ભાવનગર: જિલ્લાના મહુવા યાર્ડમાં ગઈકાલે ખેડૂતોએ મોડી સાંજ સુધી વિરોધ નોંધાવ્યો હતો અને ત્યારબાદ વેપારી સાથે બેઠક પછી સમાધાન થયું હતું. ખેડૂત કલ્યાણ સંગઠનને મેદાનમાં ઉતારી ખેડૂતોને સાથે રાખી ભાવને પગલે આંદોલન છેડ્યું હતું. જોકે યાર્ડમાં નવી આવક બંધ કરાઈ છે પણ ક્યાં સુધી તે પણ જાહેર થયું નથી. જાણો
ગુજરાતમાં સફેદ ડુંગળીનું વાવેતર સૌથી વધુ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં થાય છે. હાલમાં સફેદ ડુંગળીની આવક વચ્ચે ભાવ ગગડી જવાને કારણે ખેડૂતોએ દેકારો મચાવ્યો હતો. ખેડૂત કલ્યાણ સંગઠનને પણ ભાવ ગગડવાને પગલે યાર્ડના રાજકારણ સામે ઇશારો કર્યો હતો. શું ઘટના બની અને કયા નિર્ણય લેવાયા નિર્ણયો, ચાલો જાણીએ.
યાર્ડમાં ભાવ ગગડી જતા વિરોધ: ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીની હાલમાં આવક શરૂ છે. ત્યારે ડુંગળીના ભાવ 250 થી 450 વચ્ચે હોય જે ગગડીને 100 થી 89 નીચે અને 200 થી નીચે 179 આવી જતા ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. માર્કેટિંગ યાર્ડના વેપારી અને યાર્ડના તંત્રનું મેળાપીપણું પણ હોવાનો આક્ષેપ ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા લગાવવામાં આવ્યા હતા. જેમાં ખેડૂતો એક થયા હતા અને વિરોધ નોંધાયો હતો.

હરાજી બંધ, વાહનો રોક્યા, રસ્તા રોક્યા બાદ નિરાકરણ: ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રમુખ ભરતસિંહ વાળાએ જણાવ્યું હતું કે, દર બે દિવસે ભાવ ગગડી જતા આંદોલન કરવું પડતું હતું. ત્યારે અંતે અમે ભાવનગર,અમરેલી ગીર સોમનાથના ખેડૂતોના આગેવાનોને સાથે રાખીને યાર્ડમાં હરાજી બંધ કરાવી હતી અને ડુંગળી લઈને આવતા વાહનોને રોક્યા હતા અને રસ્તો રોક્યો હતો. જો કે એક ખેડૂત ઉપર પોલીસે લાઠી ચાર્જ કર્યો હોવાનો અમે વખોડીયે છીએ. જો કે બાદમાં સાંજના સમયે બીજી મીટીંગ ડિહાઇડ્રેશન પ્લાન્ટના વેપારીઓ સાથે થતા તેમને બાંહેધરી આપી હતી કે, 175 રૂપિયાથી વધુ ભાવે ડુંગળીની ખરીદી કરશે ત્યારબાદ આંદોલનનું સમાધાન આવ્યું છે.

યાર્ડમાં નવી આવક પર બીજા આદેશ સુધી નહીં લેવા આદેશ: ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગભરૂભાઈ ટેલીફોનિક રીતે જણાવ્યું હતું કે, ગઈકાલે સમગ્ર ઘટના બની તેમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. જો કે અંતમાં વેપારીઓ સાથે બેઠક થઈ અને સુખદ સમાધાન થયું હતું. જો કે ખેડૂતોએ વાહનો રોક્યા હોવાથી પોલીસે રસ્તો ખુલ્લો કર્યો હતો. કોઈ લાઠીચાર્જ કે તેવું થયું નથી. યાર્ડમાં હાલ ડુંગળીનો ભરાવો થઈ ગયો છે. 7 થી 8 લાખ થેલા ડુંગળીના યાર્ડમાં ખડકાયેલા છે જેને પગલે બીજા આદેશ ન થાય ત્યાં સુધી ડુંગળી નહીં લાવવા માટે ખેડૂતોને જાણ કરાઈ છે.

આ પણ વાંચો: