ભરૂચ: અંકલેશ્વર શહેરના ગોયા બજાર વિસ્તારમાં આવેલ સરકારી મુખ્ય શાળા નંબર 1 માં આજે બપોરે મોટી દુર્ઘટના થતાં થતાં ટળી હતી. શાળામાં મધ્યાહન ભોજન તૈયાર કરતી વખતે ગેસ સિલિન્ડરમાં લીક થવાથી અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટના દરમિયાન શાળામાં કુલ 190 વિદ્યાર્થીઓ હાજર હતા, જેઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓની ચતુરાઈ: આગ લાગતાની સાથે જ મધ્યાહન ભોજન યોજનાના સ્ટાફે આગજણી ઉપકરણ (ફાયર એક્સ્ટિંગ્યુસર) નો ઉપયોગ કરીને પાવડર ફોર્મથી આગ પર ગણતરીની મિનિટોમાં કાબૂ મેળવી લીધો હતો. તેથી વધુ નુકસાન થતું અટકાવ્યું.
અગ્નિશામક દળ આવી પહોંચે તે પહેલાં જ કાબૂ મેળવી લેવાયો: અંકલેશ્વર પાલિકા દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડ સ્થળ પર રવાના કરવામાં આવી હતી, પરંતુ ફાયર ફાયટરો સ્થળ પર પહોંચે તે પહેલા જ કર્મચારીઓ દ્વારા આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી.
શાળાના મુખ્ય શિક્ષક ગજેન્દ્ર પટેલે ઘટના વિશે જણાવ્યું કે, “ઘટનાની તાત્કાલિક જાણ થતાં જ વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડી લીધા હતા અને અમારી શાળાની ટીમે ફાયર એક્સ્ટીગ્યુસરનો મદદથી આગ બુઝાવી હતી. કોઇ પણ પ્રકારની જાનહાની ન થઈ હોવાના કારણે સૌએ રાહતનો શ્વાસ લીધો.”
તંત્રની તપાસ ચાલુ, સલામતીના માર્ગદર્શકો પર ભાર: હજુ સુધી કોઇ જાનહાનિની માહિતી નથી, પણ તંત્ર દ્વારા ઘટના અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. શાળાઓમાં સુરક્ષા વ્યવસ્થા અને અગ્નિ નિવારણ સાધનો સક્રિય હોવાનો આ પ્રસંગ જીવંત દાખલો છે.
આ પણ વાંચો: