ભાવનગર: ભાવનગર શહેર અને જિલ્લામાં આકરી ગરમી પડી રહી હતી. પંખો પણ કામ આપે નહીં તેવી સ્થિતિમાં મોસમે મિજાજ બદલતા વાતાવરણ બદલાઈ ગયું છે. ભાવનગર શહેર અને જિલ્લામાં કેટલાક તાલુકાઓમાં શુક્રવારે કરા સાથે માવઠું થયું હતું. ભરઉનાળે માવઠાની સ્થિતિના કારણે કેરી અને અન્ય પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે.
ભાવનગર શહેરમાં છેલ્લા અઠવાડિયામાં તાપમાનનો પારો ખૂબ ઊંચકાઈ ગયો હતો. 42 ડિગ્રી સુધી પહોંચી ગયેલા તાપમાનના પારાની વચ્ચે શુક્રવારે સાંજે અચાનક મોસમે મિજાજ બદલ્યો હોય તેવા વાતાવરણનું નિર્માણ થયું છે. ભાવનગર શહેરમાં સાંજ થતાની સાથે જ કાળા ડીબાંગ વાદળો ધસી આવ્યા હતા. ગાજવીજ સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. રસ્તાઓ પાણી પાણી થઈ જતા ઉનાળાના બદલે ચોમાસુ હોઈ તેવો એહસાસ લોકોએ કર્યો હતો.

એક અઠવાડિયું ગરમીનો પારો ઊંચો રહ્યો
ભાવનગર શહેરમાં ગયા અઠવાડિયા ગરમીનો પારો 40 પર પહોંચી જતા લોકોને ઘરની બહાર નીકળવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લુ લાગવાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા ગાઈડ લાઈનો પણ જાહેર કરાઈ હતી. જો કે 40 ડિગ્રી ઉપર તાપમાનનો પારો પહોંચી જવાને કારણે લોકોએ બપોરના 12થી 4 દરમ્યાન ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. પરંતુ અચાનક તાજેતરમાં વાતાવરણનો મિજાજ બદલાઈ ગયો શુક્રવારને 11 એપ્રિલના સાંજ થતાની સાથે જ ચોમાસા જેવો માહોલ સર્જાઈ ગયો હતો.

સાંજે ચોમાસાની જેમ માવઠાની એન્ટ્રી
ભાવનગર શહેર અને જિલ્લામાં વાદળો ધસી આવ્યા હતા. કાળા ડીબાંગ વાદળો ગાજવીજ સાથે વરસવાની શરૂઆત કરી હતી. આકરી ગરમી વચ્ચે લોકોએ ચોમાસાના માહોલનો આનંદ ઉઠાવ્યો હોય તેવા દ્રશ્યો ખડા થયા હતા. સાંજે પાંચ વાગ્યા બાદ ગાજવીજ સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. રસ્તા ઉપર પાણી વહેતા થઈ ગયા હતા. જો કે સમગ્ર વાતાવરણને પગલે ઠંડક પ્રસરી ગઇ હતી. માવઠું પણ ધોધમાર વરસવાને કારણે ગરમીનો પારો નીચે ઉતરી ગયો હતો. આમ ભર ઉનાળે ચોમાસું જામ્યું હોય તેવા દ્રશ્યો ઊભા થયા હતા. રસ્તા ઉપર રાહદારીઓ ઉભા રહી ગયા હતા. ધાબાઓના પાઈપમાંથી પાણી વહેતા થયા હતા.

કેરીના પાક ઉપર અસર થવાની સંભાવના
ભાવનગર જિલ્લામાં વાત કરીએ તો આવેલા કમોસમી વરસાદને પગલે કેરીના પાક ઉપર સીધી અસર થઈ છે. જો કે કમોસમી વરસાદને કારણે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના જસપરા માંડવા, સોસીયા અને તેની આસપાસના વિસ્તારમાં થતી કેસર કેરીની ખેતી ઉપર માવઠાની અસર સીધી થવા પામી છે. એક તરફ કેરીના પાકનું ઉત્પાદન ઓછું હોય ત્યારે કમોસમી વરસાદનો માર કેરીની આવકમાં ઘટાડો કરવાની સંભાવનાઓ વ્યક્ત થઇ રહી છે. કમોસમી વરસાદને પગલે અન્ય ઊનાળુ પાક લેતા ખેડૂતોમાં નુકશાનની ભીતિ સેવાઈ રહી છે.



આ પણ વાંચો: