ભાવનગર: શિહોર પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુન્હામાં ચાર વર્ષથી નાસ્તા ફરતા શખ્સને ભાવનગરની એલસીબી પોલીસે ઝડપી લીધો છે. ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021માં એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી.
શિહોર પોલીસ સ્ટેશનમાં અમુલ ઘીના ભરેલા ડબ્બાઓને લઈને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદ રાજસ્થાનના રહેવાસી શખ્સ સામે નોંધાવાઈ હતી ત્યારે છેલ્લા ચાર વર્ષથી શખ્સ નાસ્તો ફરતો હોય જેને ઝડપી લેવા માટે એલસીબી પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.
લાખોની છેતરપિંડી
શિહોર પોલીસ સ્ટેશનમાં અમૂલ ઘીના ભરેલા ડબ્બાઓને લઈને 88,85,123ની કિંમતની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ભાવનગર એલસીબી પોલીસે 2021 થી નાસ્તા ફરતા મૂળ રાજસ્થાનના રહેવાસી શખ્સને રાજસ્થાન જઈને ઝડપી લીધો છે. આ શખ્સને તેના મૂળ રહેણાંકી વતનમાં જઈને ઝડપીને શિહોર પોલીસને સોંપવામાં આવ્યો છે.
રાજસ્થાનના ચિત્તોડગઢથી ધરપકડ
ભાવનગરની LCB પોલીસે ઉચ્ચ અધિકારીઓના સૂચના મુજબ નાસ્તા ફરતા આ આરોપીઓને ઝડપી લેવા માટે કાર્યવાહી કરી રહી, અને તેના ભાગરૂપે LCB પોલીસ શિહોર પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા 33 વર્ષીય શખ્સ જીતુ ઉર્ફે જીતેન્દ્ર ભેરૂલાલ ખટીકને રાજસ્થાનના ચિત્તોડગઢ હોવાની બાતમીના પગલે ચિત્તોડગઢ પોલીસની ટીમને સાથે રાખીને ભીલવાડા બાયપાસ રોડ ઉપરથી ઝડપી લેવામાં આવ્યો હતો. આ શખ્સ મૂળ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ભાવલી તાલુકાના ફતેહનગરમાં સંજય કોલોનીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે.