જંબુસર (ભરૂચ): 12 જૂન, 2025 ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયા ફ્લાઈટના ભયંકર ક્રેશમાં પ્લેનમાં સવાર 242 માંથી જ્યાં 241 લોકોના કરૂણ અવસાન થયું, આજ સમયે જે કોલેજના હોસ્ટેલ પર વિમાન પડ્યું હતું ત્યાંના પણ લગભગ 33 લોકોની મૃત્યુ થઈ હતી. ત્યાં જ ભરૂચ જિલ્લાના જંબુસરના ધ્રુવ ગુજ્જરનો ચમત્કારિક બચાવ થયો હતો. આજે તેઓ હેમખેમ ઘરે પરત ફરતા તેના પરિવારજનો, સગા સંબંધીઓ અને સમગ્ર વિસ્તારમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
મેસમાં જમવા બેઠેલા ધ્રુવ બચવા ટેબલ નીચે છુપાયા:
જંબુસરના રાકેશભાઈના પુત્ર ધ્રુવ ગુજ્જર બી.જે. મેડિકલ કોલેજ, મેઘાણીનગર અમદાવાદમાં MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી છે. ઘટના સમયે તેઓ મેડિકલ કોલેજની મેસના ગ્રાઉન્ડ ફ્લોર પર જમવા બેઠેલા હતા. માત્ર 30 સેકન્ડ જેટલો સમય થયો હશે ત્યાં અચાનક ભયાનક ધડાકો સંભળાયો હતો. પ્લેન બી.જે. મેડિકલની મેસ પર આવી અથડાયું અને તરત જ આગ ભભૂકી ઉઠી હતી.
ધ્રુવે તત્કાલ કાળજીપૂર્વક ડાઇનિંગ ટેબલ નીચે શરણ મેળવ્યું અને થોડી ક્ષણો બાદ એક ખુલ્લી બારી પરથી કૂદીને બહાર નીકળી ગયા હતા. બહાર નીકળ્યા બાદ તેમણે જોયું કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને મેસ તેમજ આસપાસના વિસ્તારો ધુમાડાથી ઘેરાઈ ગયા છે. તંત્ર દ્વારા તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ઘરે પરત ફરતા ભાવુક પળ, માતા-પિતા અને દાદા-દાદીની આંખો ભીની:
ધ્રુવના જીવંત બચી જવાના સમાચાર સાંભળતા જ સમગ્ર પરિવાર ચિંતામુક્ત થયો હતો. આજે ધ્રુવ હેમખેમ જંબુસર ખાતે આવેલા તેના ઘરે પાછો ફર્યો ત્યારે તેણે માતા-પિતા, દાદા-દાદી સાથે મળીને ચરણ સ્પર્શ કર્યા હતા. ધ્રુવ પિતા રાકેશભાઈનો આ એકમાત્ર દીકરો છે, અને તેમનું યુગાનુયુગ સપનું છે કે તેમનો દીકરો ડોક્ટર બને. આમ આ સમયે તેમનો દીકરો ચમત્કારિક રીતે જીવંત બચી આવવાથી હવે ઘરમાં દુઃખ નહીં, પણ આનંદ અને ભગવાનના આશીર્વાદની લાગણી છવાઈ ગઈ છે.
"ભગવાનનો આભાર કે આજે હું જીવી રહ્યો છું" - ધ્રુવ ગુજ્જર
ધ્રુવ ગુજ્જરે કહ્યું કે, 'ઘટના વખતે એવું લાગ્યું કે હવે બધું ખતમ થઈ જશે. ભયંકર અવાજ અને આગ જોઈ હૃદય દ્રવી ગયું હતું. હું જીવતો બચ્યો એ બદલ ભગવાનનો અને મારા માતા-પિતાનો અહોભાવ છું. બચાવ કાર્યમાં જોડાઈને થોડું મદદરૂપ થવાનો પણ મોકો મળ્યો હતો.'
ઘટનાની જાણ બાદ ધ્રુવ ઘરે ફરી પાછો આવતા સોસાયટીના રહીશો અને નજીકના સગા વહાલાઓ પણ ઘરે આવી ગયા હતા અને ધ્રુવ પાસેથી આ દુર્ઘટનાનું જીવંત વર્ણન સાંભળી પોતાની આંખો ભીની કરી હતી.
આ પણ વાંચો: