ભાવનગર: બુટલેગરો દ્વારા અથાગ પરિશ્રમ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં કરવામાં આવી રહી છે. પોલીસ વારંવાર દારૂ ઝડપી રહી છે ત્યારે ફરી ભાવનગર LCB પોલીસે નંબર પ્લેટ વગરની કારમાંથી દારૂ ઝડપી લીધો છે. .
મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, ભાવનગરની LCB પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે મળેલી બાતમીને પગલે અમદાવાદ તરફથી ભાવનગર શહેરમાં કાર મારફત દારૂ ઘુસાડવાના કારસા ઉપર પોલીસે પાણી ફેરવી દીધું છે. ભાવનગર LCB પોલીસે વોચમાં રહીને એક શખ્સ અને કારને દારૂ સાથે ઝડપી લીધા હતા.
ક્યાંથી ઝડપાયો દારૂ LCB પોલીસને: LCB પોલીસને પેટ્રોલિંગ દરમિયાન તેમને બાતમી મળી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, અમદાવાદ તરફથી હાઇવે દ્વારા દસનાળાથી કુંભારવાડામાં થઈને ભાવનગરમાં એક વેરેના કાર પ્રવેશ કરવાની છે. આ બાતમીને પગલે દસનાળા અક્ષર પાર્ક ચોકડીથી આગળ અનાજના ગોડાઉન પાસે LCB પોલીસ વોચમાં ગોઠવાઈ ગઈ હતી. LCB પોલીસે મળેલી બાતમી પ્રમાણે આવતી કારને ઉભી રાખીને તપાસ કરતા તેમાંથી એક શખ્સ અને દારૂ મોટી સંખ્યામાં ઝડપાઈ ગયો હતો.

દારૂ અને મુદ્દામાલ કેટલો ઝડપાયો: LCB પોલીસે અનાજના ગોડાઉન પાસે વોચમાં રહીને એક વેરેના કાર ઉભી રાખી હતી. કારની તલાશી લેતા તેમાંથી 660 જેટલી દારૂની બોટલ જેની કિંમત 1,57,080 તેમજ 120 બીયર ટીન મળી આવ્યા હતા. પોલીસે કાર ચાલક સાબીર હબીબ હોથી નામના 24 વર્ષીય શખ્સને ઝડપીને દારૂ અને કાર સાથે મળીને કુલ 5,67,080 નો મુદ્દામાલ કબજે લીધો હતો. ત્યારબાદ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધીને આગળની કાર્યવાહી સોંપી હતી.

વધુ એક શખ્સ ગુનામાં સામેલ: LCB પોલીસે કાર ચાલક સાબીર હબીબ હોથીને ઝડપી લીધા બાદ વધુ પૂછતાછ કરતા દારૂની લેતી દેતી અને હેરાફેરીમાં વધુ એક શખ્સ હોવાનું નામ ખુલ્યું હતું. આથી LCB પોલીસે સાબીર હબીબ હોથી અને ઝડપવાનો બાકી રહેલો ઇમરાન ઉર્ફે બોબડો હારૂન કાલવા બંને વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો દાખલ કર્યો છે.
આ પણ વાંચો: