ભાવનગર: ઉનાળો પૂર્ણ થવા આવ્યો છે કેરળમાં આગામી દિવસોમાં ચોમાસું દસ્તક આપી રહ્યું છે. ત્યારે ભાવનગરવાસીઓ માટે જીવાદોરી સમાન શહેર અને જિલ્લામાં આવેલા ડેમોની સ્થિતિ શું છે? ભાવનગરવાસીઓને પીવાનું રોજનું પાણી 190 MLD જોઈએ છે. ત્યારે મહાનગરપાલિકા 50 ટકા પાણી માટે નિર્ભર મહિપરીએજ ઉપર રહે છે. જો આ સ્થિતિમાં ચોમાસાને ગુજરાત પહોંચતા મોડું થાય તો શું ભાવનગરવાસીઓને પાણી મેળવવામાં કોઈ સમસ્યા આવી શકે ખરી? સહિતના સવાલો પર ETV Bharat દ્વારા તપાસ કરવામાં આવી હતી.
ડેમોમાં પાણીનો જથ્થો કેટલો
ભાવનગર જિલ્લામાં આવેલા સિંચાઈના ડેમો અને પીવાના પાણીના સ્ત્રોત ડેમ હોય ત્યારે સિંચાઈ વિભાગના અધિકારી એ.એમ બાલધિયાએ જણાવ્યું હતું કે, સિંચાઈ વિભાગ હેઠળ 7 ડેમ આવેલા છે. આ ડેમ હેઠળ શેત્રુંજી ડેમ પણ આવેલો છે. શેત્રુંજી ડેમ હાલ 36 ટકા ભરેલો છે. શેત્રુંજી ડેમમાંથી ભાવનગર ગારીયાધાર અને પાલીતાણા જૂથ યોજના અંતર્ગત પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. તેમાં રિઝર્વ પૂરતો જથ્થો છે એટલે ઓગસ્ટના અંત સુધી કોઈ ચિંતા જેવો વિષય નથી.

શહેરમાં પાણી કેટલું અપાય છે અને વ્યવસ્થા
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સાત લાખથી વધુની વસ્તી હોય ત્યારે વોટર વર્ક્સ વિભાગ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. વિભાગના અધિકારી ફાલ્ગુન શાહે જણાવ્યું હતું કે, ભાવનગર શહેરમાં વોટર વિભાગ દ્વારા પૂરતું પાણી આપવામાં આવે છે. હાલમાં ઉનાળામાં પાંચથી સાત ટકા પાણીની માંગ વધી છે. બોરતળાવની સપાટી 20.6 ઇંચ જેટલી છે. જે બે માસ સુધી લઈ શકાય તેટલું પાણી છે. જ્યારે શેત્રુંજી ડેમમાંથી 80 થી 84 એમએલડી મહી પરીએજમાંથી 80 એમએલડી અને બોરતળાવમાંથી 17 થી 18 એમએલડી પાણી લેવામાં આવે છે. ટેકનિકલ કામગીરી બાદ વધુ પાંચ થી આઠ એમએલડી પાણી લઈ શકાશે. આમ કુલ 190 એમએલડી પાણી રોજની જરૂરિયાત છે.

સિંચાઈ માટે અને શેત્રુંજીમાંથી કોને કેટલું પાણી
ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ હોય ત્યારે સિંચાઈ વિભાગના અધિકારી એ.એમ બાલધીયાએ જણાવ્યું હતું કે, સિંચાઈ વિભાગ અંતર્ગત કુલ સાત જેટલા ડેમો છે. તેમાં સિંચાઈની માટે લાખણકા અને હમીરપરા ડેમનું પાણી ખાલી થઈ ગયું છે. જ્યારે અન્ય ડેમ 20 થી 30 ટકા ભરેલા છે. જાન્યુઆરીથી એપ્રિલના પહેલા માસ સુધી સિંચાઇની વ્યવસ્થા શરૂ હતી અને 11,550 હેક્ટર જમીનને પાણી આપવામાં આવ્યું હતું. પીવાના પાણી માટે ભાવનગરને 100 એમએલડી, ગારીયાધારને 25 એમએલડી અને પાલીતાણાને 2 એમએલડી પાણી આપવામાં આવે છે અને તેનો રિજર્વ જથ્થો રાખવામાં આવેલો છે.
આ પણ વાંચો:
યુવકે વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યા કરી, આરોપીની ધરપકડ સાથે તેના દુકાન પર બુલડોઝર ચલાવાયું
આ વ્યવસાયમાં ઘરે ઘરે મળે છે રોજગારી: ભાવનગરના એક જ વિસ્તારના 85 ટકા લોકો કરે છે કામ, જાણો