ડાકોર, ખેડા: યાત્રાધામ ડાકોર સ્થિત રણછોડરાયજીના મંદિર ખાતે આજે નિર્જળા એકાદશીની ઉજવણી અંતર્ગત વહેલી સવારથી જ રાજાધિરાજના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવીકો મંદિરે ઉમટ્યા હતા.સવારે ભાવિકોએ મંગળા આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.આ પ્રસંગે ભગવાનને વિશેષ ભોગ,શ્રૃંગાર ધરાવાયો હતો. નિર્જળા એકાદશી એટલે ભીમ એકાદશીનું વિશેષ મહત્વ રહેલું છે.
આ એકાદશીનું વ્રત કરવાથી આખા વર્ષની બધી જ એકાદશીનું ફળ મળવાની માન્યતા છે. જેને લઈ રાજાધિરાજના દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિકો મંદિરે ઉમટ્યા હતા. ભગવાનને જળ ભરેલા કુંભ,કેરી અને વિંઝણો અર્પણ કરી ભાવિકોએ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
ભગવાનને ઠંડકનો ભાવ પ્રદાન કરતા ભક્તો
ભીમ એકાદશીએ ભાવિકો જળ ભરેલા કુંભ,કેરી અને વિંઝણા સાથે મંદિરે પહોંચ્યા હતા.જે ભગવાનને અર્પણ કરી ઠંડકનો ભાવ પ્રદાન કરાયો હતો. મંદિરમાં ભગવાનને ઋતુ અનુકૂળ પહેરવેશ, ખાનપાન અને દિનચર્યા કરાવવામાં આવે છે.ગ્રીષ્મ ઋતુમાં ભગવાનને ઠંડકનો ભાવ પ્રદાન કરાવવા ચંદનના વાઘા સાથે કેરીનો રસ અને દૂધભાતનો ભોગ ધરાવાય છે.

ડાકોર અમે અવાર-નવાર આવીએ છીએ. આજે ભીમ અગિયારસ નિમિત્તે અહી ચંદનના વાઘાનો શણગાર કરવામાં આવે છે. આજે મહાભોગ પણ અહીંયા છે.અમને રાજા રણછોડમાં અખૂટ શ્રદ્ધા છે.અમારા પરિવાર સહિત આજે અમે સુરતથી બસ કરીને સપરિવાર અહી રાજા રણછોડજીના આશીર્વાદ લેવા આવ્યા છીએ.અહી આવીને ધન્યતા અનુભવીએ છીએ.રાજા રણછોડની અસીમ કૃપાથી સપરિવાર આજે ધ્વજાજી આરોહણ છે.મહાભોગના પણ દર્શન કરીશુ.ચંદન સેવાના પણ દર્શન કરીશું.- પરેશભાઈ, શ્રદ્ધાળું, સુરત
રાજાધિરાજને વિશેષ ભોગ અને શણગાર
મંદિરના પૂજારી બિરેન પંડ્યાએ જણાવ્યું હતું કે, નિર્જળા એકાદશીનું આધ્યાત્મિક રીતે એવું મહત્વ છે કે, આ એકાદશી ઘણા વર્ષ પૂર્વથી ચાલતી આવી પરંપરા છે, જે અનુસાર એકાદશીનું વ્રત કરવું જ જોઈએ.પરંતુ એ વ્રત જો કોઈ ન કરતા હોય અને આખા વર્ષનું એક જ એકાદશી કર્યાથી ફળ પ્રાપ્ત કરવું હોય તો આ નિર્જળા એકાદશીએ વ્રત કરવું જોઈએ.

તેમાં ખાસ કરીને ભીમ જેવા વ્યક્તિ જે ભૂખ્યા નહતા રહી શકતા શિવજીના આશીર્વાદથી તેઓએ આ એકાદશી કરી હતી માટે એને ભીમ એકાદશી પણ કહેવામાં આવે છે. ડાકોર રણછોડરાયજી મંદિરમાં શ્રીજી મહારાજને વિશેષ ભોગ શણગાર કરવામાં આવે છે તેમજ ભક્તો દ્વારા જળ ભરેલા કુંભનું તેમજ વિશેષ વ્યંજનો આ બધું આપી ભગવાનના દર્શન કરવાનું વિશેષ મહત્વ છે.