ભાવનગર: મહાનગરપાલિકાએ ગઢેચી નદી પર ધોબીઘાટથી લઈને સ્થાપનાથ મહાદેવ સુધીના ગેરકાયદેસર દબાણો ઉપર અંતે બુલડોઝર ફેરવ્યું છે. આમ, મહાનગરપાલિકાએ ગઢેચી નદીના પ્રારંભથી કુંભારવાડા અંત સુધીમાં સંપૂર્ણ દબાણ હટાવ્યા છે.
તમને જણાવી દઈએ કે, ભાવનગર શહેરના પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં આવેલા બોર તળાવમાંથી નીકળતી ગઢેચી નદી ઉપર મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન એક વખત હાથ ધરાઈ ચૂક્યું છે. ગઢેચી નદી કાંઠેથી મોટી સંખ્યામાં ગેરકાયદેસર દબાણો દૂર કર્યા બાદ થોડા રહી ગયેલા દબાણોને પગલે મહાનગરપાલિકાએ ફરી કાર્યવાહી કરીને ગેરકાયદેસર દબાણો હટાવ્યા છે.
મહાનગરપાલિકાની અગાઉની કાર્યવાહી:
ભાવનગર મહાનગરપાલિકાએ ગઢેચી નદી કાંઠે થયેલા આશરે 800 જેટલા ગેરકાયદેસર દબાણોને પગલે અગાઉ નોટિસ આપ્યા બાદ બુલડોઝર ફેરવવાની શરૂઆત કરી હતી. મહાનગરપાલિકાએ RTO સર્કલ પાસેથી ગઢેચી નદીના કાંઠેથી લઈને કુંભારવાડા સુધીમાં આવતા મોટાભાગના દબાણોને બુલડોઝર મારફત હટાવીને જગ્યાને ખુલ્લી કરી હતી.

તમને જણાવી દઈએ કે, મહાનગરપાલિકાનો એક્શન પ્લાન અહીં આગામી દિવસોમાં ગઢેચી રિવર ફ્રન્ટ બનાવવાનો છે જેને પગલે આ કાર્યવાહી પ્રાથમિક રીતે કરવામાં આવી હતી. જો કે ત્યારબાદ થોડી કાર્યવાહી બાકી રહી જતાં દબાણ હેઠળ રહેલો એ હિસ્સો પણ મહાનગરપાલિકાએ હટાવવાની શરૂઆત કરી છે.

સ્થાપનાથ મહાદેવથી ધોબીઘાટ દબાણ હટાવ્યા:
મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ, યોજના વિભાગ અને ટાઉન ડેવલોપમેન્ટ વિભાગ દ્વારા સાથે રહીને ભાવનગરના બોર તળાવ વિસ્તારમાં ધોબીઘાટથી લઈને સ્થાપનાથ મહાદેવ સુધીના ગઢેચી નદી કાંઠે થયેલા ગેરકાયદેસર રહેણાંક મકાનો અને ધાર્મિક મકાન ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાએ પોલીસને સાથે રાખીને ગેરકાયદેસર દબાણો હટાવ્યા હતા. ધોબીઘાટથી સ્થાપનાથ મહાદેવનો બાકી રહી જતા હિસ્સાને પણ હવે મહાનગરપાલિકાએ હટાવીને સંપૂર્ણ ગઢેચી નદી કાંઠેથી ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ કરી છે.

કેટલા દબાણ અને જમીન કેટલી થઇ ખુલ્લી: ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે 21 મે, 2025 ના રોજ ધોબીઘાટની સ્થાપના મહાદેવ વચ્ચે થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. 15 દિવસની મુદત બાદ ગેરકાયદેસર દબાણ હટાવવામાં નહીં આવતા મહાનગરપાલિકાએ એસ્ટેટ વિભાગ, યોજના વિભાગ સાથે બુલડોઝર અને પોલીસ કાફલાને લઈને ગેરકાયદેસર 62 જેટલા મકાનો અને એક ધાર્મિક દબાણ હટાવ્યા છે. 8900 ચોરસ મીટરની આશરે 13 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી છે.

આ પણ વાંચો: