ભાવનગર: ભાવનગરમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં દીકરી સાથે વાત કરતા છોકરા પર પિતાએ છરી વડે હુમલો કરીને તેને લોહીલુહાણ કરી નાખ્યો હતો. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટના બાદ આજના સમયમાં પોતાના બાળકોને લઈને સજાગ રહેવું અને શાંત પણે નિર્ણય લેવા તેમજ શાંત વર્તન જાળવવું માતા પિતા માટે જરૂરી બની ગયું હોય તેવું લાગે છે. ભાવનગરની એક શાળામાં બનેલા બનાવે સમગ્ર શાળાઓને ટંટોળી છે અને વાલીઓને સાવચેત કર્યા છે. પોલીસે બનાવ બાદ શુ સંદેશ આપ્યો, જાણો.
ભાવનગર શહેરના છેવાડે સીદસર રોડ ઉપર આવેલી એ જ સંસ્થામાં 10 તારીખે દીકરીના પિતા એટલી હદે ઉશ્કેરાઈ ગયા કે સાથે છરી લાવીને વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરી તેને ઇજાગ્રસ્ત કરી દીધો હતો. જો કે આ હુમલો છરી વડે પીઠ અને પગના ભાગમાં જ કરાયો હતો. આ મામલે પોલીસે વાલીઓને સંદેશો પણ આપ્યો છે.
દીકરી સાથે વાતચીત કરતા વિદ્યાર્થી પર હુમલો: Dysp આર.આર. સિંઘાલે જણાવ્યું હતું કે, વરતેજ પોલીસ સ્ટેશનના સીદસર રોડ ઉપર આ સંસ્થા આવેલી છે. જેમાં 10 ફેબ્રુઆરી, બપોરના સમયે આ બનાવ બન્યો હતો. જેમાં આરોપી જગદીશભાઈએ ફરિયાદીના પુત્રને સાંથળે તથા પીઠના ભાગે છરીના ઘા મારીને ઇજાગ્રસ્ત કર્યો હતો.

વાસ્તવમાં ઘટના એવી બની હતી કે, ફરિયાદી અને આરોપીના દીકરા દીકરી સંસ્થામાં સાથે ભણે છે. જેમાં ફરિયાદીનો દીકરો આરોપીની દિકરી સાથે અવારનવાર વાતચીત કરતો હતો. આ બાબતે આરોપીએ દીકરાને વાત નહીં કરવાનું જણાવ્યું હતું, છતાં પણ બંને વચ્ચે વાતચીત ચાલુ રહેતા આરોપીએ ઉશ્કેરાઇ જઈ ફરિયાદીના દીકરાના સાથળ તથા પીઠના ભાગ પર છરી વડે ઈજા કરી હતી. હાલમાં ભોગ બનનાર દીકરો સારવાર હેઠળ છે. પોલીસે બે ટીમ બનાવીને આરોપીની અટક કરી છે.

પોલીસે આપ્યો વાલીઓ જોગ સંદેશ: Dysp એ વધુમાં જણાવ્યું હતું કે, 'આપના માધ્યમથી હું તમામ વાલીઓને સંદેશો આપવા માગું છું કે, દીકરા દીકરીના સ્કૂલ કે બહારના જે કોઈ પ્રશ્નો હોય તે પોલીસની જુદી જુદી સંસ્થા છે તેમાં વિશ્વાસ રાખી તેની પાસે આવી અને મુક્ત મને આ બાબતે ચર્ચા કરો. પોલીસ તમારી મદદે છે અને રહેશે. આપના પુત્ર અને પુત્ર નું સારું ભવિષ્ય થાય, સારી કારકિર્દી થાય એના માટે પોલીસ કટીબદ્ધ છે. પોલીસ પર વિશ્વાસ રાખી તેમનું માર્ગદર્શન લો. પોલીસ આ પ્રકારના કેસને ખૂબ જ સંવેદનશીલતાથી લે છે આથી પોલીસને એપ્રોચ કરવાની મારી અપીલ છે.'

પિતા કેમ ઉશ્કેરાઈ ગયો હુમલો કરવા: Dysp આર.આર. સિંઘાલે વધુમાં જણાવ્યું હતું કે, આજે આરોપી જગદીશભાઈની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું કે, 'મારી દીકરી આ સંસ્થામાં અભ્યાસ કરે છે અને ત્યાંનાં આ છોકરા સાથે અવારનવાર તેની વાતચીત થતી હોય છે. જોકે આ બાબતે તેને સમજાવવામાં આવ્યું હોવા છતાં બંને એ વાતચીત ચાલુ રાખી હતી. આ વાતનું મનદુ:ખ રાખી અને ઉશ્કેરાટમાં તેણે હુમલો કર્યો હતો. જોકે આરોપી ઝડપાઈ ગયા બાદ, 12 તારીખના રોજ DSP ડૉ. હર્ષદ પટેલે વરતેજ પોલીસ અને SOG ની ટીમ સાથે રી કન્સ્ટ્રક્શન બનાવ સ્થળ ઉપર કર્યું હતું.
આ પણ વાંચો: