ભરૂચ : શહેરના પારસીવાડ વિસ્તારના ઘણા ઘરોમાં આજે પણ ચોમાસાના પાણીનો સંગ્રહ થતા મોટા ટાંકાઓ જોવા મળે છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં ભરૂચ નગરપાલિકા દ્વારા પાણીની સપ્લાય વર્ષોથી મર્યાદિત હોવાથી ત્યાંના રહેવાસીઓએ પરંપરાગત ભૂગર્ભ ટાંકા બનાવીને વરસાદી પાણી સંગ્રહ કરવાની રીત અપનાવી છે.
ભૂગર્ભ ટાંકા, એક અસરકારક વ્યવસ્થા : પારસીવાડમાં આવેલા આ ભૂગર્ભ ટાંકા 30થી 40 ફૂટ ઊંડા છે અને ચોમાસાના ચાર મહિના દરમિયાન છત પરથી આવતા વરસાદી પાણીને તેમાં સંગ્રહિત કરવામાં આવે છે. આ પાણી પછી આખા વર્ષે લગભગ આઠ મહિના સુધી પીવા, રસોઈ અને ઘરવપરાશ માટે વપરાય છે. આ વિસ્તારમાં વીજ કાપ હોય કે પાલિકા પાણીની સપ્લાય બંધ કરે, ત્યાંના લોકોએ એવું કહેવું છે કે અમને કદી પાણી માટે તકલીફ પડતી નથી.
"ઉનાળો હોય કે પાણીનો કાપ, ક્યારેય પાણીની તકલીફ નથી પડી"
આ અંગે સ્થાનિક રહેવાસી ફરીદા કેરાવાલાએ જણાવ્યું કે, "અમારા વડવાઓએ જેમ ઊંચા વિસ્તારોમાં ઘર બનાવ્યા તેમ જ પાણીના સંચય માટે પણ લાંબા સમયનો વિચાર કરીને વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે મોટા ટાંકાઓ બનાવ્યા હતા. તેના કારણે આજે પણ અમને કોઈ પણ દિવસ પાણીની કિલ્લત નથી પડી, એ પછી ઉનાળો હોય કે પાણીનો કાપ. અમે આ પાણીને જમવા બનાવવા અને પીવામાં વપરાશ કરીએ છે. મારી તો લોકોને અપીલ પણ છે તેઓએ પણ આવા ટાંકા બનાવી વરસાદી પાણીનો સંગ્રહ કરે તો આગામી સમયમાં પાણીની સમસ્યા સામે આપણને ઝઝૂમવાનો વારો નહીં આવે.
"પરંપરાગત માળખા માત્ર ઇતિહાસ નથી, પણ જળસંચયનો જીવંત ઉકેલ"
સામાજિક કાર્યકર્તા મોઝમ બોમ્બેવાલાએ જણાવ્યું હતું કે, આ વિસ્તાર નર્મદા નદીથી 80 ફૂટ જેટલો ઉપર આવેલો છે. પરંતુ અહીંયા રહેતા અનેક પારસી સમાજના લોકોએ ભવિષ્યનો વિચાર કરીને મોટા પાણીના ટાંકા બનાવી પાણીનો આજે પણ સંગ્રહ કરીને તેનો ઉપયોગ કરે છે. જેથી દરેક લોકો તેમનું અનુકરણ કરીને પોતાના ઘરોમાં વરસાદી પાણી સંગ્રહ કરે તો ઉનાળામાં પડતી પાણીની તકલીફથી બચી શકાય છે. આ પાણીના ટાંકા માટે લોકોનો એવો પણ સંદેશ છે કે વરસાદી પાણી સંગ્રહ કરવાનો આ પરંપરાગત માળખા માત્ર ઇતિહાસ નથી, પણ જળસંચય માટેનો જીવંત ઉકેલ છે.
ઇતિહાસમાંથી ભવિષ્યનો માર્ગ : ભરૂચના પારસીવાડમાંથી મળતું આ ઉદાહરણ એ સાબિત કરે છે કે પરંપરાગત જ્ઞાન અને માળખા માત્ર ઇતિહાસનો હિસ્સો નથી, પણ આજના સંકટોમાં જીવંત ઉકેલ બની શકે છે. વરસાદી પાણીનો સંગ્રહ કરવો એ સમયની માંગ છે. જો ભવિષ્યમાં પાણી માટેના ઝઘડા ટાળવા છે, તો આપણા ઘરમાં આવા ટાંકાનો પુનઃપ્રચાર અને અમલ કરવો હવે જરૂરી બની ગયો છે.