ભાવનગર: ભાવનગર શહેરના કોઈપણ શેરી ગલીમાં જાવ એટલે શ્વાનનો સામનો રાહદારીઓને કરવો પડે છે. આ એવા શ્વાન હોય છે કે જે રખડતા અને શેરી ગલીઓમાં ફરતા હોય છે. આ સાથે હવે શ્વાનને લઈને જે પાલતુ શ્વાન હોય તેને લઈને મહાનગરપાલિકા સફાળી જાગી છે. પાલતુ શ્વાનને લઈને મહાનગરપાલિકા દ્વારા નિયમો બનાવવાની શરૂઆત થઈ ચૂકી છે. જે લોકો ઘરમાં પાલતુ શ્વાન રાખી રહ્યા છે તેને નિયમોનું પાલન કરવાનું રહેશે. હજુ તો કાર્યવાહી અને નિયમો બનાવવાની પ્રક્રિયા થઈ રહી છે. અમલવારી ક્યારે થશે તે જોવું રહ્યું. પરંતુ પાલતુ શ્વાનને લઈને નિયમો કેવા હોઈ શકે છે અને રખડતા શ્વાનને લઈને શું કાર્યવાહી થઈ ચાલો જાણીએ.
પાલતુ શ્વાન માટે કાર્યવાહી શું થઈ?
ભાવનગર શહેરમાં રખડતા શ્વાનની સંખ્યા ખૂબ છે. પરંતુ વાત પહેલા પાલતુ શ્વાનની કરવી છે. ત્યારે મહાનગરપાલિકાના વેટરનરી અધિકારી હિતેશ સવાણીએ જણાવ્યું હતું કે, પાલતુ શ્વાન માટે આપણે જાન્યુઆરીથી નિયમ બનાવવાની શરૂઆત કરી દીધેલી છે. આપણે મંજૂરીમાં મૂકવાના છીએ અને મંજૂરી આવી જાય ત્યારબાદ આપણે કાર્યવાહી હાથ ધરવાના છીએ.
શું હશે પાલતુ શ્વાન માટેના નવા નિયમો?
પાલતુ શ્વાનને લઈને વેટરનેરી અધિકારી હિતેશ સવાણીએ જણાવ્યું હતું કે, ઘરમાં શ્વાન રાખવા હોય જેમાં આપણે નિયમ બનાવવાના છીએ. તેમાં તેને રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું રહેશે. ઘરમાં પાલતુ શ્વાન રાખીએ ત્યારે તકેદારી રાખવાની રહેશે. બહાર નીકળીએ ત્યારે નિયમોનું પાલન કરવાનું રહેશે. જેમાં બીજા પશુને નુકસાન કરે નહીં અને બહાર નીકળે ત્યારે પાલતુ શ્વાનના મોઢા ઉપર માસ્ક બાંધવામાં આવે. આમ નિયમો બનાવવામાં આવશે ત્યારે ગાઈડલાઈન જાહેર થશે.
રખડતા શ્વાનની સ્થિતિ શું?
ભાવનગર શહેરમાં રખડતા શ્વાનને લઈને વેટરનરી અધિકારી હિતેશ સવાણીએ જણાવ્યું હતું કે, શહેર ગલીમાં રખડતા શ્વાન માટે આપણે રસીકરણનું કામ ચાલી રહ્યું છે. જેમાં ફેબ્રુઆરીથી નવા ટેન્ડરથી કામ ચાલુ થયું છે. તેમાં ત્રણ મહિનામાં 2100 શ્વાનનું ખસીકરણ થયું છે. આ સાથે માસ ખસીકરણ સ્થળ ઉપર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આપણે સ્થળ ઉપર હડકવાની રસી મૂકીએ છીએ. તેમાં ત્રણ મહિનામાં 1800 શ્વાનને રસી મુકાય ગઈ છે. આમ શહેરમાં અંદાજિત જોઈએ તો 45 થી 47 હજાર શ્વાન છે. જેમાં ચાર વર્ષમાં 21,000 શ્વાનનું ખસીકરણ કરી નાખેલું છે.
આ પણ વાંચો: