ભાવનગર: ભાવનગર શહેરમાં મહાનગરપાલિકામાં છેલ્લા ત્રણ દાયકાથી ભાજપ સત્તામાં બેઠી છે. ત્યારે શહેરમાં આવેલા ગાર્ડન અને રસ્તા વચ્ચેના ડિવાઈડરોમાં વૃક્ષોને ઉછેરવા માટે દત્તક આપવાની પ્રથા ઘણા સમયથી ચાલી રહી છે. કોંગ્રેસ દ્વારા શાસકો સામે પ્રહાર કરવામાં આવ્યા છે તો મહાનગરપાલિકાના શાસકોએ સામા પ્રશ્ન કરીને કોંગ્રેસને સાણસામાં લેવાની કોશિશ કરી છે. જો કે શહેરના કેટલા ડિવાઇડર અને ગાર્ડનો દત્તક અપાયા છે તે જાણીએ.
ગાર્ડન-ડિવાઈડર દત્તક મામલે કોંગ્રેસનો પ્રહાર
ભાવનગર શહેરમાં ગાર્ડન અને ડિવાઇડર સંસ્થાઓને દત્તક આપવાને પગલે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા જીતેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, ગાર્ડન છે ડિવાઇડર છે આ દત્તક આપવાની પરંપરા છે જે ગેરવ્યાજબી છે. શાસકો જે પોતાની ફરજ નિભાવવાની હોય તે નિભાવી શકતા નથી, તેવી પરિસ્થિતિ નથી લાગતી એટલે આ પ્રકાર દત્તક આપવાનું આયોજન કરે છે. લોકોએ શાસકોને ધુરા સંભાળવા આપી હોય અને તે સંભાળી ન શકતા હોય તો આ લોકો સત્તાને લાયક રહ્યા નથી.

ભાજપે સામા પ્રશ્નો કરીને પ્રહાર કર્યો
ડિવાઈડર અને ગાર્ડન દત્તક આપવાને મામલે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયાએ જણાવ્યું હતું કે, હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે શું ભાવનગરમાં સારું થાય તો કોંગ્રેસને નથી ગમતું? ભાવનગરમાં કોઈ સ્વૈચ્છિક દત્તક લેવા માંગે તો કોંગ્રેસને નથી ગમતું? ભાવનગરના બ્યુટીફિકેશનમાં વધારો થાય તે શું કોંગ્રેસને નથી ગમતું? કોંગ્રેસનો જનમાનસમાંથી સફાયો થઈ ગયો છે. નથી આવડતું એટલે જ સત્તામાં નથી આવતી. છેલ્લા ત્રણ દાયકાથી ભાજપ સત્તામાં છે. અમારી પાસે સામેથી સ્વૈચ્છિક પર્યાવરણ પ્રેમીઓ દત્તક માંગવા આવે છે, એ લોકો પ્રકૃતિનું જતન કરે છે. લોકો સામે ચાલીને લેવા આવતા હોય તો કોંગ્રેસને નથી ગમતું? ભાવનગરની આનબાન શાન વધી રહી છે તે કોંગ્રેસના પેટમાં તેલ રેડી રહી છે.

ગાર્ડન વિભાગ હેઠળના કેટલા ડિવાઈડર-ગાર્ડન દત્તક અપાયા?
ભાવનગર મહાનગરપાલિકા હસ્તકના કેટલા ગાર્ડન અને ડિવાઈડરો છે અને તેમાં કેટલા દત્તક આપેલા છે તે અંગે ગાર્ડન વિભાગના સુપ્રિટેન્ડન્ટ પી.જી દેવમુરારીએ જણાવ્યું હતું કે, ભાવનગર મહાનગરપાલિકાના વિકાસ પ્રત્યે જ્યારે રોડ બનાવવામાં આવે ત્યારે રોડ બનાવવાની વચ્ચે ડિવાઈડર બનાવવામાં આવે છે. ભાવનગર શહેરમાં મુખ્ય રસ્તાના 58 ડિવાઇડર ગાર્ડન વિભાગ હસ્તક છે જેમાં 24 જેટલા ડિવાઈડરોને દત્તક આપેલા છે. જ્યાં તેઓ જાતે વૃક્ષારોપણ કરીને મહેંદી, ચંપો,એકજોરા જેવા વૃક્ષો વાવીને તેનું જતન કરે છે. એવી જ રીતે શહેરમાં 60 જેટલા નાના મોટા સર્કલોમાં ગાર્ડન આવેલા છે તેમાંથી 16 જેટલા ગાર્ડનો સ્વૈચ્છિક સંસ્થાઓને દત્તક આપવામાં આવેલા છે.
આ પણ વાંચો: