જનતા પાર્ટી મેળવી છે. ખરેખર ગરમાગરમી વાળી રહેલી આ ચૂંટણી દરમિયાન સહુના આશ્ચર્ય વચ્ચે બીએસપી (બહુજન સમાજ પાર્ટી) એટલે કે માયાવતી જે પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ છે તે પાર્ટીએ 3 બેઠક પોતાના ખાતે કરી લીધી છે.
રાજકીય પક્ષો અચંબામાંઃ સ્થાનીક સ્વરાજની ચૂંટણી સમગ્ર રાજ્ય સહિત થાન નગરપાલિકામાં સાત વોર્ડ માટે 28 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને અપક્ષ સહિત 107 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે આજે 18 ફેબ્રુઆરીના રોજ થાન તાલુકા પંચાયત કચેરી ખાતે મત ગણતરી યોજાઈ હતી. જેમાં 28 બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટીના 25 બેઠક પર ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો. જ્યારે વોર્ડ નંબર 4 માં બહુજન સમાજ પાર્ટીના બે મહિલા અને 1 પુરુષ સહિત ત્રણ બેઠકો ઉપર બીએસપીના ઉમેદવારનો ભવ્ય વિજય થયો હતો. ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એક પણ સીટ મેળવી નથી. જ્યારે બહુજન સમાજ પાર્ટીએ થાન નગરપાલિકામાં પોતાનું ખાતું ખોલાવતા સહુ રાજકીય પક્ષો અચંબામાં મુકાઈ ગયા છે.

નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની વિજય થતા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ અને ધારાસભ્ય શામજી ચૌહાણ તમામ કાર્યકરો આગેવાનો અને ભારતીય જનતા પાર્ટી પર મતદારોએ થાન નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત બદલ આભાર વ્યક્ત કર્યો છે. આ બાજુ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જ્યાં ગુજરાતમાં પોતાના દબદબાની વાત કરે છે ત્યારે તેમના સહુના આશ્ચર્ય વચ્ચે ત્રણ બેઠક પર બીએસપીના હાથીનું જોર ભારે સાબિત થયું છે.
