ભાવનગર: જિલ્લામાં ચેકડેમ અને તળાવોને ઊંડા ઉતારવાનું મહત્વનું કામ સિંચાઈ વિભાગ કરતું હોય છે. ત્યારે ગત વર્ષે કેટલા તળાવ ઊંડા ઉતર્યા ? કેટલા રીપેરીંગ થયા ? આ વર્ષે કામગીરી ક્યાં પહોંચી છે ? આ સાથે જિલ્લાના મહુવાના તરેડી વાલાવાવ વચ્ચેના તળાવની શું સ્થિતિ છે ચાલો જાણીએ.
ભાવનગર જિલ્લામાં ચોમાસા પહેલા તળાવો અને ચેકડેમ ઊંડા ઉતારવા અને રીપેરીંગ કરવા સરકારના વિભાગો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. સ્થાનિકો દ્વારા જિલ્લાના એક તળાવની રીપેરીંગ માટે માંગ થઈ રહી છે, પરંતુ કોઈ સરકારી વિભાગ આ માંગ સામે કાર્યવાહી કરી રહ્યું નથી. ઉપરાંત વાલાવાવ તળાવને લઈને ખેડૂત સંગઠનની માંગ પણ છે.
જિલ્લામાં ચેકડેમ તળાવ ઊંડા ઉતારવા કવાયત: હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે અને ચેકડેમ તળાવ ઊંડા ઉતારવાના હોય છે. પરંતુ આ સમયે જે રીતે મૌસમે કરવટ બદલી છે અને ચોમાસાનો માહોલ ઉભો કર્યો છે તેવી પરિસ્થિતિમાં ચેકડેમ અને તળાવો ઊંડા ઉતારવાને લઈને શું કામગીરી થઈ તે જાણવાનો પ્રયાસ કરાયો હતો.
ભાવનગર જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના ઈન્ચાર્જ મેહુલભાઈ પરમારે જણાવ્યું હતું કે, સુજલામ સુફલામ યોજના જે સરકાર દ્વારા 2018 થી આપવામાં આવી છે આ યોજનામાં ચેકડેમ, તળાવ ઊંડા ઉતારવામાં આવે છે. જેથી ખેડૂતોને ફ્રી રોયલ્ટીમાં પાણી પણ આપવામાં આવે છે. 2024 માં સુજલામ સુફલામ યોજના અંતર્ગત 100 તળાવો અને ચેકડેમ ઊંડા ઉતારવામાં આવેલા હતા ત્યારે 101 તળાવ અને ચેકડેમ રીપેરીંગ કરવામાં આવ્યા હતા. આમ 201 જેટલા કામમાંથી 181 કામ પૂર્ણ કરેલા હતા.

આ વર્ષમાં કામગીરી અને વાલાવાવ તળાવ મુદ્દો: જિલ્લા પંચાયતના સિંચાઈ અધિકારી મેહુલભાઈ પરમારે જણાવ્યું હતું કે, આ વર્ષે 234 જેટલા તળાવ અને ચેકડેમ ઊંડા ઉતારવામાં આવશે જે લોક ભાગીદારીથી 60/40 રેશિયોમાં કામ આપવામાં આવનાર છે. જ્યારે રીપેરીંગને લઈને સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી પૂર્ણ થતા જ અંદાજે 80 થી 100 જેટલા રીપેરીંગના કામો પણ હાથ ધરવામાં આવશે. વાલાવાવ તળાવને લઈને અમારા મહુવાના ડેપ્યુટી કાર્યપાલક ઇજનેરે સર્વે કર્યો અને આ તળાવનું નિર્માણ વોટર શેડ એટલે DRD દ્વારા કરાયેલું હોવાનું જાણવા મળ્યું છે. જેનું રોજ કામ પણ કરીને રિપોર્ટ મોકલી આપવામાં આવ્યો છે. ખેડૂતોની માંગણી વ્યાજબી છે પણ તેની કામગીરી વોટર શેડને કરવાની રહે છે.

ખેડૂત કલ્યાણ સંગઠનની માંગ પણ કોઈ ધણી નહી: તરેડીથી વાલાવાવ વચ્ચે આવેલા તળાવને લઈને ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રમુખ ભરતસિંહ વાળાએ જણાવ્યું હતું કે 2005-2006માં આ તળાવ સરકારના જમીન વિકાસ નિગમ દ્વારા બનાવેલું હતું. તળાવના કારણે તરેડી, વાલાવાવ, માળવાવ, સથરા જેવા ગામોના તળ ઉંચા આવ્યા હતા. ત્યારબાદ આ તળાવ 2018માં જર્જરિત થતા રજૂઆત કરાઈ હતી. ફરી 2021 માં જર્જરિત થતા રજૂઆત કરાય અને નવો પાળો બનાવવામાં આવ્યો અને ઊંડો ઉતારવામાં આવ્યો. પરંતુ 2023 માં ફરી પાળો તૂટી ગયા અને તંત્રને રજૂઆત કરી ત્યારે મનરેગા હેઠળ થોડું કામ કર્યું હતું. પરંતુ 2024 માં પાળો ફરી તૂટી ગયા ત્યારથી લઈને આજ દિન સુધી રજૂઆત કરીએ છીએ. સરકારની ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો 20 થી 25 લાખ રૂપિયાના ખર્ચની વાત થઈ પરંતુ કામગીરી થતી નથી.
ડીઆરડી અધિકારી અનુપસિંહ સાથે સોશિયલ મીડિયા મારફત વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, આ તળાવ અમારામાં આવતું નથી, તેમણે આ પ્રકારનો જવાબ આપ્યો હતો કે આ તળાવનો હાલ કોઈ ધણી નથી.
આ પણ વાંચો: