સુરતઃ સુરત સહિત ગુજરાતમાં વસતા બિહારી સમાજને આ વર્ષે છઠપૂજા બિહારમાં જઈને ઉજવવા માટે સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે આમંત્રણ પાઠવ્યું છે. આ સાથે મંત્રીએ સંકેત આપ્યો છે કે વિધાનસભા ચૂંટણીની તારીખો છઠપૂજાની આસપાસ આવી શકે છે.
સર્કિટ હાઉસમાં પત્રકાર પરિષદ
સચિન ખાતે બિહાર દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા નિત્યાનંદ રાયે સુરત સર્કિટ હાઉસમાં પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની પવિત્ર ભૂમિ પર બિહારીઓનું સન્માન થયું છે. અહીં તેમને રોજગાર અને રહેવાની સગવડ મળી છે.
PM મોદીની કરી ભરપુર પ્રશંસા
નિત્યાનંદ રાયે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે બિહારમાં જંગલરાજ હતું, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના લોકોને ગુજરાતમાં આવવાની તક આપી. તેમણે ઉમેર્યું કે પીએમ મોદીએ બિહાર માટે સવા લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું છે.
લાલુ પ્રસાદ પર સાધ્યું નિશાન
મંત્રીએ લાલુ અને રાબડી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે 15 વર્ષ સુધી આ સરકારોએ બિહારનું નામ બદનામ કર્યું હતું અને ત્યાં જંગલરાજ અને આતંકનો સમય હતો. તેમણે ઉમેર્યું કે આજે બિહારને સન્માન મળ્યું છે અને ગુજરાતમાં વસતા બિહારી લોકોની કમાણીથી બિહારનું પણ કલ્યાણ થઈ રહ્યું છે.
બિહાર વિધાનસભાની ચૂંટણી છઠપૂજાની આસપાસ હોવાના આપ્યાં સંકેત
મંત્રી નિત્યાનંદ રાયે વધુમાં જણાવ્યું હતું કે, "બિહાર અને ગુજરાત બંનેમાં વસતા બિહારવાસીઓ માટે બિહાર તેમની જન્મભૂમિ છે. તેઓ મતથી પણ બિહારના વિકાસમાં ભાગ લઈ શકે છે. બિહારમાં આગામી સમયે ચૂંટણી આવી રહી છે, જે છઠપૂજાની આસપાસ થશે. લોકોને હું અપીલ કરું છું કે, તેઓ છઠપૂજાની ઉજવણી દરેક જગ્યાએ કરતા હોય છે પણ આ વર્ષે છઠપૂજા ખાસ છે અને તેની ઉજવણી તેઓ બિહાર આવીને કરે."