ભરૂચ : ચૈત્ર માસના પાવન અવસરે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરના સજોદ ગામ સ્થિત વાળીનાથ બળિયાદેવ બાપજીના મંદિરે શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે. મહાભારત કાળના પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા આ મંદિરમાં ભક્તો વિશેષ માન્યતા સાથે ભક્તિપૂર્વક બાધા રાખીને દર્શન કરવા ઉમટી રહ્યા છે.
વાળીનાથ બળિયાદેવ મંદિર : વિશેષ કરીને ચર્મ રોગ જેવી દુર્લભ અને અસાધ્ય માનાતી બીમારીઓમાંથી મુક્તિ મેળવવા માટે લોકો અહીં ખાસ ધાર્મિક વિધિ અનુસરે છે. આ વિધિ અનુસાર ભક્તો પોતપોતાના ઘરોમાંથી આગલા દિવસે તૈયાર કરેલું જમવાનું લઈને આવે છે અને મંદિરમાં ઠંડુ ભોજન આરોગીને દર્શન કરે છે.
ચર્મ રોગથી છુટકારા માટેની વિધિ : ભક્તોનું માનવું છે કે અહીં વિધિ નિષ્ઠાપૂર્વક કરવાથી ચર્મ રોગમાંથી છુટકારો મળે છે. મંદિરના દર્શન કરતા પહેલા ભક્તો નજીકના પવિત્ર કુવામાંથી પાણી ભરી લાવે છે અને સૌથી પહેલા મંદિરના પગથિયાં ધોઈને શુદ્ધતા પ્રગટાવે છે. ત્યારબાદ ભગવાન વાળીનાથ બળિયાદેવના દર્શન કરી પોતાની મનોકામના વ્યક્ત કરે છે.
શ્રી રામના વનવાસ કાળ સાથે સંબંધ : અંકલેશ્વર વિસ્તારની ભૂમિ ભગવાન શ્રી રામના વનવાસ કાળ સાથે પણ જોડાયેલી માનવામાં આવે છે. તેમનો સંબંધ વડોદરાના પોર, સુરતના શિયાદલા અને સજોદના વાળીનાથ મંદિર સાથે પણ લોકકથાઓમાં જોવા મળે છે. વાળીનાથ દાદાનું આ સ્થાન આસ્થાનું કેન્દ્ર છે અને લોકોની ગાઢ શ્રદ્ધાનું પ્રતિક બની ચૂક્યું છે.

વાળીનાથ બળિયાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર : પહેલાં આ મંદિર જર્જરિત અવસ્થામાં હતું. સ્થાનિક લોકો અને ભક્તોના સહયોગથી હવે મંદિરનો સમારકામ અને જીર્ણોદ્ધાર કરી તેને નવી ભવ્યતા આપવામાં આવી છે. નવી સુવિધાઓ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ભક્તો વધુ ભક્તિભાવથી દર્શન કરી શકી રહ્યાં છે.

ચૈત્ર માસમાં ભક્તોની ભીડ : દર વર્ષે ચૈત્ર માસ દરમિયાન અહીં પ્રકારનો ધાર્મિક મેળો લાગે છે. લોકો દુર દુરથી અહીં આવી પોતાની મનની ઈચ્છાઓ પૂરી કરવા બાધા રાખે છે. આ ધાર્મિક પરંપરા પૌરાણિક કાળથી ચાલુ છે અને આજના આધુનિક યુગમાં પણ લોક વિશ્વાસ અતુટ રહ્યો છે.
આસ્થાનું જીવંત પ્રતીક : સજોદ ગામમાં આવેલ આ મંદિર માત્ર ધાર્મિક મહત્વ ધરાવતું નથી, પરંતુ આસ્થાનું જીવંત પ્રતીક છે. અનેક લોકોના જીવમાં આશા અને શ્રદ્ધાનો કિરણ બનીને તે દર વર્ષે અનેક ભાવિકોને આકર્ષે છે. ભવિષ્યમાં અહીં ધાર્મિક પર્યટન અને આરોગ્ય આધારિત આશ્રય કેન્દ્ર તરીકે વિકસાવવાનું યથાશક્તિ આયોજન કરવામાં આવે તેવી લોક અભિલાષા છે.