નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય એવી આમલીના દોષ અને ગુણ પણ જાણો
ભાવનગરના આયુર્વેદિક કોલેજના તત્વ વિભાગના અધ્યાપકે આમલી દોષ અને ગુણને લઈને ખૂબ ઓછા લોકોએ જાણેલી માહિતી જણાવી છે.

Published : September 19, 2025 at 11:02 AM IST
ભાવનગર: ગુજરાતીઓના રસોડાઓમાં આમલી જોવા મળે છે, અને રસોઈ ઘરની મુખ્ય ખાદ્ય ચીજ પણ કહેવામાં આવે છે. જો કે આમલીના ગુણ વિશે ખૂબ ઓછા લોકો જાણતા હોય છે. આમલીને કેટલી કેટલી માત્રામાં આરોગવી જોઈએ અને વધુ આરોગવાથી શું થાય તેના વિશે જણાવી રહ્યાં છે, ભાવનગરના આયુર્વેદિક કોલેજના તત્વ વિભાગના અધ્યાપક.
ભાવનગર આયુર્વેદિક કોલેજના તત્વ વિભાગના પ્રાધ્યાપક ડો રમેશચંદ્ર પાંડેએ, જણાવ્યા અનુસાર આંબલીનું વૃક્ષ એ ભારતીય મૂળ વૃક્ષ છે, તે દેશના દરેક રાજ્યમાં થાય છે. તેમાં ઝીણી પાંદડીઓ તેની ડાળખીઓમાં હોય છે અને આખું વર્ષ તે લીલી જ રહે છે. તેમાં જુલાઈ અને ઓગસ્ટમાં રેડીઝ પીળા કલરના ફૂલ આવે છે, અને ત્યારબાદ તેમાં તેના ફળ બેસવાની શરૂઆત થાય છે. આ ફળ 7.20 સેન્ટીમીટર લાંબા અને 2.5 સેન્ટીમીટર પહોળા હોય છે, અને તેની જાડાઈ 1 સેન્ટીમીટર જેટલી પણ હોય છે. એક ફળની અંદર 3 થી 12 સુધીના બીજ જોવા મળે છે.
આંબલીના ગુણ અને દોષ
પ્રાધ્યાપક રમેશચંદ્ર પાંડેએ જણાવ્યું હતું કે આંબલી કાચી હોય ત્યારે ખૂબ ખાટી હોય છે, અને જ્યારે પાકે ત્યારે મીઠી અને ખાટી હોય છે. ખાસ કરીને તેનો ઉપયોગ અથાણા બનાવવામાં સૌથી વધારે થતો હોય છે. શરદ ઋતુ અત્યારના સમયમાં જ્યારે વાયરલ તાવ આવે છે, ત્યારે ગરમ પાણીમાં આંબલીને ઉકાળીને ગોળ નાખીને તેનું પાણી પીવડાવવાથી તાવ મટી શકે છે. જ્યારે તેનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો લોહી બગાડી શકે છે, કફ કરે છે અને શરીરમાં એસિડ વધારી દે છે. આથી તેનો ઉપયોગ પણ યોગ્ય માત્રામાં જ થવો જોઈએ.

આંબલીમાં ક્યા ક્યા તત્વો ?
પ્રાધ્યાપક રમેશચંદ્ર પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે, આંબલીના તત્વો વિશે જોઈએ તો તેની અંદર સીટ્રિક એસિડ, ટરટરીક એસિડ, પોટેશિયમ બીટારટ્રેટ જેવા તત્વ આવેલા છે. ઉષ્ણ એટલે કે ગરમ હોય છે, માટે તેનો ઉપયોગ જરૂરિયાત પૂરતો હંમેશા કરવો જોઈએ. ખાસ કરીને ગુજરાતમાં રસોડામાં રસોઈ બનાવતી ગૃહિણીઓ દાળ, શાકમાં આંબલીનો ઉપયોગ કરતી હોય છે. જો કે અથાણા બનાવવા માટે તેનો ઉપયોગ થતો જ હોય છે. પરંતુ રસોઈ ઘરમાં ઘણી મહિલાઓ લીંબુના બદલે આંબલીનો ઉપયોગ કરતી હોય છે તેનો સ્વાદ હંમેશા સૌને પસંદ રહ્યો છે.

ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી લેખક-પ્રોફેસરના વ્યક્તિગત હોય શકે, ઈટીવી ભારત તેમના દાવાઓનું પુષ્ટી નથી કરતું, જેથી અનુસરણ કરતા પહેલાં તબીબો કે નિષ્ણાંતોની સલાહ લેવી આવશ્યક છે.

